Comments

ખેડૂતો નહીં, ચૂંટણી હારવાના ડરથી કૃષિકાનૂનો પાછા ખેંચાયા છે

PM Modi Repealed 3 Farm Laws Live Update, farm laws, farmers protest, kisan  andolan, rakesh tikait | India News – India TV

વિનાયક દામોદર સાવરકરના શિષ્ય અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં માફી માગી છે ત્યારે વડા પ્રધાનની માફી વિષે અહીં ચર્ચા કરવી જરૂરી છે. કૃષિકાનૂન પાછા લેવાની જાહેરાત કરતાં વડા પ્રધાને આ મુજબ કહ્યું હતું: “મેં દેશવાસીયોં સે  માફી માંગતે હુએ સચ્ચે મન સે ઔર પવિત્ર હ્રદય સે કહના ચાહતા હૂં કિ શાયદ હમારી તપસ્યા મેં હી કોઈ કમી રહ ગઈ હોગી જિસકે કારણ દિએ કે પ્રકાશ જૈસા સત્ય કુછ કિસાનોં કો હમ સમઝા નહીં પાએ.”

હકીકતમાં તેમનું આખું ભાષણ યુ ટ્યુબ ઉપર સાંભળી લેવું જોઈએ. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા વડા પ્રધાન છે જેમની ભાષા કરતાં પણ વધારે તેમની દેહભાષા (બોડી લેન્ગવેજ) વાંચવી જરૂરી છે. વડા પ્રધાન કહે છે કે દેશના વ્યાપક હિત માટે સરકારે કૃષિકાનૂન બનાવ્યા હતા, પરંતુ કેટલાક ખેડૂતોના વિરોધના કારણે એ કાનૂન હવે પાછા લેવા પડે એમ છે અને સરકાર તેને રદ કરી રહી છે. વડા પ્રધાન કહે છે કે સચ્ચે મન સે ઔર પવિત્ર હદય સે પ્રયાસ કરને કે બાદ ભી હમ દિએ કે પ્રકાશ જૈસા લાભ “કુછ કિસાનો” કો હમ સમઝા નહીં પાએ.  તો વડા પ્રધાને દેશની જનતાની માફી માગી છે.

રાષ્ટ્રહિતમાં વિલન કોણ નીવડ્યા? “કેટલાક” ખેડૂતો. “કેટલાક” ખેડૂતોની આડોડાઈના કારણે દેશ અને દેશના કરોડો (વડા પ્રધાનના કહેવા મુજબ દસ કરોડ) નાના ખેડૂતો લાભોથી વંચિત રહી ગયા એમ પણ વડા પ્રધાને કહ્યું છે. વડા પ્રધાને ઈશારો કર્યો છે કે જેઓ સરકારનો પક્ષ સાંભળવા નહોતા માગતા અને કાનૂનનો વિરોધ કરતા હતા તેમના સ્થાપિત હિતો હતા. સમાજમાં આડી-ઊભી તિરાડો પાડવામાં મહારથ ધરાવનારા વડા પ્રધાને કૃષિકાનૂન પાછા લેવાની જાહેરાત કરતી વખતે પણ ખેડૂતો વચ્ચે તિરાડ પાડવાનું ચૂક્યા નથી.

વડા પ્રધાને જો આજે માફી માગવી પડી છે તો એ માટે તેઓ પોતે જવાબદાર છે. શા માટે લોકડાઉનના સમયમાં લોકડાઉનનો લાભ લઈને, નિયમ અને પરંપરાની ઐસીતૈસી કરીને, ઉતાવળે સંસદ બોલાવીને, લગભગ પાછલે બારણેથી કૃષિખરડા પસાર કરવામાં આવ્યા? શા માટે ખરડાઓમાંની જોગવાઈઓના લાભાલાભની હજુ વધુ ચકાસણી માટે સંસદસભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં ન આવ્યા? શા માટે રાજ્યસભાને અક્ષરશ: હાઈજેક કરવામાં આવી? શા માટે ખરડામાંની જોગવાઈ બાબતે કૃષિનિષ્ણાતોની સલાહ માગવામાં ન આવી? શા માટે ખેડૂતોના સંગઠનો સાથે ચર્ચાવિચારણા કરવામાં નહોતી આવી?

