Columns

અમેરિકાના ડોલરનું સ્થાન ‘બ્રિક્સ’ની નવી કરન્સી લઈ શકશે?

ઇ.સ. ૧૯૪૪માં બીજાં વિશ્વયુદ્ધનો અંત આવ્યો તે સાથે એક નવા વર્લ્ડ ઓર્ડરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં અમેરિકા ટોચના સ્થાને બિરાજીત થયું હતું. બીજાં વિશ્વ યુદ્ધમાં યુરોપના તમામ દેશો એકબીજા સાથે લડીને બરબાદ થઈ ગયા હતા, જ્યારે અમેરિકા તેમને શસ્ત્રો વેચીને આબાદ થઈ ગયું હતું. ૧૯૪૪ પહેલાં આંતરરાષ્ટ્રીય વેપારમાં લેવડદેવડ માટે સોનાનો ઉપયોગ કરવામાં આવતો હતો. યુદ્ધનાં વર્ષો દરમિયાન દુનિયાના દેશોનું હજારો મેટ્રિક ટન સોનું અમેરિકામાં ઘસડાઈ આવ્યું હતું.

બીજાં વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી દુનિયાના ૪૪ દેશોના પ્રતિનિધિઓ ૧૯૪૪ની ૧ જુલાઇના રોજ ન્યુ હેમ્પશાયરની બ્રેટન વૂડ્સ હોટેલમાં મળ્યા હતા. તેમણે દુનિયાની રિઝર્વ કરન્સી તરીકે ડોલરનો સ્વીકાર કર્યો ત્યારથી આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલર ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યો છે. હવે જગત પરની અમેરિકાની દાદાગીરીનો અંત આવ્યો છે ત્યારે રિઝર્વ કરન્સી તરીકે ડોલરનું સ્થાન પણ ડગમગી ગયું છે. હવે જે નવા વર્લ્ડ ઓર્ડરની રચના થઈ રહી છે, તેમાં રિઝર્વ કરન્સી તરીકે ડોલરને ઉથલાવી પાડીને તેનું સ્થાન લેવા અનેક કરન્સીઓ મેદાનમાં આવી ગઈ છે, જેમાં રશિયાના રૂબલ ઉપરાંત ચીનનો યુઆન અને ભારતનો રૂપિયો પણ હોડમાં છે.

ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પછી અમેરિકાએ પોતાના પગ પર કુહાડો મારતા હોય તેમ રશિયા સામે આર્થિક નાકાબંધી કરી હતી. તેને કારણે દુનિયાના અનેક દેશો માત્ર રશિયા સાથે જ નહીં પણ એકબીજા સાથે પણ ડોલરને બદલે સ્થાનિક કરન્સીમાં વેપાર કરવા લાગ્યા હતા. ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન હાલકડોલક થતાં અનેક દેશોની સેન્ટ્રલ બેન્કો અબજો ડોલર વેચીને સોનું ખરીદી રહી છે, જેને કારણે ડોલરનો ધબડકો થવાના સંયોગો પેદા થયા છે. જો બ્રિક્સમાં સામેલ થયેલા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો મળીને કોઈ નવી કરન્સી લાવશે તો તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહેશે.

અમેરિકાના ડોલરને બદલે બીજી વૈકલ્પિક કરન્સી શોધવાની પ્રક્રિયાને ડિ-ડોલરાઈઝેશન નામ આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો હેવાલ કહે છે કે દુનિયાના દેશો રિઝર્વ કરન્સીના રૂપમાં ડોલરનો ઓછામાં ઓછો ઉપયોગ કરી રહ્યા છે. ગયાં વર્ષના અંતિમ ક્વાટરમાં રિઝર્વ કરન્સીના રૂપમાં ડોલરનો ફાળો બે દાયકાના તળિયે જઈને ૫૯ ટકા જેટલો રહી ગયો હતો. નવાઈની વાત એ છે કે રિઝર્વ કરન્સી તરીકે ડોલરનું પતન થયું છે, પણ તેના પરિણામે પાઉન્ડ સ્ટર્લિંગ, યુરો કે યેનના પ્રમાણમાં જરાય વૃદ્ધિ જોવા મળી નથી. ડોલરને જે નુકસાન ગયું છે તેના ૨૫ ટકા જેટલો લાભ ચીનની રેન્મીન્બીનામની નવી કરન્સીને થયો છે, જ્યારે બાકીનો ૭૫ ટકા લાભ અનેક દેશોની કરન્સીને થયો છે, જેમાં ભારતના રૂપિયાનો પણ સમાવેશ થાય છે.

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પછી અમેરિકાએ રશિયાને સજા કરવા તેની પાસે રહેલા ૬૦૦ અબજ ડોલર પૈકી ૩૦૦ અબજ ડોલરના રિઝર્વ ભંડોળને થિજાવી દીધું હતું. દુનિયાના દેશો ડોલરમાં લેવડદેવડ કરવા માટે ‘સ્વિફ્ટ’નામની પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેનો અંકુશ અમેરિકાના હાથમાં છે. યુક્રેન પરના હુમલાને પગલે રશિયાની બેન્કોને ‘સ્વિફ્ટ’સિસ્ટમમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી, જેના પરિણામે તેઓ ડોલરમાં વ્યવહારો કરી નથી શકતી. અમેરિકાએ ડોલરનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો તેને કારણે ભારત અને ચીન જેવા કેટલાક દેશો નારાજ થઈ ગયા છે અને તેમણે રશિયા સાથે સ્થાનિક કરન્સીમાં વેપાર ચાલુ કર્યો છે. ભારત રશિયા પાસેથી બહુ ઓછા ખનિજ તેલની આયાત કરતું હતું. યુક્રેન યુદ્ધ પછી રશિયાએ ભારતને ખનિજ તેલમાં ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરતાં ભારતે રશિયાથી ખનિજ તેલની આયાત વધારી દીધી છે.

