Gujarat

રાજ્યમાં કોરોનાના નવા ૮૨૧૦ કેસ : ૮૨ દર્દીઓએ દમ તોડયો

રાજ્યમાં કોરોનાના કેસોની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૮૨૧૦ કેસો નોંધાયા છે. જ્યારે ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સારવાર દરમ્યાન રાજ્યમાં ૮૨ દર્દીએ દમ તોડ્યો છે. જેમાં અમદાવાદ મનપા વિસ્તારમાં ૧૨, વડોદરા મનપામાં ૪, સુરત મનપામાં ૭, રાજકોટ મનપામાં ૪, જામનગર મનપામાં ૪ અને ભાવનગર મનપામાં ૨ દર્દીઓનો સમાવેશ થાય છે. સુરત જિલ્લામાં ૫ દર્દીઓનું મૃત્યુ થયું છે.

રવિવારે ૧૮થી ૪૫ વર્ષ સુધીના ૨૯,૮૪૪ લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો હતો. જ્યારે અત્યાર સુધીમાં ૧.૪૭ કરોડ લોકોને રસી આપવામાં આવી છે. તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં તા.૧૭ અને ૧૮મી મે દરમ્યાન રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત સીએમ વિજય રૂપાણીએ કરી હતી.

ગાંધીનગરમાં રવિવારે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ મનપામાં ૨૨૪૦ કેસો, વડોદરા મનપામાં ૫૧૯, સુરતમાં ૪૮૨, રાજકોટમાં ૩૭૨, જામનગરમાં ૨૧૨, જુનાગઢમાં ૧૮૪, ભાવનગરમાં ૧૬૦, ગાંધીગરમાં ૮૪ કેસો નોંધાયા છે. આ રીતે મનપા વિસ્તારમાં ૪૨૫૩ નવા કેસો નોંધાયા છે.

જ્યારે અન્ય જિલ્લાઓમાં ૩૯૫૭ કેસો નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭,૫૨,૬૧૯ કેસો નોંધાયા છે. રાજ્યમાં રવિવારે ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપવામાં આવી હતી. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં ૬૩૮૫૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજયમાં દર્દીઓનો રીકવરી રેટ ૮૪.૮૫ ટકા જેટલો થયો છે. હાલમાં રાજ્યમાં વિવિધ હોસ્પિટલમાં ૧૦૪૯૦૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ૪૯૪ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૦૪૧૧૧ દર્દીઓની તબિયત સ્થિર છે.

Most Popular

To Top