Gujarat Main

ફોન ટેપિંગ વિવાદ: વિદેશી તાકતોનો હાથો બની કોંગ્રેસ ભારતની પ્રતિષ્ઠાને નુકશાન કરી રહી છે- CM રૂપાણી

ગાંધીનગર: ફોન ટેપીંગના (Phone Tapping) મામલે સંસદની (Parliament) અંદર અને બહાર કોંગ્રેસ દ્વ્રારા કરવામા આવેલા વિરોધ પ્રદર્શન મામલે સીએમ વિજય રૂપાણીએ આજે કહયું હતું કે દેશમાં પેગાસુસ (Pegasus) સ્પાયવેરનો ઉપયોગ થયો જ નથી તેવી કેન્દ્ર સરકાર દ્વ્રારા સ્ષષ્ટતા કરવામાં આવી છે. સત્તા વિમુખ થઈ ગયેલી કોંગ્રેસ પાણી વિના તરફડતી માછલી જેમ તરફડીયા મારી યેનકેન પ્રકારે ફરી સત્તામાં આવવાના હવાતિયા મારે છે. પેગાસુસ મામલે ખોટો વિવાદ ઉભો કરનારા વિપક્ષની આકરી આલોચના કરતાં રૂપાણીએ કહ્યું કે વિદેશી તાકતોનો હાથો બની કોંગ્રેસ ભારતની પ્રતિષ્ઠાને નુકશાન કરી રહી છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ઉછાળવાનું કૃત્ય વિપક્ષની દેશવિરોધી માનસિકતા છતી કરે છે પણ કોંગ્રેસની મેલી મુરાદ બર આવવાની નથી.

તેમણે કહયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંસદમાં નવનિયુક્ત મંત્રીઓનો પરિચય આપવાનો શિરસ્તો નિભાવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે દખલ પહોંચાડીને સંસદીય પ્રણાલીનો ભંગ કર્યો છે. કોંગ્રેસ સત્તા વિમુખ થયા પછી વિપક્ષ તરીકેની રચનાત્મક ભૂમિકા ભજવવાને બદલે મોદીજીના વિકાસની રાજનીતિનો ઠાલો વિરોધ કરી રહી છે. ફોન ટેપીંગનો મુદ્દો જે એજન્સીએ ઉઠાવ્યો છે તેણે પેગાસસ સોફ્ટવેર ભારતમાં યુઝ થયો હોય કે સોફ્ટવેરના ડેટાનો વપરાશ થયો હોય તેવા પુરાવા નથી. દેશમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો નથી તેવી સ્પષ્ટ વાત ભારત સરકારે કરી છે.

રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, આશ્ચર્યની વાત એ છે કે 45 દેશ કથિત રીતે પેગાસુસ સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ભારત, કે જેણે પેગાસુસનો ઉપયોગ કરવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે તેને જ નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને બાકીના દેશો આમાં ક્યાંય ચિત્રમાં જ નથી. કોંગ્રેસ સહિત વિપક્ષ ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક સામે સવાલો ઉઠાવવા, રાફેલ ડીલનો અપપ્રચાર, કૃષિ કાયદા વિરુદ્ધ પ્રચાર જેવા કૃત્યો કરી ચૂક્યું છે. ભારતના ટુકડે-ટુકડે કરવાના નારા લગાવનારી ગેંગ, સેનાને બદનામ કરવા વાળી અર્બન નક્સલ ગેંગ, આતંકવાદી અફઝલની ફાંસી પર સુપ્રીમ કોર્ટને હત્યારી કહેવા વાળી ગેંગ, આવી અનેક રાષ્ટ્રવિરોધી ગેંગના લોકોની સમર્થ-ચિંતક તેઓ રહ્યા છે. આ જ વિપક્ષનું ચરિત્ર છે.

તેમણે કહયું હતું કે સંસદના ચોમાસુ સત્ર પૂર્વે ઊઠેલો આ વિવાદ ફ્કત એક યોગાનુયોગ નથી પણ આત્મનિર્ભર બની રહેલા ભારત દેશ વિરુદ્ધ બદલાની ભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૩માં એક આર.ટી.આઇના જવાબમાં યુ.પી.એ સરકારે દર મહિને 9 હજાર ટેલીફોન અને 500 ઇ-મેઇલ એકાઉન્ટ પર નજર રખાતી હોવાનો સ્વીકાર્યું હતું. તાજેતરમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારનું ફોન ટેપીંગ પ્રકરણ પણ સામે આવ્યું હતું. ભારતની છબીને ખરડવા સાવ નકલી અને મનઘંડત જાસૂસી પ્રકરણ વિપક્ષે ઉભું કર્યું છે.

Most Popular

To Top