National

કોંગ્રેસને મોટો ફટકો: રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યા બાદ જયવીર શેરગીલે પાર્ટી પણ છોડી

નવી દિલ્હીઃ (New Delhi) એક તરફ કોંગ્રેસ પાર્ટી (Congress Party) 2024ની સામાન્ય ચૂંટણીની (Election) તૈયારીઓ કરી રહી છે અને ભારત જોડો યાત્રા શરૂ કરી રહી છે ત્યારે તેના નેતાઓ અલગ-અલગ કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગીલે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યા બાદ એક ડગલું આગળ જઈને પાર્ટી પણ છોડી દીધી છે. આ જાણકારી તેમણે પદ છોડ્યા બાદ આપી હતી. તેમણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. સોનિયા ગાંધીને આપેલા રાજીનામાના પત્રમાં શેરગીલે કહ્યું હતું કે નિર્ણયો જનહિત અને દેશના હિત માટે થતા નથી પરંતુ કેટલાક લોકોના હિતોની પૂર્તિ કરવા માટે લેવામાં આવે છે. ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા પછી હવે જયવીર શેરગિલ ત્રીજા કોંગ્રેસી નેતા છે જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યા બાદ જયવીર શેરગીલે પણ પાર્ટી છોડી દીધી છે. ન્યૂઝ એજન્સી ANIએ આ જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા શેરગીલે કહ્યું કે હા મેં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામાના પત્રમાં જયવીર શેરગીલે લખ્યું હતું કે મને એ કહેતા દુ:ખ થાય છે કે નિર્ણય લેવો હવે જનતા અને દેશના હિતમાં નથી પરંતુ તે એવા લોકો માટે છે જેઓ ખુશામતમાં વ્યસ્ત રહે છે અને જમીની વાસ્તવિકતાઓની સતત અવગણના કરે છે.

આ કારણોસર જયવીર શેરગીલે રાજીનામું આપ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગીલે રાજીનામાનું કારણ આપ્યું છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આજે મેં બે કારણોસર રાજીનામું આપ્યું છે. આજે કોંગ્રેસ પાર્ટીના નિર્ણયો જનહિતમાં નહીં પરંતુ કેટલાક લોકોના હિતમાં લેવામાં આવે છે. વાસ્તવિકતાથી મોઢું ફેરવવામાં આવી રહ્યું છે, જાહેર મુદ્દાઓથી મોઢું ફેરવવામાં આવી રહ્યું છે.

જયવીર શેરગીલે આરોપ લગાવ્યો હતો કે દેશની સૌથી જૂની પાર્ટીને ચાપલૂસી ઉધઈની જેમ ચાટી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામાના પત્રમાં તેમણે પ્રવક્તા પદ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેમણે પાછળથી કહ્યું હતું કે તેમણે પ્રવક્તા પદ અને પ્રાથમિક સભ્યપદ બંને છોડી દીધા છે. તેમણે કહ્યું કે તેમણે કોંગ્રેસ સાથેના સંબંધોને સંપૂર્ણપણે ખતમ કરી દીધા છે. શેરગીલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં તમારી ક્ષમતા, લોકોના અવાજ, યુવાનોની અપેક્ષાઓને અવગણીને માત્ર ચૂંટણી હારેલા અમુક લોકોને જ તાજ પહેરાવવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીમાં જયવીર શેરગિલ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી સાંસદ આનંદ શર્માએ હિમાચલ પ્રદેશની ચૂંટણી સમિતિમાંથી રાજીનામું આપી દીધું. આ સિવાય હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિંદર સિંહ હુડ્ડાએ પણ કોંગ્રેસ હાઈકમાન્ડને સલાહ આપી હતી. હુડ્ડાએ કહ્યું કે પાર્ટીએ વરિષ્ઠ નેતાઓની ચિંતાઓ સાંભળવી જોઈએ.

Most Popular

To Top