Dakshin Gujarat

આંતરરાજ્ય ચોરીમાં સંડોવાયેલી ઝાબુઆ ગેંગના ત્રણ ચોર નવસારીમાંથી ઝડપાયા

નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે(Navsari L.C.B. Police) આંતરરાજ્ય (Interstate)ઘરફોડ ચોરી કરતી એમ.પી. ની ઝાબુઆ ગેંગના( Zabua gang) ત્રણ આરોપીને નવસારીના સુપા ગામ(Navsari Supa village) પાસેથી ઝડપી પાડી જલાલપોર, વલસાડ અને ભરૂચમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પકડાયેલા તસ્કરોએ મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાનું ચોરોએ કબુલ્યું હતું.

ઘરફોડ ચોરી કરવા ગેંગ બોલેરો જીપ લઇને આવી હતી
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ જલાલપોર પોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાની તપાસ કરી હતી. તે દરમિયાન તેમણે ઘટનાસ્થળ અને તેની આસપાસ તેમજ જિલ્લાની બહાર જતાં તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. દરમિયાન ટેક્નિકલ સોર્સ તથા સીસીટીવી ફૂટેજ મારફતે જણાઈ આવ્યું હતું કે, ઘરફોડ ચોરી કરનાર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના છે અને તેઓ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં તેમજ આજુબાજુના જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરવા બોલેરો ગાડી (નં. એમપી-43-સીએ-1668) લઈને આવ્યા હતા.

  • મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ ઘરફોડ ચોરી કરી હતી

ચોરીનો મુદ્દમાલ પણ ઝડપાઈ ગયો
જેથી પોલીસ ચોરીમાં ઉપયોગમાં લીધેલી બોલેરો ગાડી તથા ચોરી કરનાર ઈસમોની ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી વોચમાં હતી. દરમિયાન પોલીસને બાતમીના આધારે નવસારી તાલુકાના સુપા ગામમાંથી પસાર થતી પૂર્ણાનદીના બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી બોલેરો ગાડી આવતા પોલીસે તેને રોકી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ખડકોઈ ગામે તળાવ ફળીયામાં રહેતા અનસિંગ મનજીભાઈ કામલિયા, અજય પપ્પુભાઈ કામલિયા અને નારકુ કસના કામલિયાને ઝડપી પાડ્યાં હતાં. સાથે જ પોલીસે તેઓ પાસેથી 91,260 રૂપિયા રોકડા, 15 હજાર રૂપિયાના 3 મોબાઈલ, 100 રૂપિયાની બેગ, 600 રૂપિયાના રેઈનકોટ, 75 રૂપિયાના બે બુકાની અને એક ગમછો, 550 રૂપિયાના ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને 3.50 લાખની ગાડી મળી કુલ્લે 4,57,585 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જલાલપોર, વલસાડ અને ભરૂચમાં કરેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમણે નવસારી, વલસાડ, સુરત ગ્રામ્ય અને ભરૂચ જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરી હતી. તેમજ ગુજરાત સિવાય મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જિલ્લામાં, કર્ણાટક રાજ્ય અને રાજસ્થાનના કોટા જિલ્લાના આજુબાજુના વિસ્તારમાં અવાર-નવાર ચોરીઓ કરી હોવાનું કબુલાત કરી હતી. આરોપીઓએ એકાદ અઠવાડિયા પહેલા રાજસ્થાન રાજ્યના કોટા જિલ્લામાં એક દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરૂ પાડી દુકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top