Comments

આવો, ભેગા મળીને પૃથ્વી પર કચરાના ઢગ ખડકીએ!

landfill2

ટેક્નોલોજી સુવિધા માટે હોય છે, પણ તે તેની પોતાની સમસ્યાઓ લઈને આવે છે. ઉપયોગકર્તાઓના વલણને લઈને પેદા થતી સમસ્યાઓનું પાસું સાવ અલગ છે. મુખ્ય વાત છે તેના થકી પેદા થતા પ્રદૂષણની. પ્લાસ્ટિકે આપણા રોજબરોજના જીવનમાં એવું સ્થાન હાંસલ કરી લીધું છે કે તેના વિનાના જીવનની કલ્પના અશક્ય જણાઈ. પ્લાસ્ટિકથી થતા લાભની સામે તેણે પર્યાવરણને એટલું બધું નુકસાન કર્યું છે કે તેનાં માઠાં પરિણામ શરૂ થઈ ગયાં છે. પ્લાસ્ટિકની જેમ જ વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહ્યાં છે.

આ ઉપકરણોને લઈને હવે ઈ-વેસ્ટ તરીકે ઓળખાતા ઈલેક્ટ્રોનિક કચરાની સમસ્યા સમસ્ત વિશ્વને ચિંતિત કરી રહી છે. આ ઉપકરણોનું આયુષ્ય સમાપ્ત થાય એ પછી તેને ફેંકી દેવામાં આવે છે. તેમાં અનેક ઝેરી યા જોખમી ઘટકો હોઈ શકે છે. તેનો નિકાલ યોગ્ય ઢબે કરવામાં ન આવે તો તે પર્યાવરણને તેમજ જનજીવનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. હવે ડિજીટલ પ્લેટફોર્મના ઉપયોગને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અમસ્તો પણ ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ સતત વધતો રહ્યો હતો. એમાં કોવિડની મહામારીને કારણે ફરજિયાતપણે ઑનલાઈન કાર્યપદ્ધતિ અપનાવવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. તેને કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ચલણ ધાર્યા કરતાં ઝડપથી વધવા લાગ્યું.

સામાન્યપણે ડિજીટલ માધ્યમનો ઉપયોગ ન કરતા હોય એવા અનેક લોકોએ એક યા બીજાં કારણોસર તેની પર અવલંબિત બનવું પડ્યું. એક જ ઉદાહરણથી આ બાબત વધુ સ્પષ્ટ થશે. પરિસ્થિતિ સામાન્ય હતી ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ હતો. મહામારીની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું એ મહત્ત્વનું અને અનિવાર્ય સાધન બની રહ્યું. એ હદે કે મોબાઈલ ફોન ન હોય એ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે એવા સંજોગો ઊભા થઈ ગયા. પોષાઈ શકે એવાં ઘણાં પરિવારોએ બાળકો માટે અલાયદા મોબાઈલ ફોન ખરીદવા પડ્યા.

ટેક્નોલોજી જ્યારે રોજબરોજના જીવનમાં પ્રવેશે અને સૌ કોઈ માટે સુલભ બની રહે ત્યારે તેના થકી થતા પર્યાવરણને નુકસાન બાબતે તેના ઉપયોગકર્તાઓ ભાગ્યે જ વિચારતા હોય છે, કેમ કે, ટેક્નોલોજીથી મળતી સુવિધા વ્યક્તિગત અને ત્વરિત હોય છે, જ્યારે તેનાથી પર્યાવરણને થતું નુકસાન સાર્વત્રિક અને લાંબે ગાળે થતું હોય છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું આયુષ્ય પ્રમાણમાં ટૂંકું હોય છે, કેમ કે, તેમાં સતત વિકાસ થતો રહેતો હોવાને કારણે તે ઝડપથી જૂનાં બની જાય છે.

ગોવા જેવા, સાવ નાનકડા રાજ્યના આંકડા જોઈએ. ગોવા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ અનુસાર, વરસે દહાડે તેમને ત્યાં પાંચસો-છસો મેટ્રિક ટન જેટલો ઈલેક્ટ્રોનિક કચરો થાય છે. આ પૈકી ૧૮૦ ટન ઈ-વેસ્ટ તેને છૂટો પાડનારા (ડિસ્મેન્ટલર) દ્વારા અને ૩૦૦-૪૦૦ મેટ્રિક ટન ઈ-વેસ્ટ એકત્રીકરણ કેન્દ્રો  દ્વારા આવે છે. સાવ નાનકડા આ રાજ્યના આંકડા પરથી અન્ય રાજ્યોનો, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોનાં કેન્દ્ર ગણાતાં રાજ્યોના આંકડા કલ્પી લેવા રહ્યા.

