Charchapatra

કોંગ્રેસ અને ભાજપ

આપણો દેશ આઝાદ થયો તેને ૭૫ વર્ષ થયાં. તે દરમ્યાન મુખ્ય બે જ રાષ્ટ્રીય પક્ષો રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ. આ દરમ્યાન ૬૦ વર્ષ કોંગ્રેસે શાસનની ધુરા સંભાળી અને ૨૦૧૪ થી ભાજપ દેશના શાસનની ધુરા સંભાળી રહ્યું છે. કંઈ પણ લખતાં પહેલાં એક વાતની સ્પષ્ટતા જરૂરી છે કે દુનિયાના દરેક દેશોમાં ગંદુ રાજકારણ રમાતું હોય છે પણ તેનો સૌથી વધુ વ્યાપ આપણા દેશમાં છે, જે આ દેશની કમનસીબી ગણાવી જોઈએ. હવે કોંગ્રેસનાં ૬૦ વર્ષના શાસન દરમ્યાન દેશે ખૂબ પ્રગતિ કરી છે પણ તે સાથે ગોટાળા અને ભ્રષ્ટાચારની પણ એટલી જ ભરમાર રહી છે.

ભાજપનું ૯ વર્ષનું શાસન પણ તેમાંથી મુક્ત નથી. હવે દરેક બાબતમાં જમા અને ઉધાર એમ બંને પાસાં જોવા મળતાં હોય છે. જો કોંગ્રેસનાં ૬૦ વર્ષના અને ભાજપના ૯ વર્ષના શાસનની તુલના કરવામાં આવે તો ભાજપના ૯ વર્ષના શાસનનું જમા પાસું થોડુ નમેલું હોવાનો આભાસ થયા વગર રહે નહીં. કટ્ટર કોંગ્રેસ તરફી અને મોદીવિરોધી વલણ ધરાવતી વ્યક્તિઓ કદાચ મારી વાત સાથે સંમત ન થાય. દેશનું શાસન કોઈકે ને કોઈકે તો ચલાવવું પડે એટલે જ્યારે ચૂંટણી થાય ત્યારે પ્રજાએ કોઇક ને કોઇકની તરફેણમાં મતદાન કરવું પડે. ( જો કે હાલમાં કોઈ જ પસંદ ન હોય તો નોટા, નન ઓફ ધ અબોવનો વિકલ્પ ઉપલબ્ધ છે ) જ્યારે બધા જ ખરાબ હોય ત્યારે ઓછા ખરાબને ચૂંટવા પડે એ ન્યાયે હાલમાં પ્રજાનો નિર્ણય ભાજપતરફી રહે છે. પણ પ્રજાના મિજાજને કોઈ પારખી શક્યું નથી.

આ સ્થિતિ પણ બદલાઇ શકે છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ પ્રજાએ, પ્રજાલક્ષી અને પ્રજાહિતનાં કામો થાય તેવા સુશાસન માટે રાહ જ જોવાની છે એવું નથી લાગતું ? જ્યાં ભાજપ જીતે ત્યાં ઇ વી એમ મશીનમાં ગોટાળા અને જ્યાં કોંગ્રેસ જીતે ત્યાં ઇ વી એમ મશીનમાં ગોટાળા નહીં, એ માનસિક્તા બદલાવી જોઈએ કારણકે ભૂતકાળમાં જ્યારે ઇ વી એમ મશીનમાં ગોટાળાની ફરિયાદ થઈ છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા સાબિત કરી આપવામાં આવ્યું છે કે ઇ વી એમ મશીનમાં કોઈ ગોટાળા થયા નથી. બેલેટ પેપર કરતાં ઇ વી એમ મશીન દ્વારા ચૂંટણી બધી રીતે સલામત છે.
સુરત          -સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top