રોક્યા હતા. એ લોકોએ રોક્યા હતા જેમને કૃષિકાનૂન દ્વારા લાભ થવાનો હતો. એ લોકોએ રોક્યા હતા જેઓ અન્ન ઉગાડતી દેશની જમીનને એસ્ટેટમાં ફેરવવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ ખેડૂતોને ગામડાંમાંથી ઉખેડીને શહેરની ઝૂંપડપટ્ટીઓમાં ધકેલવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ કૃષિ-ગ્રામીણ ભારત નામનો સદીઓ જૂનો રોમાંચક પણ આજના નવમૂડીવાદીઓને સતાવનારો વિકલ્પ હંમેશ માટે સમાપ્ત થઈ જાય એમ ઈચ્છે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ દરેક પ્રકારના ઉત્પાદન ઉપર કબજો કરવા માગે છે અને તેમાં અન્નના દાણાનો પણ સમાવેશ થાય છે.

(કૃષિ-ગ્રામીણ ભારતનો વિકલ્પ અમે ઉગાડીએ અને આપણે ખાઈએવાળો છે, જ્યારે નવમૂડીવાદીઓને અમે વેચીએ અને તમે ખાવ વાળો વિકલ્પ જોઈએ છે.) એ લોકોએ રોક્યા હતા જેમને મન માનવીનો ખપ માત્ર તેમના ઉત્પાદનના ઉપભોક્તા પૂરતો જ છે. એ લોકોએ રોક્યા હતા જેઓ માર્કેટ ઉપર ઈજારાશાહી સ્થાપવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ શાસકોને શાસન સુધી પહોંચાડે છે અને ત્યાં ટકાવી રાખે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ રાજ્ય ઉપર (શાસકો ઉપર, સરકાર ઉપર અને એ રીતે દેશ ઉપર) કબજો કરીને બેઠા છે. કરવા માગે છે નહીં, કરી ચૂક્યા છે. એ લોકોએ રોક્યા હતા જેઓ શાસકોના આક્કાઓ છે અને સત્તા માટેનો પ્રાણવાયુ પૂરો પાડે છે.

વડા પ્રધાને જે માફી માગી છે એ વાસ્તવમાં દેશની જનતાની નથી માગી, પણ ઉપર કહ્યા એવા લોકોની માગી છે જેમને કૃષિકાનૂન દ્વારા લાભ થવાનો હતો. સાતસો ખેડૂતોના પ્રાણ લીધા પછી પણ અમે તમારું કામ ન કરી શક્યા. ખેડૂતો દિલ્હી પહોંચી ન શકે એ માટે રસ્તાઓમાં જેટલા ખીલ્લા ઠોકવા જોઈતા હતા એટલા ખીલા અમે ઠોકી ન શક્યા. બેરીકેડ દ્વારા જેટલા રસ્તાઓ અવરોધવા જોઈતા હતા એટલા અમે અવરોધી ન શક્યા. વોટરકેનનનો મારો કરવામાં અમે ઊણા ઊતર્યા. ખેડૂતોને બદનામ કરવામાં, ગાળો આપવામાં અને તેમના ઉપરથી વાહન ચલાવવામાં અમે પાછા પડ્યા.

ગોદી મીડિયા અને કઢીચટ્ટાઓ પણ ઊણા ઊતર્યા. ખેડૂતો વચ્ચે ફાટફૂટ પાડવાના પ્રયાસો નિષ્ફળ ગયા. તેઓ ઉશ્કેરાઈને કાયદો હાથમાં લે એ માટે ઉશ્કેરવાનો પ્રયાસ પણ કરી જોયો પણ તેમાં સફળતા મળી નહીં. એની વચ્ચે કમબખ્ત વિધાનસભાઓની ચૂંટણીઓ આવ્યા કરે છે અને એમાં આ વખતે તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક છે એટલે “કેટલાક” ખેડૂતોની આડોડાઈ સામે ઝૂકવું પડ્યું છે. સચ્ચે મન સે ઔર પવિત્ર હદય સે હમ માફી માંગતે હૈ.

વડા પ્રધાને એ વાતનો ફોડ નથી પાડ્યો કે શા માટે જેમને કૃષિસુધારા દ્વારા લાભ થવાના હતા એવા ખેડૂતોને પણ તેઓ સમજાવી ન શક્યા? બીજેપીએ “કેટલાક” ખેડૂતો સામે પ્રતિ-આંદોલન કરાવવાનો પ્રયાસ કરી પણ જોયો હતો જેમાં તેને સફળતા નહોતી મળી. દેશભરના નાના ખેડૂતો જો કાનૂનના વિરોધમાં રસ્તા ઉપર નહોતા ઊતર્યા તો તેના સમર્થનમાં પણ નહોતા ઊતર્યા. શા માટે? વડા પ્રધાને આ વાતનો પણ ખુલાસો કરવો જોઈતો હતો.

