Surat Main

ગૃહિણીઓને હવે ગેસ દઝાડશે: રાંધણગેસમાં 2.30, સીએનજીમાં રૂા. 2.58નો વધારો

સુરત: યુક્રેન – રશિયા યુદ્ધને (Russia-Ukrain War) લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સીએનજીના (CNG) ભાવ વધતા ભારત સરકારની કંપની ગેઇલ ઇન્ડિયા દ્વારા આયાતી ઇપીએમ ગેસના ભાવમાં તાજેતરમાં 110 ટકાનો વધારો કરતાં ગુજરાત સરકારની (Government of Gujarat) માલિકીની કંપની ગુજરાત ગેસે આજે મધરાતથી સીએનજીના કિલો દીઠ ભાવમાં 2.58 રૂપિયાનો ભાવ વધારો ગ્રાહકો ઉપર ઝીંકી દીધો છે. આજે મધરાતથી સીએનજી વપરાશકર્તાઓને નવો ભાવ 79.56 રૂપિયા ચૂકવવો પડશે. એવી જ રીતે સબસિડરાઈઝ રસોઈ ગેસ (પીએનજી ગેસ)ના ભાવો પણ કંપનીએ વધાર્યા છે. રસોઈ ગેસના ભાવમાં પર ક્યુબિક મીટરે 2.30 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. ચાલુ મહિનાની બિલ સાઇકલમાં રસોઈ ગેસનો નવો ભાવ 44.14 રૂપિયા લાગુ પડશે. કંપનીએ એકજ સપ્તાહમાં બીજીવાર સીએનજી ગેસના ભાવ વધાર્યા છે. આ અગાઉ કંપનીએ 6 એપ્રિલે સીએનજી ગેસના કિલો દીઠ ભાવમાં 06.45 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો. જોકે ગુજરાતની ખાનગી ગેસ કંપનીનો ભાવ હજી 82.59 રૂપિયા ચાલી રહ્યો છે. આ કંપની પણ ભાવ વધારે એવી શક્યતા છે.ગુજરાત ગેસ દક્ષિણ ગુજરાતમાં 3.50 લાખ સીએનજી ગ્રાહકોને ગેસ પુરવઠો આપે છે. તેમને આ નિર્ણયથી અસર સુરતના 1.10 લાખ સીએનજી ઓટો રિક્ષા ચાલક અને 2400 સ્કૂલ વેન ચાલકો પર પડશે. તેમને આજથી કિલો 2.58 રૂપિયા વધુ ચૂકવવા પડશે.ગેલ દ્વારા 110 ટકાનો ભાવ વધારવામાં આવ્યો છે એની સામે સરકારી કંપનીએ સામાન્ય ભાવ વધાર્યા છે.એ જોતાં ભાવો આગામી દિવસોમાં હજી વધી શકે છે.

ગૃહિણીઓને રસોઈ ગેસ 10 ટકા મોંઘો પડશે
ઇમ્પોર્ટેડ રસોઈ ગેસ મોંઘો થતાં ગેઈલ ઇન્ડિયા દ્વારા રાંધણ ગેસના ભાવો પણ વધારવામાં આવ્યાં છે. રસોઈ ગેસના સિલિન્ડર મોંઘા થતાં ગુજરાત ગેસે પાઇપ નેચરલ ગેસના ભાવમાં ક્યુબિક મીટરે આજે 2.30 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો છે. નવી બીલિંગ સાઇકલમાં 44.14 રૂપિયા ભાવ ક્યુબિક મીટરે વસુલાશે. જુદા જુદા ટેક્સ સાથે ગૃહિણીઓને 10 ટકા વધારાનો સામનો કરવો પડશે.

સ્કૂલ ઓટોમાં વાર્ષિક 600 અને વેનમાં 1000 રૂપિયા વધશે
ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્તાહમાં બીજીવાર સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવતા જે વાલીઓના બાળકો સ્કૂલમાં ભણે છે એમને વધારાનું ભારણ આવશે. સ્કૂલ ઓટોમાં વાલીઓને વર્ષે 600 અને સ્કૂલ વેનમાં 800 થી 1000 રૂપિયાનું ભારણ વધશે. અત્યારે સ્કૂલ રિક્ષામાં મહિને 600 થી 700 રૂપિયા ભાવ એરિયા મુજબ ચાલે છે. તેમાં મહિને 50 રૂપિયા વધશે. તેવી જ રીતે સ્કૂલ વેન સંચાલકો મહિને 80 થી 100 રૂપિયાનો વધારો કરશે.

શટલ રિક્ષાનો 10 રૂપિયાનો મિનિમમ ભાવ 12 થી 15 થશે
ગુજરાત ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતિ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અગાઉ 18 રૂપિયાનો ભાવ વધારો આપ્યો ત્યારે એવું નક્કી થયું હતું કે સીએનજીનો ભાવ 80 રૂપિયાથી વધે ત્યારે શટલ રિક્ષાનો 10 રૂપિયાનો મિનિમમ ભાવ 12 થી 15 થશે. એટલે 2 થી 5 રૂપિયા વધશે. હવે ગેસનો ભાવ79.56 રૂપિયા થઈ ગયો છે. અમે 20 એપ્રિલે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદી સાથે બેઠક યોજવા સમય માંગ્યો છે. જેમાં ફેડરેશનની માંગ સામાન્ય જનતા પર બોજ ન આવે એ માટે ગુજરાત સરકાર ઓટોરિક્ષા ચાલકોને સીએનજી ઉપર સબસિડી આપે એ રેહશે.ઓટો ચાલકો તાત્કાલિક કોઈ ભાવ વધારો કરશે નહીં.

Most Popular

To Top