રફના ભાવમાં વધારા સામે સુરતના નાના વેપારીઓ વ્યાજના ચક્કરથી બચવા નફો જતો કરી તૈયાર હીરા વેચી રહ્યા છે

સુરત: (Surat) દિવાળીની સિઝન પહેલા રફ ડાયમંડના (Diamond) ભાવમાં 25 થી 30 ટકા વધી ગયા હતા. જે દિવાળી પછી પણ વધી રહ્યા છે. તેની સામે તૈયાર હીરાના ભાવો નહીં વધતા સુરત અને મુંબઈના નાના હીરાના વેપારીઓ (Diamond Traders) લિકવીડિટી ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. રફની ખરીદીનું પેમેન્ટ ચૂકવવા અને વ્યાજના ચક્કરથી બચવા ડિસ્કાઉન્ટમાં નફો જતો કરી તૈયાર હીરા વેચી રહ્યા છે. મધ્યમ અને મોટી કંપનીઓ તેનો લાભ ઉઠાવી રહ્યાં છે. જેને લઈને હીરા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો. નાના હીરા વેપારીઓ પાસે લિક્વિડિટી ઓછી હોવાને કારણે મજબૂરીમાં તૈયાર હીરા વેચી રહ્યાં છે.

કોરોનાના દોઢ વર્ષ પછી ઈન્ટરનેશનલ માર્કેટમાં તૈયાર હીરાની માંગમાં વધારો થતાં રફ ડાયમંડ માઈનિંગ કંપનીઓ દ્વારા રફના ભાવમાં 25થી 30 ટકા વધારો કર્યો હતો. હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન પૂરું થતા 80 ટકાથી વધારે હીરાના યુનિટો શરૂ થઈ ગયા છે. બીજી તરફ મોટા યુનિટો તૈયાર હીરાનો સ્ટોક કરી રહ્યાં છે. જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ‘દિવાળી પહેલા રફના ભાવ 25 થી 30 ટકા સુધી વધી ગયા હતા. હાલ રફની કોઈ તંગી નથી પરંતુ ભાવો વધી રહ્યા હોવાથી નાના વેપારીઓની ખરીદ બહાર જઈ શકે છે. જેમની પાસે લીકવિડીટી નથી તેઓ વ્યવહાર સાચવવા ડિસ્કાઉન્ટ ભાવે તૈયાર હીરા વેંચતા હોય શકે છે. મોટી કંપનીઓને નાતાલ અને ચાઈનીઝ ન્યુ યરના સારા ઓર્ડર મળ્યા છે.

રફ અને પોલીશ્ડ ડાયમંડ પર 0.25 ટકાનો જીએસટી સ્લેબ વધારી 1.50 ટકા કરવા માંગ

સુરત: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જીએસટીના દર વધારા સામે વિરોધ નોંધાવી આંદોલન કરવાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ હીરા ઉદ્યોગકારોની કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ 0.25 ટકા જીએસટીના સ્લેબમાં જામ રહેતા જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જીએસટી નો સ્લેબ 0.25 ટકાથી વધારી 1.50 ટકા કરવા માંગે કરી છે. જેથી બ્લોક ક્રેડિટ રિલીઝ થઈ શકે. જીજેઇપીસીએ ડાયમંડ પર ના વર્તમાન જીએસટીના સ્લેબમાં 6 ગણો વધારો કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. તેમાં કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આ મુદ્દો સામેલ કરવા રજૂઆત કરવામાં આવી છે. જીજેઇપીસીના ગુજરાત રિજિયનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં હાલ રફ ડાયમંડ પર 0.25 ટકા અને પોલિશડ એટલે કે તૈયાર હીરા પર પણ એક સમાન 0.25 ટકા જીએસટીનો સ્લેબ અમલી છે જ્યારે ડાયમંડ ગ્રેડિંગ સર્ટિફિકેટ અને બેન્ક સર્વિસીઝ પર 18 ટકા જીએસટી લાગે છે. જોબ ચાર્જ-લેબર ચાર્જ પર 5 ટકા જીએસટી લાગુ પડે છે.
હીરા ઉદ્યોગમાં જુદા જુદા તબક્કે ભરેલો ટેક્સ સ્લેબ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સ્વરૂપે પરત મળવો જોઈતો હતો પણ એવું થયું નથી. અત્યાર સુધી મોટી રકમની આઇ.ટી.સી. હીરા ઉધોગકારોના ખાતામાં જમા દર્શાવે છે. પણ તેનો ઉપયોગ થઇ શકતો નથી. આવી સ્થિતિમાં ખુદ હીરા ઉદ્યોગકારો વતી જીજેઇપીસીએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે હાલમાં રફ હીરા અને તૈયાર હીરા બંને પર 0.25 ટકા જીએસટીનો દર વધારીને 1.5 ટકા કરવામાં આવે. જેથી હીરા ઉદ્યોગકારોને જમા બોલતી આઇ.ટી.સી.ની કરોડોની રકમ ઉપયોગમાં લઈ શકાય. કેન્દ્ર સરકારે આગામી બજેટ માટે કાઉન્સિલ પાસે સૂચનો મંગાવતા તે સૂચનોમાં પણ આ મુદ્દે રજુઆત મોકલી આપવામાં આવી છે.

Related Posts