નાના ખેડૂતો કાનૂનનો વિરોધ કરવા રસ્તા ઉપર નહોતા ઊતર્યા એનું કારણ દાયકાઓથી નુકસાનીમાં ચાલતી ખેતીના અનુભવે ખેતીની બાબતમાં હવે તેઓ ઉદાસીન થઈ ગયા છે. હવે સરકાર પાસેથી તેમની કોઈ અપેક્ષા જ નથી બચી. તેઓ ખેતી સિવાયના કોઈ બીજા વિક્લ્પની ખોજમાં પણ છે, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે કોર્પોરેટ કંપનીઓના શેઠજીઓ નાણાંની કોથળી લઈને ગ્રામ-પ્રવેશ કરે અને નાના ખેડૂતો તેમનું સ્વાગત કરે!

જો એમ હોત તો નાના ખેડૂતોનું ઉઘાડું સમર્થન સરકારને મળ્યું હોત. એટલું તો તેમને પણ સમજાઈ ગયું હતું કે કૃષિસુધારા શેઠજીઓના ગ્રામ-પ્રવેશ માટે ઘડવામાં આવ્યા છે, સરકારે શ્રીમંત ખેડૂતો તો ઠીક, પણ નાના ખેડૂતો સાથે પણ સંવાદ કરવાનો પ્રયાસ નહોતો કર્યો. ઈરાદો જમીન પડાવી લેવાનો હતો, શેઠજીઓના ગ્રામ-પ્રવેશનો હતો, ખેડૂતોના ઉદ્ધારનો નહોતો એટલે સરકાર વાતચીત કરે તો તેમના હિતની દલીલ શું કરે? નાગરિકતા કાનૂન સામેના આંદોલનને જે રીતે દેશદ્રોહી મુસલમાનોના આંદોલન તરીકે ખપાવવામાં આવ્યું હતું એમ જ આ આંદોલનને દેશદ્રોહી ખાલીસ્તાનીઓના આંદોલન તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ સરકારને તેમાં સફળતા મળી નહોતી. સરકાર આંદોલનને કોમી સ્વરૂપ આપવામાં અને દેશપ્રેમનો કેફ ચડાવવામાં નિષ્ફળ ગઈ.

જો આંદોલનકારી ખેડૂતો શીખો અને હિંદુઓની જગ્યાએ મુસ્લિમ હોત તો સરકારને શાહીનબાગમાં જે સફળતા મળી હતી એ આ વખતે પણ મળી હોત. મુશ્કેલી એ થઈ કે શહેરી હિંદુ મધ્યમ વર્ગના ત્રીજી પેઢીએ જે દાદા હતા એ ખેડૂત હતા અને કેટલાક હજુ પણ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હિંદુ મધ્યમ વર્ગના તાંતણા ગામ અને ખેતી સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલા છે. તેઓ અર્ણવ ગોસ્વામીઓના પ્રાઈમ ટાઈમ જોઇને જેટલા ધૂણવા જોઈતા હતા એટલા ધૂણ્યા નહોતા. તેમને ગ્રામીણ જીવન અને દાદાની સાથે ખેતરે જવાનો રોમાંચ યાદ આવતો હતો. હા, બહુમતી ખેડૂતો મુસલમાન હોત તો વાત જુદી હતી!

દાદા માટે સહાનુભૂતિ ધરાવતો પોતરો પણ ભક્તિભાવ છોડીને મત ન આપે તો ચૂંટણી જીતવી કેવી રીતે? એકલા મબલખ પૈસાથી ચૂંટણી જીતી શકાતી નથી એ પશ્ચિમ બંગાળે બતાવી આપ્યું છે. પણ વડા પ્રધાનના કથનમાં એક વિરોધાભાસ છે એનું તેમને ધ્યાન રહ્યું લાગતું નથી. તેમણે કેટલાક ખેડૂતોને રાષ્ટ્રહિતમાં વિલન જાહેર કર્યા છે અને હવે વિલન અને વિલનના પોતરા પાસેથી મતની અપેક્ષા પણ રાખે છે! જુઓ ચૂંટણીમાં શું થાય છે.

અને છેલ્લે એક રાષ્ટ્ર એક ચુનાવની વાત આવે ત્યારે સાવધાન થઈ જજો. કેટલાક લોકો એક રાષ્ટ્રની વાત સાંભળીને દૂઝણી ગાયની જેમ પ્રાહવી જતા હોય છે. દેશપ્રેમથી ગદ્ગદ્ થઈ જાય. લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક વાર એક સાથે થઈ ગઈ એટલે પાંચ વરસની મનમાની. આવું રાજ્ય અને આવા શાસકો જોઈએ છે?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top