Gujarat

કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી કચ્છમાં રમતગમતને પ્રોત્સાહન – 105 મેદાનોને મળ્યો સત્તાવાર દરજ્જો

ગાંધીનગર,
કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારી વચ્ચે કચ્છ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પહેલ હાથ ધરવામાં આવી છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં પ્રથમવાર વ્યાપક સ્તરે રમત-ગમતના મેદાનો નીમ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ ઝુંબેશ અંતર્ગત કચ્છના તમામ 9 તાલુકામાં કુલ 105 રમત-ગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.પીએમ નરેન્દ્ર મોદીના ખેલો ઈન્ડિયા અભિયાન અને રાજ્ય સરકારના ખેલ મહાકુંભ જેવા પ્રયાસોથી પ્રેરાઈ કચ્છમાં આ પહેલ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે ખેલપ્રતિભાઓને વિકસાવવાનો અને યુવાનોને મોબાઇલની દુનિયાથી બહાર કાઢીને મેદાન તરફ આકર્ષવાનો છે.

આ અભિયાન હેઠળ જિલ્લામાં પડતર સરકારી જમીનોની ઓળખ કરીને તેને રમત-ગમતના મેદાન તરીકે રેવન્યૂ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. માત્ર એક માસના ટૂંકા ગાળામાં ફિલ્ડ વિઝિટ અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને કુલ 8,49,870 ચોરસ મીટર જમીન રમતગમત માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પહેલથી ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે અને યુવાનોને પ્રેક્ટિસ માટે યોગ્ય માળખું મળશે.

કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, સરહદી અને વિશાળ જિલ્લામાં યુવાનોની શારીરિક તેમજ માનસિક ક્ષમતાના વિકાસ માટે રમત-ગમતના મેદાનો જરૂરી છે. આ મેદાનો માત્ર ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે જ નહીં, પરંતુ સેનામાં જોડાવા ઇચ્છુક યુવાનો તથા પોલીસ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે પણ ઉપયોગી સાબિત થશે.
તાલુકાવાર વિતરણ મુજબ માંડવીમાં 37, મુન્દ્રામાં 14, ભુજમાં 8, નખત્રાણામાં 5, અબડાસામાં 10, અંજારમાં 12, ભચાઉમાં 5, રાપરમાં 9 અને લખપતમાં 5 એમ કુલ 105 મેદાનો નીમ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં સૌપ્રથમ કચ્છ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં રમત-ગમતના મેદાનોને એકસાથે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે, જે ભવિષ્યમાં રાજ્યને શ્રેષ્ઠ ખેલાડીઓ આપવા માટે મજબૂત પાયો સાબિત થશે. “મોબાઇલથી મેદાન તરફ” જેવી પ્રેરણાદાયી પહેલ દ્વારા કચ્છ હવે રમતગમત ક્ષેત્રે નવા મોખરે આગળ વધતું દેખાઈ રહ્યું છે.

Most Popular

To Top