Entertainment

ફિલ્મ ‘પઠાન’થી મુસ્લિમ સમાજ પણ નારાજ, કહ્યું- ઇસ્લામનો ખોટો પ્રચાર કરાયો

બિહાર: ‘પઠાણ’ (Pathaan) ફિલ્મનું જ્યારથી બેશર્મ રંગ ગીત (Song)રીલીઝ થયું છે ત્યારથી વિવાદ (Controversy) શરુ થઇ ગયો છે. ફિલ્મમાં દીપિકાની બિકીનીના રંગને લઈને ઘણો હોબાળો થયો છે. હવે આ મામલે બિહાર (Bihar) ની મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ (FIR)દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ‘ બેશર્મ રંગ’ ગીત પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે પઠાન રીલીઝ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. મુઝફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાએ સ્થાનિક કોર્ટમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, આદિત્ય ચોપરા, જોન ઈબ્રાહિમ અને સિદ્ધાર્થ આનંદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ કર્યા બાદ ઓઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “ફિલ્મ પઠાણનું ગીત બેશરમ રંગ વાંધાજનક છે અને તે હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.” કોર્ટ ઓઝાની ફરિયાદ પર 3 જાન્યુઆરીએ સુનાવણી કરશે. આ ઉપરાંત આ ફિલ્મનો મુસ્લિમ સમાજે પણ વિરોધ કર્યો છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ પણ વિરોધ નોંધાવ્યો
બીજી તરફ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ તાજેતરમાં ગીતમાં દીપિકા પાદુકોણના ડ્રેસના રંગને લઈને વિરોધ નોંધાવ્હયો તો. તેણે તેમાં સુધારો કરવા કહ્યું હતું, નહીં તો ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું હતું. તે જ સમયે, ઇન્દોર સહિત કેટલાક સ્થળોએ, સ્ટાર કાસ્ટના પૂતળા બાળવામાં આવ્યા હતા.

પઠાનથી મુસ્લિમ સમાજ પણ નારાજ
મધ્ય પ્રદેશ ઉલેમા બોર્ડના પ્રમુખ સૈયદ અનસ અલીએ જણાવ્યું હતું કે, પઠાન નામની ફિલ્મ બની છે, જેમાં શાહરૂખ ખાન હીરો છે, લોકો તેને જુએ છે, પસંદ કરે છે. પરંતુ અમને ઘણી જગ્યાએથી કોલ અને ફરિયાદો મળી છે અને તેઓએ આ ફિલ્મની અંદર અશ્લીલતા ફેલાવવામાં આવી છે અને ઇસ્લામનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે તેવો રોષ વ્યક્ત કર્યો છે. જેથી ઓલ ઈન્ડિયા મુસ્લિમ ફેસ્ટિવલ કમિટીએ આ ફિલ્મનો બહિષ્કાર કર્યો છે. અમે સરકારના લોકોને, યુવાનોને પણ આ ફિલ્મ ન જોવાની અપીલ કરીએ છીએ. તેણે કહ્યું છે કે આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ.

ઉલેમા બોર્ડના અધ્યક્ષે ફિલ્મ રિલીઝ ન કરવાની માંગ કરી
સૈયદ અનસ અલીએ વધુમાં જણાવ્યું હતું કે, હું સેન્સર બોર્ડને અપીલ કરું છું અને ભારતના તમામ થિયેટરને કહેવા માંગુ છું કે તમે આ ફિલ્મને રિલીઝ ન થવા દો, કારણ કે તેનાથી ખોટો સંદેશ જશે, શાંતિ ડહોળશે અને આ દેશમાં જેટલા પણ મુસ્લિમો છે તેઓની ભાવનાઓને ઠેસ પહોંચશે અને આપણી મજાક ઉડાવવામાં આવશે. હું દરેકને અપીલ કરું છું કે આ ફિલ્મ બિલકુલ ન જુઓ. ઉલ્લેખનીય છે કે ‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ થોડા દિવસો પહેલા જ રીલિઝ થયું હતું, જે બાદ તે વિવાદોમાં સપડાયું હતું. આ ગીત રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને વિવાદ થયો હતો અને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે.

Most Popular

To Top