અંકલેશ્વર સુટકેસ મર્ડર મિસ્ટ્રીનો આરોપી બાંગ્લાદેશનો ખૂંખાર ઉગ્રવાદી નિકળ્યો

અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી ૩ ટ્રાવેલ બેગમાં હત્યા (Murder) બાદ કાપી નાખેલા હાથ-પગ અને ધડ મળી આવવાના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં ભરૂચ એલસીબીને (Bharuch LCB) મોટી સફળતા મળી હતી. સમગ્ર હત્યાકાંડ પાછળ બાંગ્લાદેશી (Bangladesh) ઘૂસણખોરી અને તેના પાછળ વારંવાર થતું બ્લેકમેઇલિંગ બહાર આવ્યું હતું. પોલીસે હત્યાને અંજામ આપનાર બાંગ્લાદેશી મહિલા સહિત 3 બાંગ્લાદેશીઓ અને રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી. જે પૈકીનો એક બાંગ્લાદેશી આરોપી બાંગ્લાદેશના ઉગ્રવાદી સંગઠનો સભ્ય હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અંકલેશ્વરના અમરતપુરા ગામની અવાવરુ જગ્યામાંથી માનવ અંગો ટ્રાવેલ બેગમાંથી મળી આવ્યા હતા, જે મર્ડર મિસ્ટ્રીમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવતા સારંગપુર રેલવે ફાટક પાસેથી માનવ ધડ પોલીસને મળી આવ્યું હતું, અને ત્યારબાદ આ ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી, અને પોલીસ તપાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પાસે અવાર નવાર પોલીસમાં પકડાઈ દેવાની ધમકીઓ આપી નાણાં પડાવતાં અમદાવાદના ચંડોળા તળાવ, ઈશનપુર ખાતે રહેતો બાંગ્લાદેશી અકબરથી છુટકારો મેળવવા આ ઘાતકી હત્યાને અંજામ અપાયો હોવાનું જાણવા મળ્યું હતું. તિક્ષ્ણ હથીયારથી હત્યા કરી શારીરિક અંગોને કાપી અલગ અલગ ટુકડા કરી થેલામાં ભરી અવાવરૂ જગ્યાએ નાખી અનડિટેક્ટ ડેડ બોડીનો ગણતરીના કલાકોમાં ઓળખ કરી મર્ડર કરનાર ૪ આરોપીઓ પૈકી ૩ બાંગ્લાદેશીઓને ખુન કરવા વપરાયેલી રિક્ષા સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આ ચકચારી હત્યાની ઘટનામાં પોલીસે લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા (ઉ.વ. ૩૭ રહે. હાલ- ૧૯૩ મંગલદીપ સોસાયટી, મીરાનગર, રાજપીપળા રોડ અંક્લેશ્વર), મુફીસ મોહંમદ મુલ્લા (ઉ.વ. ૩૪ રહે. હાલ- બાપુનગર, રાજપીપળા રોડ અંક્લેશ્વર), અજોમ સમસુ શેખ (ઉ.વ. ૫૫ રહે. હાલ- લાલબજાર કોઠી વડાપડા રોડ અલ્લારખાના મકાનમાં ભરૂચ તથા ગોયા બજાર અંક્લેશ્વર, ત્રણેય મૂળ બાંગ્લાદેશી) અને નૌસાદ ઇદ્રીશ ખાન (ઉ.વ.૪૯ રિક્ષા ડ્રાઇવર હાલ રહેવાસી અંકલેશ્વર, બાપુનગર વોટર પ્લાન્ટ પાસે ભાડેથી અંકલેશ્વર મુળ રહે. જમુઆ, બેલથરા રોડ જી.બલીયા ઉત્તર પ્રદેશ)ની પોલીસે ધરપકડ કરી હતી.

હત્યારો અજોમ શેખ એટીબી ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠનનો સભ્ય અને બેંકોનો લૂટારૂ
આ ઘટનાની પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવતા ચોંકવનારી હકીકતો બહાર આવી છે, પકડાયેલા બાંગ્લાદેશી આરોપી ઓ પૈકી અજોમ સમસુ શેખ ઉ.વ.૫૫ મૂળ રહે. કરામકુલા થાણા ડાકોમ, જિલ્લો ખુલના બાંગ્લાદેશ)ની વધુ પૂછપરછ દરમ્યાન તે અન્સારુલ્લા બાંગ્લા ટીમ (એ.બી.ટી) જેને અન્સાર બંગ્લા પણ કહેવામાં આવે છે, આ બાંગ્લાદેશમાં ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે, જેનો તે સભ્ય હોવાનું બહાર આવ્યું હતું. આરોપી અજોમ શેખ સને ૨૦૧૩થી ૨૦૧૫ સુધી નાસ્તિક બ્લોગર્સ ઉપર ક્રૂર હુમલાઓ અને હત્યા સહિતના ગુનાઓમાં અને એપ્રિલ ૨૦૧૫માં બેંકો લૂંટવામાં સંકળાયેલો હતો. ૨૫મી મે ૨૦૧૫ના રોજ બાંગ્લાદેશ ગૃહ મંત્રાલય દ્વારા બેંક લૂંટના થોડા દિવસ પછી ગેંગને ગેરકાયદેસર ઠેરવવામાં આવી હતી. અને બાંગ્લાદેશની વિદ્યાર્થી પાંખ ઇસ્લામી છાત્ર શિબિર સાથે આ સંસ્થા જોડાયેલી છે અને એ.બી.ટીએ બાંગ્લાદેશમાં અલકાયદા પ્રેરિત ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

અજોમે બાંગ્લાદેશમાં બનેવી સહિત ચારની હત્યા કરી ઘરના કમ્પાઉન્ડમાં દાટી દીધા હતા

અંકલેશ્વર મર્ડર મિસ્ટ્રીની ઘટનાનો આરોપી અજોમ સમસુ શેખ વર્ષ ૨૦૧૬ તથા ૨૦૧૭ના સમયગાળા દરમ્યાન ગુજરાતમાંથી બાંગ્લાદેશ ગયો હતો, અને બાંગ્લાદેશના કમરકુલાના વતની બોલાઈ નામના હિન્દુ યુવક તેમજ મુસ્તુફા ગાજી, તથા પોતાના જમાઈ રહીમ અબ્દુલ ગાજી અને ઇમરાન અશદની હત્યા કરીને તેમના મૃતદેહોને પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો ખોદીને દાટી દીધી હતી, આ ચારેય હત્યાની ઘટનામાં પણ તે વોન્ટેડ હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યુ હતું. જ્યારે અમદાવાદ પોલીસે વર્ષ ૨૦૧૮માં બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં પણ તેની ધરપકડ કરી હતી.

એબીટીના અન્ય કેટલા ઉગ્રવાદી ગુજરાતમાં આવ્યા, તપાસ શરૂ
અજોમ શેખ બાંગ્લાદેશમાં ફકીર તરીકે હોવા છતાં પોતાની ઓળખ છુપાવવા માટે ગુજરાતમાં આવી શેખ નામની અટક ધારણ કરી હતી, જ્યારે પોલીસ દ્વારા આરોપી દ્વારા ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિ કરી છે કે કેમ ? તેમજ બાંગ્લાદેશમાં અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (એ.બી.ટી )ના અન્ય કોઈ ઉગ્રવાદીઓ ગુજરાતમાં આવ્યા છે કે કે ? તે અંગે પણ ભરૂચ પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

Related Posts