National

દેશમાં Cyclone Mochaની આગાહી: આગામી 5 દિવસ માટે IMDએ જાહેર કર્યું એલર્ટ

દેશમાં આગામી 5 દિવસ વાવાઝોડા મોચાની (Cyclone Mocha) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર 8 મે સુધીમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે જેના કારણે બંગાળની ખાડીનાં આસપાસનાં વિસ્તારોમાં 8મે થી 12 મે દરમિયાન મધ્યમ વર્ષા જોવા મળી શકે છે. જ્યારે સીમાવર્તી વિસ્તારોમાં 8થી 11 મે દરમિયાન ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. આ સિવાય 10 મેનાં અંદમાન-નિકોબાર દ્વીપસમૂહોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

દેશના કેટલાક વિસ્તારોમાં આગામી 12મે સુધી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 9 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સાઈક્લોન મોચા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ચક્રવાતી તોફાન લગભગ ઉત્તર તરફ મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. 8-12 મે સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મોટા ભાગના સ્થળોએ મધ્યમ વરસાદ, 11 મે સુધી છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને 10 મેના રોજ તે જ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

IMD એ 7 મેથી દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી વધી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ પવનની ગતિ ધીરે ધીરે વધવાની ધારણા છે. 9 મેથી આ વિસ્તારોમાં પવનની ઝડપ વધીને 50-60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. 10 મેથી દક્ષિણપૂર્વ અને અડીને આવેલા મધ્ય બંગાળની ખાડી અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે એડવાઈઝરી જારી કરી છે
હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને IMD એ આંદામાન અને નિકોબાર ટાપુ ક્ષેત્રમાં માછીમારો, નાના જહાજો, બોટ, ટ્રોલર્સ અને દરિયાઈ પ્રવૃત્તિઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. હાલમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં કામ કરતા માછીમારોને 7 મે પહેલા સુરક્ષિત સ્થાનો પર પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે મધ્ય બંગાળની ખાડીમાં રહેતા માછીમારોને 9 મે પહેલા પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

બીજી તરફ ઓડિશા સરકારે ચક્રવાતી તોફાનની આગાહીને ધ્યાનમાં રાખીને 18 દરિયાકાંઠાના અને નજીકના જિલ્લાઓના કલેક્ટરને કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ઓડિશાના બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપારા, કટક અને પુરી સહિત અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top