આજની દુનિયા બે ભાગોમાં વહેંચાયેલી છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રશિયા, અમેરિકા, કેનેડા અને યુરોપના દેશો આવે છે, જેમની ગણતરી સમૃદ્ધ દેશો તરીકે થાય છે. દક્ષિણ ગોળાર્ધમાં લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયા વગેરેના દેશો આવે છે, જેમની ગણતરી ગરીબ અથવા વિકાસશીલ દેશો તરીકે થાય છે. દુનિયાના ઉત્તર ગોળાર્ધના લોકો દ્વારા હંમેશા દક્ષિણ ગોળાર્ધના લોકોનું શોષણ કરવામાં આવ્યું છે, જેમાં ડોલરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હવે દક્ષિણ ગોળાર્ધમાં રહેલા બ્રાઝિલ, ભારત, દક્ષિણ આફ્રિકા વગેરે દેશો સંગઠિત થયા છે. તેમને રશિયા અને ચીન જેવી મહાસત્તાઓનો ટેકો મળ્યો છે. ‘બ્રિક્સ’ના બધા દેશો આપસમાં વેપાર કરવા માટે સ્થાનિક કરન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે, જેને કારણે ડોલરની પડતીના દિવસો શરૂ થયા છે.

બ્રિક્સમાં જોડાયેલા પાંચ દેશો છેલ્લા કેટલાંક વર્ષોથી તેમની સ્વતંત્ર કરન્સી લોન્ચ કરવાની વિચારણા કરી રહ્યા હતા, જે ડોલરનું સ્થાન લઈ શકે તેમ છે. આ વર્ષના ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકામાં ‘બ્રિક્સ’ના દેશોની શિખર પરિષદ મળવાની છે, જેમાં નવી કરન્સીને મૂર્ત સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. રશિયા ઉપર અમેરિકા દ્વારા આર્થિક નાકાબંધી કરવામાં આવી તે પછી રશિયા બ્રિક્સની કરન્સી વિકસાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.

અમેરિકાની આર્થિક દાદાગીરી સામે રશિયા, ચીન અને ભારત એક થઈ ગયા છે. તેમણે પોતાનો આપસનો વેપાર રૂબલ, રૂપિયા અને યુઆનમાં કરવાનું ચાલુ કરી જ દીધું છે. રશિયા અને ભારત વચ્ચે રૂબલ-રૂપિયામાં વેપારના કરાર થઈ ગયા છે. ભારતે ૧૮ દેશો સાથે રૂપિયામાં વેપાર કરવાના કરાર કર્યા છે. ચીનના યુઆનમાં દુનિયાના ૧૦૦થી વધુ દેશો વેપાર કરી રહ્યા છે. જો આ ત્રણ કરન્સીને જોડીને એક કરન્સી બનાવવામાં આવે તો બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો તેને અપનાવી લેવા તૈયાર છે. બ્રાઝિલે ચીન સાથે યુઆનમાં વેપાર કરવાનું ચાલુ કરી દીધું છે. સાઉદી અરેબિયા પણ ટૂંક સમયમાં પોતાનું ખનિજ તેલ ડોલરને બદલે યુઆનમાં વેચવાનું ચાલુ કરે તેવી સંભાવના છે. જો આ તમામ દેશો ભેગા થઈને નવી ‘બ્રિક્સ’કરન્સી લોન્ચ કરશે તો દુનિયાના તમામ દેશો તેને અપનાવી લેશે.

બ્રિક્સમાં જોડાયેલા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા પાંચ દેશો દુનિયાની ૪૧ ટકા વસતિ ધરાવે છે. વિશ્વના જીડીપીમાં તેમનો ફાળો ૨૪ ટકા જેટલો છે અને વિશ્વ વેપારમાં તેમનો ફાળો ૧૬ ટકા જેટલો છે, જે સતત વધી રહ્યો છે. ૧૯૪૪માં બ્રેટન વુડ્સના દેશો દ્વારા જેમ વર્લ્ડ બેન્કની સ્થાપના કરવામાં આવી હતી તેમ બ્રિક્સના દેશો દ્વારા વર્ષ ૨૦૧૫માં ન્યુ ડેવલપમેન્ટ બેન્કની સ્થાપના કરવામાં આવી છે, જે ન્યુ વર્લ્ડ ઓર્ડરમાં વર્લ્ડ બેન્કની ભૂમિકા ભજવશે. આ બેન્ક દ્વારા વિકાસશીલ દેશોને તેમના વિકાસ કાર્યો માટે ધિરાણ આપવામાં આવશે, જે ડોલરના સ્વરૂપમાં નહીં હોય પણ બ્રિક્સની નવી સૂચિત કરન્સીના સ્વરૂપમાં હશે.

જો ‘બ્રિક્સ’ના દેશો દ્વારા કોઈ નવી કરન્સીની સ્થાપના કરવામાં આવશે તો તેમાં અનેક પડકારો પણ હશે. હાલમાં ચીનનો જીડીપી સૌથી વધુ હોવાથી નવી કરન્સીમાં ચીનનો સિંહફાળો હશે. તેને કારણે ભારતનાં હિતોને નુકસાન થઈ શકે છે. ભારત-ચીન વચ્ચે જૂની દુશ્મનાવટ હોવાથી આ બાબતમાં ભારત-ચીન વચ્ચે તાલમેલ સાધવાનું કામ કપરું છે. જો ભારત અને ચીન અમેરિકાની દાદાગીરીથી મુક્ત થવા માગતા હોય તો તેમણે આપસમાં મિત્રતા કેળવવી જ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top