Madhya Gujarat

કાશ્મિરમાં 370 લગાવી કોંગ્રેસે આતંકવાદ આપ્યો : યોગી આદિત્યનાથ

નડિયાદ: ખેડા જિલ્લાની મહેમદાવાદ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખાત્રજ ચોકડી ખાતે સભા યોજાઈ હતી. આ સભાના આયોજન પૂર્વે મહેમદાવાદ આવેલા યોગી આદિત્ય નાથે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓની હાજરીમાં સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિજીના દર્શન કર્યા હતા. ખાત્રજ ચોકડી ખાતે યોજાયેલી સભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા કાર્યો ગણાવ્યા હતા, તો વળી, કોંગ્રેસ દેશના વિકાસમાં અવરોધ હોવાનું જણાવ્યુ હતુ.

પોતાના સંબોધમાં યોગી આદિત્યનાથે શરૂઆત કરતા જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશના મથુરાથી આવેલા શ્રીકૃષ્ણને ગુજરાતના લોકોએ દ્વારાકાધીશ બનાવ્યા છે અને ખેડા જિલ્લાની ભૂમિમાં અહીંયા ડાકોર મંદિરમાં રણછોડજી તરીકે તે બિરાજે છે. આ એ ગુજરાતની ભૂમિ છે, જેમણે લાંબા વર્ષોથી બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિ અપાવનારા મહાત્મા ગાંધી આપ્યા છે. આઝાદી બાદ દેશના અનેક ભાગોને એકત્રિત કરનારા લોખંડી પુરુષ સરદાર પટેલ આપ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યા એ પણ ગુજરાતનો જ ચમત્કાર છે. હાલ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે, આવા સમયે એક સમયે ભારત પર શાસન કરનારા બ્રિટનને પણ પાછળ રાખી ભારત દુનિયાની 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યુ છે.

તેમણે ઉમેર્યુ હતુ કે, કોંગ્રેસે કાશ્મીરમાં 370ની કલમ આપી અને માત્ર આતંકવાદ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે 370ની કલમ દૂર થઈ અને કાશ્મીર સુધી વિકાસ, રોજગાર અને અનેક યોજનાઓ પહોંચી છે. કોંગ્રેસે ગુજરાતને માત્ર દંગા અને કરફ્યુ જેવા શબ્દોનો પરીચય કરાવ્યો હતો. જ્યારે ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદીએ ધુરા સંભાળી પછી કરફ્યુ જેવા શબ્દોનો કાયમ માટે અસ્ત થયો છે અને માત્ર વિકાસ જ થયો છે.  યોગી આદિત્યનાથના આ કાર્યક્રમમાં મહેમદાવાદ ભાજપ ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી જ્હાનવીબેન વ્યાસ, જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોરાનાકાળ અંગે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળમાં દેશને અનેક મંત્ર આપ્યા, દેશના ગરીબોને ફ્રીમાં અનાજ આપ્યુ અને લોકોને ફ્રીમાં વેક્સિન આપી છે.

Most Popular

To Top