SURAT

હત્યા કરી સુરત છોડી ભાગે એ પહેલાં પાંચેય હત્યારાઓને એસઓજીએ દબોચી લીધા

સુરત: ઉનમાં ગઈકાલે રાત્રે છ સાત વ્યક્તિએ મળી મિત્રની જ હત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. ગયા વર્ષે રમજાનમાં પૈસા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરી તમામ આરોપીઓ સુરત છોડીને ભાગવાનો પ્લાન બનાવવા કોસાડ આવાસમાં ભેગા થતાં એસઓજી પોલીસે તેમને દબોચી લીધા હતા.

ઉન ભીંડીબજાર હુસેનીયા મસ્જિદની બાજુમાં યુનિક સ્કૂલ પાસેના ચાર રસ્તા પાસે જાહેરમાં ઉન પાટિયા ખાતે શાલીમાર સોસાયટીમાં રહેતા 49 વર્ષીય મુખ્તાર માસુમ શેખે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પુત્રની હત્યા કરનારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી શાહરૂખ ઉર્ફે સેવન, શરીફ ઉર્ફે અતુલ યુનુસ શેખ, અજરત શેખ તથા કાળા કલરનો શર્ટ પહેરેલો વ્યક્તિ અને બીજા બે અજાણ્યાએ ભેગા મળી મુખ્તારના પુત્ર અખ્તરને લાકડાના ફટકા તથા તીક્ષ્ણ હથિયારોથી અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી માર માર્યો હતો. બાદ તીક્ષ્ણ હથિયાર વડે ડાબા હાથના કાંડાના અંદરના ભાગે, ડાબા પગના જાંઘના ભાગે, ઘૂંટણના પાછળ તથા નીચેના ભાગે સાતેક ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એસઓજીની ટીમ પણ આરોપીઓને પકડવા કામે લાગી હતી. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, આરોપીઓ સુરત છોડવાની તૈયારી કરી રહ્યા છે. અને તેઓ તમામ આરોપીઓ કોસાડ આવાસ પાસે ભેગા થવાના છે. બાતમીના આધારે એસઓજીની ટીમના માણસોએ કોસાડ આવાસ એચ/૧ બિલ્ડિંગ પાસે ફિલ્ડિંગ ગોઠવી આરોપી શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ, રહીમ ઉર્ફે હજરત અલાઉદ્દીન શેખ, રોહિત અખિલેશ શર્મા, શરીફ ઉર્ફે અતુલ યુનુસ શેખ, ફેઝલ ઉર્ફે દૂધ મુખ્તાર શેખને ઝડપી પાડ્યા હતા.

ગયા રમઝાનમાં થયેલા ઝઘડાની અદાવતમાં મિત્રએ મિત્રની હત્યા કરી
આરોપીઓની પૂછપરછ કરતાં આરોપી શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખે જણાવ્યું હતું કે, અખ્તર ઉર્ફે અક્કો મુખ્તાર માસૂમ શેખ તેનો મિત્ર હતો. અને ગયા રમઝાન માસમાં આરોપી શાહરુખ ઉર્ફે સેવન તથા મરણ જનાર અખ્તર ઉર્ફે અક્કો શેખ બંને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. જે વાતનું મનદુઃખ રાખી અને તેની સાથે થયેલા ઝઘડાનો બદલો લેવા ગઈકાલે તેની હત્યા કરી હતી. ગઈકાલે મૃતક રિક્ષામાં બેસેલો હોવાની માહિતી મળતાં તમામ આરોપીઓએ તેને મારી નાંખવાના ઇરાદે મરણ જનાર કાંઈ સમજે એ પહેલાં તેની ઉપર ચપ્પુ, ફટકા સાથે તૂટી પડ્યા હતા.

આરોપીઓ સાયણ ભાગવાની ફિરાકમાં હતા
હત્યા કરીને તમામ આરોપીઓ આમતેમ નાસતા ફરતા હતા. આરોપીઓ યુપી અને મહારાષ્ટ્રના હોવાથી પહેલા સાયણ ભાગવાના હતા. અને ત્યાંથી બધા યુપી અને મહારાષ્ટ્ર ભાગવાના ફિરાકમાં હતા. ભાગવાનો પ્લાન બનાવવા કોસાડ આવાસ ખાતે ભેગા થતાં એસઓજીએ તેમને ઝડપી પાડ્યા હતા.

શાહરૂખ ખટોદરામાં હત્યાનો આરોપી
આરોપી શાહરૂખની સામે વર્ષ-2017માં પણ હત્યાનો ગુનો નોંધાયો હતો. રોહિતની સામે પાંડેસરામાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ફેઝલ ઉર્ફે દૂધ મુખ્તાર શેખની સામે સચિનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

Most Popular

To Top