Gujarat

કમલમ કાર્યક્રમમાં કકડાટ, જાહેર મંચ પર જગદીશ વિશ્વકર્માએ ટાગોરને ગણાવ્યા ‘વંદે માતરમ્’ના રચયિતા

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પાંચ રાજ્યોમાં મળેલી ચૂંટણી જીતની ઉજવણી દરમિયાન એક વિવાદ ઊભો થયો છે. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાષણ આપતાં મોટી ભૂલ કરી, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. કાર્યક્રમ દરમિયાન તેમણે ‘વંદે માતરમ્’ ગીતના રચયિતા તરીકે રવિન્દ્રનાથ ટાગોરનું નામ લીધું. હકીકતમાં ‘વંદે માતરમ્’ના રચયિતા બંકિમચંદ્ર ચેટરજી છે. આ ભૂલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેર મંચ પર થઈ, જેના કારણે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો.

આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પાંચ રાજ્યોમાં મળેલી જીતની ઉજવણી કરી રહ્યા હતા. એ દરમિયાન પોતાના સંબોધનમાં જગદીશ વિશ્વકર્માએ બંગાળના મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે ‘વંદે માતરમ્’ રચ્યું હતું. જોકે, આ માહિતી ખોટી હોવાથી તરત જ રાજકીય પ્રતિક્રિયાઓ આવવા લાગી. કોંગ્રેસે આ મુદ્દે ભાજપને નિશાન બનાવ્યું છે. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે આ ભૂલને ગંભીર ગણાવી અને કહ્યું કે જે પક્ષ ‘વંદે માતરમ્’ના નામે રાજનીતિ કરે છે, તેના પ્રદેશ પ્રમુખને જ તેના રચયિતા વિશે સાચી માહિતી ન હોવી દુઃખદ બાબત છે. તેમણે કહ્યું કે આ માત્ર એક સામાન્ય ભૂલ નથી, પરંતુ દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબત છે.

હેમાંગ રાવલે વધુમાં ઉમેર્યું કે ‘વંદે માતરમ્’ની રચના બંકિમચંદ્ર ચેટરજીએ 1870ના દાયકામાં કરી હતી અને 1882માં તેમના નવલકથા ‘આનંદ મઠ’માં તેને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ગીત સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશભક્તિનું પ્રતિક બન્યું હતું અને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યું હતું. કોંગ્રેસના નેતાએ આ ઘટનાને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના યોગદાનનો અપમાન ગણાવ્યો. તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો કે પાર્ટી દેશભક્તિના મુદ્દાઓ પર રાજનીતિ કરે છે, પરંતુ પોતાના નેતાઓને મૂળભૂત ઇતિહાસની જાણકારી પણ નથી.

બીજી તરફ, ભાજપે હજી સુધી આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ભૂલને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઘટના એ પણ બતાવે છે કે જાહેર જીવનમાં રહેલા નેતાઓ માટે ઇતિહાસ અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રતીકો વિશે સાચી જાણકારી રાખવી કેટલી જરૂરી છે. ખાસ કરીને ત્યારે, જ્યારે આવા વિષયો દેશભક્તિ અને ભાવનાઓ સાથે સીધા જોડાયેલા હોય. સમગ્ર મામલો હવે રાજકીય આક્ષેપ-પ્રત્યારોપમાં ફેરવાઈ ગયો છે. એક તરફ કોંગ્રેસ આને મુદ્દો બનાવી ભાજપને ઘેરી રહી છે, જ્યારે બીજી તરફ ભાજપ માટે આ ઘટના ઈમેજ મેનેજમેન્ટની પડકારરૂપ બની શકે છે.

Most Popular

To Top