નવસારીમાં રેમડેસિવિરની અછત ક્યાં છે? આરોગ્ય મંત્રી બચાવની ભૂમિકામાં

navsari : શનિવારે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ( kumar kanani) એ નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) ની અછતનો સ્વીકાર તો કર્યો, પણ એટલી બધી અછત પણ નથી કે ઇન્જેક્શન મળતાં જ ન હોય. ઇન્જેક્શન મળતા હોય તો તેને અછત કહી જ ન શકાય, ત્યારે કાનાણી ઊંઘા હાથે કાન પકડાવતા હોય એમ લાગ્યા વિના રહેતું નથી.

રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમારભાઇ કાનાણીએ નવસારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે નવસારી સિવિલ હોસ્પિટલ ( navsari civil hospital) ની મુલાકાત લીધી હતી. સાથે જ દર્દીઓને સારવાર સારી મળે એની તકેદારી રાખવા સિવિલ હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી હતી. યાદ રહે કે બે દિવસ પહેલાં કોરોનામાં મૃત્યુ પામેલી એક મહિલાના ભાઇએ નવસારી સિવિલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. જો કે આરોગ્ય મંત્રીએ તે સંદર્ભે કોઇને શિક્ષા કરી હોય કે ઠપકો આપ્યો હોય એવું જાણવા મળતું નથી. તેમણે નવસારીને વધુ સારી આરોગ્ય સેવા મળે એ માટે 108 એમ્બ્યુલન્સ યોજના હેઠળ બે એમ્બ્યુલન્સની ભેટ આપી હતી.


તેમણે મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં ઇન્જેક્શનની અછતનો સ્વીકાર તો કર્યો હતો. પરંતુ ઇન્જેક્શન કોઇને મળતા ન હોય એટલી બધી અછત ન હોવાનું કહી સરકારનો બચાવ પણ કરી લીધો હતો. તેમણે સરકારની તરફેણ કરતાં કહ્યું કે ઇન્જેક્શનનું ઉત્પાદન સીમીત હોય અને તેની માંગ ઓચિંતિ વધી જાય. કોરોનાની બીજી વેવમાં કોરોનાના દર્દીને અચાનક ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતી હોય છે અને ઇન્જેક્શનની જરૂર ઊભી થાય. આ સ્થિતિમાં પણ સરકાર તમામ દર્દીઓને સંપૂર્ણ રીતે સારી રીતે સારવાર મળે, ઇન્જેક્શન મળે, ઓક્સિજન મળે, બેડ મળે, વેન્ટિલેટર મળે એવા તમામ પ્રકારના પ્રયાસ કરે છે. અત્રે મંત્રીએ નવસારીમાં કોરોનાની સ્થિતિ જાણવા ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈ, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભુરાભાઇ શાહ, ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા, મહામંત્રી જીગ્નેશભાઇ નાયક, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ કાશુંદ્રા, મહામંત્રી હેમંતભાઇ બોદાલીયા, પાલીકા પ્રમુખ જીગીશભાઇ શાહ, મુકેશભાઇ અગ્રવાલ સહીતના અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

Related Posts