આમ તો, ઈ-વેસ્ટનો નિકાલ રજિસ્ટર્ડ હોય એવા ડિસ્મેન્ટલર થકી જ કરવાની માર્ગદર્શિકા છે. સામાન્ય પ્રક્રિયા અનુસાર એકઠા કરાયેલા ઈ-વેસ્ટને તોડીને અલગ કરવામાં આવે, એ પછી તેનું વિભાજન કરવામાં આવે અને જે ઘટકોનો પુનઃઉપયોગ થઈ શકે એમ હોય તેને એ માટે મોકલવામાં આવે, જ્યારે બાકીનાનો સલામતીપૂર્વક નિકાલ કરવામાં આવે. આ બાબતે હજી પૂરતી જાગૃતિ કેળવાયેલી નથી. આથી ઘણે બધે ઠેકાણે અને ઘણી બધી માત્રામાં ઈ-વેસ્ટનો નિકાલ અન્ય સાદા કચરા કે પ્લાસ્ટિકના કચરા ભેગો કરવામાં આવે છે. સામાન્ય પ્રથા અનુસાર વિકસિત દેશો પોતાના ઈ-વેસ્ટને વિકાસશીલ દેશોમાં છૂટથી ઠાલવે છે.

વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં આવા ઈ-વેસ્ટના વ્યાપારનો નોંધપાત્ર હિસ્સો હોય છે. એ રીતે વિકસિત દેશો પોતાના દેશમાં કાનૂનનું પાલન અને પર્યાવરણનું રક્ષણ કરી લે છે, પણ વૈશ્વિક સ્તરે સમસ્યાનો નિકાલ આવવાને બદલે એ વકરતી રહે છે. યોગ્ય માર્ગદર્શિકા હોય તો એનો અમલ કરવાની જવાબદારી જે તે રાજ્ય સરકારના સંબંધિત વિભાગની અને તેના અધિકારીઓની છે. આ ક્ષેત્રે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ હજી જોઈએ એટલી કાર્યરત નથી લાગતી. એ હકીકત છે કે ટેક્નોલોજીનું આકર્ષણ ખાળી શકાય નહીં એટલું પ્રચંડ હોય છે. આમ છતાં, તેની સાથે સંકળાયેલા ઈ-વેસ્ટના પાસાંને બિલકુલ અવગણી શકાય નહીં.

આપણા દેશના વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ઈ-વેસ્ટના વ્યવસ્થાપન અંગેના નિયમો ૨૦૧૧ માં તૈયાર કરવામાં આવ્યા હતા, જે ૨૦૧૨ થી અમલી બનેલા છે. રાજ્યોનાં વિવિધ ક્ષેત્રોમાં પેદા થતા ઈ-વેસ્ટના જથ્થા અંગે વિશ્વસનીય અને પ્રમાણભૂત માહિતી હજી ઉપલબ્ધ નથી. એ દર્શાવે છે કે આ ક્ષેત્રે હજી ઘણું કામ કરવાનું બાકી છે. કમ્પ્યુટર, ટેલિફોન, મોબાઈલ ફોન અને તેની સાથે સંકળાયેલાં અનેક નાનાં મોટાં ઉપકરણો ઉપરાંત રેફ્રિજરેટર, ટી.વી. સેટ, વૉશિંગ મશીન, એર કન્ડિશનર જેવાં વીજ ઉપકરણોનો આ શ્રેણીમાં સમાવેશ થાય છે. એટલે કે આ ઉપકરણોના વિવિધ પૂરજાઓનો નિકાલ ઈ-વેસ્ટના નિકાલની માર્ગદર્શિકા અનુસાર કરવો જરૂરી છે.

નિકાલના નિયમોનો અમલ કર્યાને હજી પૂરો દાયકો પણ નથી વીત્યો અને ઈ-વેસ્ટની સમસ્યા એકદમ પડકારરૂપ બની રહી છે. આ સમસ્યા એવી છે કે તેના ઉકેલની યોગ્ય પ્રક્રિયા નક્કી કરવામાં આવે એટલા સમયમાં તે અનેકગણી વકરી જાય. આ બાબતે પ્રત્યેક રાજ્ય નિયમોના અમલને સુનિશ્ચિત કરે એ તો જાણે બરાબર, પણ પ્રત્યેક નાગરિકે પોતાના સ્તરે જાગરૂકતા કેળવવી જરૂરી છે. ટેક્નોલોજી હંમેશાં ‘માંગ માંગ, માંગે તે આપું’ની અવસ્થામાં હોય છે. એવે સમયે ‘જરૂર પૂરતું જ’ માંગવામાં સ્વવિવેક જાળવવો જરૂરી બની રહે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top