SURAT

સુરત સ્ટેશનથી સચિન રેલવે સ્ટેશન સુધી આ દિવસથી સિટી બસ સેવા શરૂ થશે

સુરત: સુરત સ્ટેશનથી (Surat Railway Station) સચિન (Sachin) રેલવે સ્ટેશન સુધી 10 એપ્રિલથી સિટી બસ (City Bus) સેવાનો પ્રારંભ થશે. સચિન જીઆઇડીસી, હોજીવાલાનાં ઉદ્યોગ સંગઠનો અને સચિન આસપાસનાં ગામોએ ચોર્યાસીનાં ધારાસભ્ય સંદિપ દેસાઈને રજુઆત કરતાં ગણતરીના દિવસોમાં વર્ષો જૂની માંગ પુરી થઈ છે.

  • ઉદ્યોગ સંગઠનો અને સચિન આસપાસનાં 15 ગામોએ ધારાસભ્ય સંદિપ દેસાઈને રજુઆત કરતાં વર્ષો જૂની માંગ ઉકેલાઈ
  • 10મીને સોમવારે સવારે 10 વાગ્યે સચિન પ્લાઝા પાસેથી સિટીબસને લીલીઝંડી બતાવી આ સેવા શરૂ કરવામાં આવશે

સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, 10મીને સોમવારે સવારે 10 વાગ્યે સચિન પ્લાઝા પાસેથી સિટીબસને લીલીઝંડી બતાવી આ સેવા શરૂ કરવામાં આવશે. સચિન જીઆઇડીસીમાં હજારો લોકો અપડાઉન કરી ઉદ્યોગ વેપારનાં સ્થાને પહોંચવા સુરત સ્ટેશને આવે છે. એવી જ રીતે સચિન આસપાસનાં લોકોને મુંબઇ કે અમદાવાદ વડોદરા ટ્રેનમાં જવા ઓટો રિક્ષા પાછળ 200,300 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. આ રજૂઆત મળતાં સુરત મનપાના ભાજપ શાસકો અને પાલિકા કમિશનરે વિષયની ગંભીરતા પારખી આ સેવા શરૂ કરાવવાનો નિર્ણય લીધો છે.

સુરત સ્ટેશનથી સચિન રેલવે સ્ટેશન વચ્ચે આગામી સિટી બસ શરૂ કરાતાં સચિન જીઆઈડીસી તથા તેની આસપાસના અંદાજિત 15 જેટલા ગામડાંના લોકો, હોજીવાલા, ડાયમંડ પાર્ક, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સચિન એપરેલ પાર્કમાં નોકરી ધંધા અર્થે અવર જવર કરતાં હાજરો લોકોને એનો સીધો લાભ મળશે. સિટી બસ સેવા શરૂ થતાં ગામડાના સ્કૂલ અને કોલેજ જતાં વિદ્યાર્થીઓને લાભ થશે. અને સુરત મનપાની બસ સેવાને ચોક્કસ આર્થિક લાભ થશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ચાર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત સ્ટેશનથી સચિન રેલવે સ્ટેશન સુધી સિટી બસ દોડાવવા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી હતી. સચિનમાં ઔદ્યોગિક એકમો મોટી સંખ્યામાં આવ્યા છે. ત્યારે નવસારી, વલસાડ, ચીખલી સહિત આસપાસના વિસ્તારના સંખ્યાબંધ લોકો નોકરી-ધંધા માટે સચિન જીઆઈડીસી તરફ આવે છે.

એટલું જ નહીં સચિન તથા આસપાસના 15 ગામના લોકો શહેરના વિવિધ વિસ્તારમાં નોકરી માટે આવે છે. ત્યારે રોજિંદા હજારો લોકોની અવરજવર થતી હોવા છતાં સિટી બસની સુવિધા નહીં હોવાથી ધારાસભ્ય સંદીપ દેસાઈએ સત્વરે સિટી બસ સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી. જે ફળી છે.

Most Popular

To Top