Gujarat

BSFના જવાનોની સાઇક્લોથોન : ૪૯ દિ’માં ૧૯૯3 કિમીનું અંતર કાપશે

નડિયાદ: જ્યારે ભારતીય સેનાના જવાનોની વાત આવે ત્યારે ગૌરવ તો થાય જ. સીમા પર પોતાના જીવની પરવા કર્યા વગર મા ભોમની રક્ષામાં જોડાયેલા જવાનો હાલમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એક સાઇક્લોથોન યોજીને લોકોને જાગૃતિનો સંદેશ પાઠવી રહ્યા છે. જમ્મુથી નીકળેલી આ સાઇક્લોથોન સોમવારે નડિયાદ આવી પહોંચી હતી. જ્યાં ટૂંકા વિરામ દરમિયાન જવાનોનો જુસ્સો જોઇને સહુ કોઇ અભિભૂત થઇ ગયા હતા.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે બી.એસ.એફ. દ્વારા સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બી.એસ.એફ. ના ૧૦૦ જવાનો સાઇકલ લઇને ૧૫ મી ઓગસ્ટના રોજ જમ્મુથી નીકળ્યા હતા. તેઓ  દાંડી સુધીનું ૧૯૯3 કિ.મી. નું અંતર ૪૯ દિવસમાં પૂર્ણ કરીને ૨ જી ઓક્ટોબરે દાંડી પહોંચશે. લોકજાગૃતિના ઉદ્દેશ સાથે નીકળેલી આ યાત્રા સોમવારે બપોરે નડિયાદ આવી પહોંચી હતી. જ્યાં ટૂંકા વિરામ બાદ સાઇક્લોથોન આણંદ તરફ રવાના થઇ હતી. હાથમાં તિરંગો અને મનમાં મા ભોમની રક્ષાનો ધ્યેય સાથે નીકળેલા જવાનોએ ભારત માતા કી જય..

ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજવ્યું હતું. ન્યૂ ઇન્ડિયા ફીટ ઇન્ડિયા (નવું ભારત-સ્વસ્થ ભારત), ક્લિન વિલેજ (સ્વચ્છ ગામ), ગ્રીન વિલેજ (હરિયાળું ગામ), એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મ નિર્ભર ભારતના પ્લે કાર્ડ સાથે જવાનોએ લોકજાગૃતિનો સંદેશ આપ્યો હતો. ૨ જી ઓક્ટોબરે દાંડી ખાતે સાઇક્લોથોનનું વિસર્જન થશે. માર્ગ ઉપરથી સાઇકલ લઇને પસાર થઇ રહેલા જવાનોને જોઇને લોકોએ પણ તેમનું અભિવાદન કર્યું હતું.

Most Popular

To Top