Sports

દિલધડક મેચમાં કેકેઆરને હરાવી લખનઉ પ્લેઓફમાં

નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહી રમાયેલી 66મી મેચમાં ક્વિન્ટન ડિ કોકે આઇપીએલની હાલની સિઝનની સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર કરવાની સાથે જ કેએલ રાહુલ સાથે 210 રનની નોટઆઉટ ભાગીદારી કરતાં લખનઉ સુપર જાયન્ટ્સે મૂકેલા 211 રનના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સ 8 વિકેટે 208 રન સુધી જ પહોંચતા લખનઉનો 2 રને વિજય થયો હતો અને તેની સાથે જ તે પ્લેઓફમાં ક્વોલિફાઇ થયું હતું.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી કેકેઆરની શરૂઆત સાવ ખરાબ રહ્યા પછી નીતિશ રાણા, શ્રેયસ અય્યર અને સેમ બિલિંગ્સે થોડી બાજી સુધારી હતી, પણ 16.4 ઓવરમાં 150 રન સુધીમાં આન્દ્રે રસેલ સહિતના આ તમામ આઉટ થઇ ગયા પછી રિન્કુ સિંહ અને સુનિલ નરેને મળીને 19 બોલમાં 58 રનની ભાગીદારી કરીને કેકેઆરને જીતની પાસે પહોંચાડી દીધું હતું. અંતિમ ઓવરમાં જ્યારે જીત માટે 21 રનની જરૂર હતી ત્યારે રિન્કુ સિંહે પ્રથમ ચાર બોલમાં 2 છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 18 રન લઇને ટીમને જીતની પાસે પહોંચાડી હતી. જો કે અંતિમ બે બોલમાં બે વિકેટ પડતાં કેકેઆર માત્ર બે રને હારીને ટૂર્નામેન્ટમાંથી આઉટ થઇ ગયું હતું.

ક્વિન્ટન ડિ કોક અને કેએલ રાહુલે આઇપીએલના ઇતિહાસની ત્રીજી સૌથી મોટી ભાગીદારી નોંધાવી
નવી મુંબઇ: આઇપીએલની 15મી સિઝનની આજે અહીં રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ વતી ઓપનીંગ કરનારી જોડી ક્વિન્ટન ડિ કોક અને લોકેશ રાહુલે મળીને આઇપીએલના ઇતિહાસની ત્રીજી સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી. આ બંને ખેલાડીઓએ કેકેઆર સામેની મેચમાં પુરેપુરી 20 ઓવર રમીને 210 રનની નોટઆઉટ ભાગીદારી કરી હતી. જેમાં ડિ કોકના 70 બોલમાં 10 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે 140 રન જ્યારે રાહુલના 51 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 68 રન હતા. આઇપીએલમાં સર્વાધિક 229 રનની ભાગીદારીનો રેકોર્ડ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સના નામે છે, જે તેમણે 2016માં ગુજરાત લાયન્સ સામે બનાવ્યો હતો. બીજા ક્રમે પણ 215 રનની નોટઆઉટ ભાગીદારી સાથે આ જ જોડી છે, જે તેમણે મુંબઇ ઇન્ડિયન્સ સામે 2015માં બનાવ્યો હતો.

Most Popular

To Top