Dakshin Gujarat

દાદરા નગર હવેલીના માંદોનીમાં મિનીબસ ઝાડ સાથે અથડાતા 35 યાત્રીને ઈજા

સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના(Dadra Nagar Haveli) માંદોની પટેલાદ પાસે એક બસ ઘટાદાર વૃક્ષ સાથે અથડાતા (Bus Accident) બસમાં સવાર 35 યાત્રીને (35 Passengers) નાની મોટી ઈજાઓ (Injuries) પહોંચી હતી. મંગળવારે મુસાફરો ભરેલી મીની બસ ખાનવેલથી સીંદોની તરફ જઈ રહી હતી. તે દરમ્યાન માંદોની પટેલાદ પાસે બસના ડ્રાઈવરનો સ્ટિયયરીંગ પરથી કાબુ જતાં બસ સીધી ઘટાદાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

ઈજાગ્રસ્તોને ગંભીર સ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં ખસેડાયા
જે સમયે આ ઘટના સર્જાઈ ત્યારે બસમાં 35 મુસાફરો સવાર હતા. જે પૈકી 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક બાળકી જેનો પગ ફ્રેક્ચર થતા બાળકી સમતે અન્ય ઈજાગ્રસ્તોને ગંભીર સ્થિતિ વચ્ચે વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 28 યાત્રીઓને નાની સરખી ઈજાઓ થતાં તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.

કોઈપણ મુસાફરની જાનહાની થવા પામી ન હતી
જો કે, આ ઘટનામાં કોઈપણ મુસાફરની જાનહાની થવા પામી ન હતી. આ તરફ બસનો ડ્રાઈવર જે ગંભીર રીતે ઘાયલ થઈ સ્ટિયરીંગમાં ફસાઈ ગયો હતો. તેને પણ લાંબા સમય સુધી બચાવ કામગીરી કરી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.

સુરતના પ્રવાસીઓની કારને ડાંગમાં નડ્યો અકસ્માત
સાપુતારા : પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં ડાંગ જિલ્લાનાં વઘઇ તરફથી આહવા તરફ આવી રહેલી દીપ દર્શન શાળાની બોલેરો જીપ ન.જી.જે. 30. એ.1632 તથા ડાંગની સહેલગાહ પુરી કરી સુરત તરફ જઈ રહેલા સુરતી પ્રવાસીઓની કાર ન. જી.જે.05.આર.એન.1339 જે બન્ને આહવાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં નડગખાદી ગામ નજીકનાં વળાંકમાં વરસાદી માહોલમાં સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર મુસાફરોને શરીરનાં ભાગે નાની મોટી ઈજા પહોચતા સારવારનાં અર્થે આહવા તથા સુરત ખસેડાયા હતા. આ બનાવમાં બંને વાહનોનાં બોનેટનો કચ્ચરઘાણ વળી જતા જંગી નુકસાન થયુ હતુ.

Most Popular

To Top