કોવિશિલ્ડ રસીની અછત, 4 દિવસથી ડોઝ મળતો નથી

નવસારી : ગણદેવીમાં કોરોના ( corona ) ના કેસો વધી રહ્યા છે અને તેને પગલે લોકો જાગૃત થઇને રસીકરણ ( vaccination) કરવા માટે તૈયાર થઇ રહ્યા છે, ત્યારે કોવિશિલ્ડ ( covishield) રસી છેલ્લા ચારેક દિવસથી ઉપલબ્ધ ન હોવાને કારણે બીજો ડોઝ લેનારાઓ અટવાઇ રહ્યા છે.ગણદેવી ખાતે પહેલા ડોઝનું રસીકરણ સારું એવું થઇ ગયું છે. અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ એ માટે રસીકરણ સ્થળ ઉપલબ્ધ કરાવીને લોકોને ઘરઆંગણે જ રસીકરણ થઇ શકે એવી વ્યવસ્થા કરી હતી. ગડત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. પરમાર અને તેમની ટીમે ગણદેવીમાં રસીકરણ માટે સારી એવી જહેમત ઉઠાવી હતી અને તેને કારણે મહદઅંશે રસીકરણ કામગીરી થઇ શકી છે.


પરંતુ હવે જ્યારે ઘણા લોકોનો રસીકરણના બીજા ડોઝનો સમય આવ્યો છે, ત્યારે ગાઇડલાઇન મુજબ જે કંપનીની રસીનો પહેલો ડોઝ લીધો હોય, તે જ કંપનીનો બીજો ડોઝ આપી શકાતો હોય છે. એ સંજોગોમાં પહેલો ડોઝ જે લોકોને કોવિશિલ્ડનો મુકાયો હતો. એ લોકો માટે બીજો ડોઝ કોવિશિલ્ડનો જ મૂકવો પડતો હોય છે. પરંતુ ગણદેવીમાં આ અઠવાડિયે કોવિશિલ્ડની અછત ઊભી થઇ છે, તેને કારણે લોકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ મૂકાવવા માટે ધરમધક્કા ખાઇ રહ્યા છે. એક તરફ સરકાર રસીકરણ વધારવા માટે પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ કોરોનાની રસીની જ અછત વર્તાઇ રહી છે, ત્યારે ગણદેવીના લોકો રસીનો બીજો ડોઝ મૂકાવવા માટે તૈયાર છે, પરંતુ રસીની અછત તેમને કનડી રહી છે.

નવસારીમાં પણ કોવિશિલ્ડનો સ્ટોક પૂરો
નવસારીમાં પણ કોરોના વિરોધી રસીકરણ ચાલી રહ્યું છે. નવસારીમાં પણ કોરોનાના ઘણા કેસો છે, ત્યારે સ્વાભાવિક છે કે કોરોનાની રસી મૂકાવવા માટે ઘસારો થઇ રહ્યો છે. શનિવારે કોવિશિલ્ડનો જથ્થો પૂરો થઇ ગયો છે. એ સંજોગોમાં જો બીજો ડોઝ કોવિશિલ્ડનો જ લેવાનો હોય તો અત્યારે લોકોએ ધરમધક્કા જ ખાવા પડશે. સોમવારે કોવિશિલ્ડનો જથ્થો આવશે તો કોવિશિલ્ડનું રસીકરણ થઇ શકશે નહીં તો લોકોએ વીલા મોઢે પરત જવું પડશે.

ગણદેવી સીએચસીમાં ઓક્સિજન ખલાસ: છ દર્દીને જીવનું જોખમ: ધારાસભ્ય સુવિધા કરવા પ્રયાસ કરે

ગણદેવી સીએચસીમાં ઓક્સિજનની અછત પણ વર્તાઇ રહી છે, તેને કારણે કોવિડ સેન્ટર બનાવાયું છે. પરંતુ ઓક્સિજનની જરૂર પડે એવા દર્દીઓને અન્યત્ર રિફર કરવા પડતા હોય છે. શનિવારે જ ઓક્સિજન ન હતો. અત્યારે 10 બેડનું કોરોના સેન્ટર ચાલે છે. 6 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, ત્યારે તેમની હાલત બગડે તો ઓક્સિજનનો અભાવ જોવા મળે છે. જો 10 દર્દીઓ હોય તો રોજિંદો 4 જમ્બો બાટલા ઓક્સિજનની જરૂર પડી શકે છે. એ સંજોગોમાં ગણદેવી સીએચસીને 4 જમ્બો બાટલા ઓક્સિજનનો પુરવઠો સતત મળતો રહે એવી જરૂર છે. જો ઓક્સિજન સાથેના દસે દસ બેડ હોય તો ગણદેવીના લોકોને ઓક્સિજનવાળા બેડ મેળવવામાં પડતી મુશ્કેલી કેટલાક અંશે નિવારી શકાય એમ છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ હાલાકી દૂર કરવા કમર કસે એ જરૂરી છે

Related Posts