Charchapatra

ભારતમાં લોકશાહી

અંત્યોદયની ભાવના મુજબ છેવાડાના અંતિમનો સાચો ઉદય થવો જરૂરી છે. એકસો ચાળીસ કરોડ ભારતીયોની સ્થિતિ ભિન્ન ભિન્ન હોવાથી લોકશાહી છિન્નભિન્ન થઇ રહી છે.  અંગ્રેજોના શાસનમાં પ્રજાસત્તાક વ્યવસ્થા નહીં હોવાથી લોકશાહી અને આઝાદીને બદલે ગુલામી ચાલતી હતી, એટલે દેશને આઝાદ  કરાવવા આંદોલનો થતાં રહ્યાં, દેશપ્રેમીઓએ બલિદાનો આપ્યાં, છતાં આજે વિપરીત પરિણામો જોવાય છે. સામાન્ય નાગરિકને તેના રોજિંદા જીવનમાં સ્વતંત્રતાનો અનુભવ થવો જોઇએ. બેરોજગારી, ભૂખમરો, ગરીબાઇ અને માથે ઝીંકાતા અસહ્ય વેરાઓ વેરી બને છે. શિક્ષણ, સ્વાસ્થ્ય પણ ખર્ચાળ બને છે, સરકારી તંત્રોનો ડર અને ઠગવાની તરકીબ સમાન ‘રેવડી’ -મફતિયા પ્રદાન વચનો – પ્રવચનો દેશને નબળો પાડે છે.

રાષ્ટ્રભાવના સાથે જેમણે આઝાદી માટે આંદોલનોમાં ભાગ લીધો નથી તેઓ સત્તાસ્થાને ગમે તેવી ચાલબાજીથી ચઢી બેસે છે. નફરતનું ગંદું, હિંસક રાજકારણ ફેલાવે છે. શિક્ષણ, આરોગ્ય, ઘર, પાણી જેવી પ્રાથમિક સુવિધા પર સૌનો અધિકાર ઝૂંટવાય છે. પ્રજાસત્તાક  વ્યવસ્થાની દુર્દશાએ લોકશાહીને માંદગીમાં ધકેલી દીધી છે, સ્વતંત્રતાઓ રૂપિયાને આધીન છે. સરકારી નિયંત્રણ વિના આમંત્રણ મળી રહે છે ખાનગીકરણને, જે રોજિંદા જીવનની સ્વતંત્રતાને મર્યાદિત કરી દે છે. માત્ર ધ્વજવંદનની પ્રતીકાત્મકતા જ સાચી રાષ્ટ્રભાવના કે લોકશાહી પેદા કરી શકતી નથી.

મુકત અર્થવ્યવસ્થા, ઉદારીકરણને નામે મૂડીવાદી દૂષણે પ્રવેશ કર્યો છે. ખાનગીકરણ એ પૈસાદારોને વધુ તક આપી ગરીબોની તકને દબાવી દેવાની યુકિત પુરવાર થાય છે. નાગરિકોનો હક ઝૂંટવાઇ ન જાય તે જોવાની જવાબદારી પણ સરકારની છે. ગરીબોના ખોરાક પર કરવેરા ઝીંકી દઇ રડાવવાનું શોભે નહીં. મુકત અભિવ્યકિત પર ભારતીય વ્યકિતને ‘રાજદ્રોહ’ કે ‘રાષ્ટ્રદ્રોહ’ના અપરાધી ગણી લેવાય, તે રીતે તો લોકશાહી જ રુંધાય. નાગરિકોનું જીવન સસ્તું, વિકટ થતું જાય છે. રીઢા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ, મોટા ક્રિકેટરો, ફિલ્મી અભિનેતાઓ ધન દૌલત અને વૈભવ વિલાસમાં ડૂબેલા છે, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પક્ષીય રાજકારણમાં લાભ શોધે છે અને પક્ષ – વિપક્ષોમાં પશુની જેમ ખરીદ વેચાણ થાય છે. આમ છતાં વ્યથિત દશામાંયે દેશ પ્રેમીજનોના મુખેથી ઉદ્‌ગાર સરતો રહે છે – ‘ભારત માતાકી જય.’
સુરત  – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top