Dakshin Gujarat

કોરોનાનો રાફડો : વલસાડ જિલ્લામાં કોરોનાના 175 કેસ નોંધાયા : 13 બાળકો પણ કોરોના સંક્રમિત

વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં શનિવારે કોરોનાના (corona) અત્યાર સુધીના હાઈએસ્ટ 175 જેટલા કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ 106 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે. જ્યારે 10 દર્દીને રજા આપવામાં આવી છે. નોંધાયેલા કેસમાં 105 પુરુષ અને 70 મહિલાનો સમાવેશ થાય છે. કેસોમાં ગંભીરપણે વધારો થતાં જિલ્લાના લોકો પણ હવે ચિંતામાં જોવા મળી રહ્યા છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી કોરોના જિલ્લામાં સેન્ચુરી મારી રહ્યું હોવા છતાં સરકારી તંત્ર તો ઠીક આરોગ્ય વિભાગ (Health department) પણ એક્શનમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું નથી. તો લોકો પણ બિન્દાસ્ત બની બજારોમાં ખુલ્લેઆમ કોરોના ગાઈડ લાઈનનો (corona guidelines) ભંગ કરી રહ્યા છે. બસોમાં પણ ઘેટાં બકરાની જેમ મુસાફરો ભરવામાં આવી રહ્યા છે,

મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનોમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે આવનારા સમયમાં અતિ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. જિલ્લામાં આવનારા સમયમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને સંક્રમણ અટકે તે માટે જિલ્લા કલેકટરે તત્કાલિક ગામડાઓમાં યોજાતા અઠવાડિક બજાર(હટવાડાઓ)ને બંધ કરવું જરૂરી બન્યું છે. વિશેષ કરી ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોમાં થતાં હટવાડાઓમાં મહારાષ્ટ્રથી વેપારીઓ આવતા હોય જોખમ ઉભું થઈ રહ્યું છે. એજ રીતે નાનાપોઢા એપીએમસી (APMC) સહિત જિલ્લાની માર્કેટ યાર્ડમાં પણ આકસ્મિક ચેકિંગ હાથ ધરવાની આવશ્યકતા ઉભી થઇ છે.

13 બાળકોને પણ કોરોના પોઝિટિવ

વલસાડ જિલ્લામાં શનિવારે પણ 5 વર્ષથી લઈ 15 વર્ષની વયજુથના 13 બાળકોને પણ કોરોના સંક્રમણ લાગ્યું છે. ઉપરાંત મોગરાવાડી અબ્રામા રેલવે પોલીસ મથક, વાપી ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મચારી, પારડીમાં ખાનગી હોસ્પિટલ તબીબ, વલસાડની એક શાળામાં શિક્ષિકાને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

દમણમાં વધુ 7 કોરોના સંક્રમિત થયા, એક્ટિવ કેસની સંખ્યા 47 થઈ

સંઘ પ્રદેશ દમણમાં શનિવારે 374 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 7 વ્યક્તિઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ દમણમાં એક્ટિવ કેસની સંખ્યા 47 થઈ છે. ફક્ત એક નવા કન્ટેન્ટમેન્ટ ઝોન સાથે દમણના દાભેલના 11, દૂનેઠાના 4 અને નાની દમણ પાલિકા વિસ્તારના 2 મળી ટોટલ 17 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top