National

મહુઆ મોઇત્રા આજે EDના સમન્સ પર હાજર નહીં થાય, કહ્યું…

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના (Trinamool Congress) નેતા અને પૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra) મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. EDએ મહુઆને સમન્સ (Summons) મોકલીને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા. EDએ મહુઆ અને તેના મિત્ર દર્શન હિરાનંદાનીને બોલાવ્યા હતા.

મહુઆએ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને આજે ઇડી સમક્ષ હાજર થવા અસમર્થતા દર્શાવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ મહુઆને બે વખત પૂછપરછ માટે બોલાવી હતી પરંતુ તે ઓફિસિયલ કામને ટાંકીને હાજર ન થઈ અને નોટિસને મોકૂફ રાખવાની માંગ કરી હતી.

શનિવારે મહુઆના સ્થળો પર સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા.
ED ફેમાની જોગવાઈઓ હેઠળ મહુઆ મોઈત્રાનું નિવેદન રેકોર્ડ કરવા માંગે છે. તૃણમૂલ નેતા વિરૂદ્ધ NRE ખાતાને લગતા વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય વિદેશમાં પૈસા મોકલવાના અન્ય કેટલાક કેસોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સીબીઆઈએ શનિવારે મહુઆના સ્થળો ઉપર પણ દરોડા પાડ્યા હતા. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ પર ઘણા આરોપો લગાવ્યા છે. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે મહુઆએ ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી મોંઘી ભેટ અને પૈસા લીધા હતા અને અદાણી જૂથ અને વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હતા.

તૃણમૂલ પર ‘બદલાની રાજનીતિ’નો આરોપ
આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ટીએમસીએ બુધવારે જણાવ્યું હતું કે કૃષ્ણનગર ક્ષેત્રના પક્ષના ઉમેદવાર મહુઆ મોઇત્રાને ‘વેરની રાજનીતિ’ના ભાગરૂપે ED સમન્સ જારી કરવામાં આવ્યા છે અને ચૂંટણી પહેલા એજન્સીઓનો ‘દુરુપયોગ’ કરવામાં આવી રહ્યો છે.

ટીએમસીના પ્રવક્તા કૃષ્ણાઉ મિત્રાએ કહ્યું, ‘આ મહુઆ મોઇત્રા સામે બદલાની રાજનીતિ સિવાય બીજું કંઈ નથી. ભાજપ પાસે ટીએમસીનો સામનો કરવા માટે કોઈ મુદ્દો નથી અને ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.

ટીએમસીના આરોપો પર ભાજપનો વળતો પ્રહાર
આ દરમિયાન ભાજપે પણ ટીએમસીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમના નેતા રાહુલ સિંહાએ આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. તેમણે કહ્યું, ‘જ્યારે પણ ED અથવા CBI દરોડા પાડે છે અથવા TMC નેતાઓને સમન્સ મોકલે છે, ત્યારે તેઓ દાવો કરે છે કે કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત છે. સત્ય એ છે કે TMC ભ્રષ્ટાચારમાં ઊંડે ડુબેલી છે. મોઇત્રાએ જે પણ કર્યું તે લોકશાહી માટે શરમજનક છે.

Most Popular

To Top