Gujarat

વિપુલ ચૌધરી કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટે સમન્સ પાઠવ્યું

મહેસાણા: દૂધસાગર ડેરીના (Dudhasagar dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરીની (Vipul choudhary) ધરપકડ (Arrest) બાદ રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 23 તારીખ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા છે. ત્યારે હવે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે શંકરસિંહ વાઘેલા (Shankersinh Waghela) અને અર્જુન મોઢવાડીયાને (Arjun Modhwadia) સમન્સ (Summons) પાઠવવામાં આવ્યું છે.

6 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ
દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે મહેસાણા કોર્ટે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમણે 6 ઓક્ટરનો રોજ મહેસાણા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયું હતું ત્યારે આ બંનેએ ભલામણ પત્ર લખ્યા હતા. તેથી શંકરસિંહ વાઘેલા અને અર્જૂન મોઢવાડીયાએ સાક્ષી તરીકે 6 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવું પડશે.

નોંધનીય છે કે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ઉપર NDDBના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ છે. ત્યારે 17 બોગસ કંપનીઓ બનાવીને નાણાંકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. અને ત્યાર બાદ શુક્રવારે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેથી હવે 23 સપ્ટેમ્બર સુધી વિપુલ ચૌધરી પોલીસ રિમાન્ડમાં રહેશે જે દરમિયાન 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરાશે.

દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળામાં વિપુલ ચૌધરીની ધરપકડ થતાં એક પછી એક રાજીનામાં પડયાં હતા. મળતી માહિતી મુજબ ખેરાલુ તાલુકાના ભાજપમાંથી 30 જેટલા રાજીનામાં પડ્યા છે. તેમજ વિપુલ ચૌધરીની ધરપકડને બાદ ચૌધરી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.

17 બેનામી કંપનીઓ ઊભી કરાયાનો આક્ષેપ
વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણા ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં વિપુલ ચૌધરીએ 17 બેનામી કંપનીઓ ઉભી કરીને 320 કરોડની રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ફરિયાદ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી વિપુલ ચૌધરી અને તેના પી.એ સામે કડક પગલાં ભરીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આવેલા તેઓના પંચશીલ ફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓ ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં આવી તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરી અને તેમના પી.એ શૈલેષ પરીખને એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. આ કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ થઈ હતી.

Most Popular

To Top