SURAT

ઓલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાઇ થવાનું સ્વપ્ન છે : હરમીત દેસાઈ

સુરત : 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) ગોલ્ડ મેડલ જીતનાર ભારતના ટેબલ ટેનિસ સ્ટાર(Table tennis star) હરમીત દેસાઈ (Harmeet Desai) 2022માં પણ ટીમ પરફોર્મન્સમાં ગોલ્ડ જીતતા સુરત એરપોર્ટ (Surat Airport) પર આજે રાતે હરમીત દેસાઈનું સુરતના મેયર હેમાલી બોઘાવાલાની આગેવાનીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

હરમીત દેસાઈએ શું આપી એયરપોર્ટ પર પ્રતિક્રિયા

ત્રિરંગા રેલી સાથે હરમીત દેસાઈને મોટી સંખ્યામાં તેના ચાહકો અને સુરતીઓ ઘર સુધી દોરી ગયા હતાં. સુરત એરપોર્ટ પર પોતાની પ્રતિક્રિયા આપતાં હરમીત દેસાઇએ જણાવ્યું હતું કે, કેટલીક લોકલ સ્પર્ધાઓ પછી આગામી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાની તૈયારીઓ કરવાની છે. બે વર્ષ પછી ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની છે. તેમાં ક્વોલિફાઇ થવાનું સ્વપ્ન અને લક્ષ્ય છે. કોમનવેલ્થ ગેમ્સ-2022ની સફળતા અંગે કહ્યું હતું કે, આ વખતની ગેમ્સ ગત કોમનવેલ્થ ગેમ્સ કરતાં વધુ ટફ હતી. બે વાર અમારો સામનો સિંગાપોરની સારી ટીમ સામે થયો હતો.

CWG ફાયનલનો મુકાબલો મજબૂત હતો

સેમિફાઇનલમાં નાઇજિરિયાની ટીમ પણ સ્ટ્રોંગ હતી. બીજી સેમિફાઇનલમાં સિંગાપોરે ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવી હતી. જોકે અમારું પ્રિપરેશન સારું હતું. અમે ત્રણે પ્લેયર ઇન ફોર્મ હતાં. વિનિંગ મેચ હું રમી શક્યો એનો વિશેષ આનંદ છે. એથી વધુ આનંદ ભારત માટે ફરી ગોલ્ડ મેડલ જીતી શક્યા એ રહ્યો. હરમિતે કહ્યું હતું કે,અહીં સુધી પહોંચવામાં 21 વર્ષની સખત મહેનત અને પરિવારનો ત્યાગ છે. પરિવારના ત્યાગ પ્રોત્સાહન વિના આ શક્ય ન હતું.

હરમીત દેસાઇને વડાપ્રધાને 2 સપ્ટેમ્બરે દિલ્હી બોલાવ્યાં

હરમીત દેસાઇએ કહ્યું હતું કે ફેડરેશન તરફથી મેસેજ મળ્યો છે. 2 સપ્ટેમ્બરે કોમનવેલ્થ ગેમ્સમાં વિજેતા બનેલા જુદી જુદી રમતના ચેમ્પિયન અને મેડલ વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવા વડાપ્રધાને આમંત્રણ મોકલ્યું છે. હરમિતે કહ્યું હતું કે, સ્પર્ધા પહેલા વડાપ્રધાને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પ્રોત્સાહિત કરવા સંવાદ કર્યો હતો. એમના મોટિવેશનને લીધે અમે સારો દેખાવ કરી શક્યા છીએ.

Most Popular

To Top