Columns

ચીનની વિવો કંપની મની લોન્ડરિંગ ઉપરાંત જાસૂસીમાં પણ સંડોવાયેલી છે

ભારતમાં ચીની કંપનીઓ પગપેસારો કરી રહી છે તે દેશના અર્થતંત્ર ઉપરાંત સલામતી માટે પણ ખતરો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મોબાઇલ ફોન બનાવતી વિવો કંપનીનાં ૨૨ રાજ્યોમાં આવેલાં ૪૪ ઠેકાણાંઓ પર દરોડાઓ પાડવામાં આવ્યા છે. ઇડીએ શાઓમી કંપનીનાં બેન્ક ખાતાંઓ સિલ કર્યાં છે, જેમાં આશરે ૫૫૦૦ કરોડ રૂપિયા પડ્યા હતા. વિવો સાથે સંકળાયેલી હિમાચલ પ્રદેશની સોલાન કંપનીના બે ચીની ડિરેક્ટરો તો ભારત છોડીને ભાગી ગયા છે. ચીનનાં આ નાગરિકોને દસ્તાવેજોમાં છેડછાડ કરીને ભારતીય કંપનીના ડિરેક્ટરો બનાવવામાં આવ્યા હતા. ઇડીને શંકા છે કે ચીની કંપનીઓ દ્વારા ૧૦,૦૦૦ કરોડની ગોલમાલ કરવામાં આવી છે.

અમેરિકાની એપલ જેવી કંપનીઓ પોતાના મોબાઇલ ફોનનું ઉત્પાદન ચીનમાં કરવા લાગી હતી, કારણ કે ચીનમાં મજૂરી સસ્તી છે. ચીનના જે ઉત્પાદકો એપલનો આઇ ફોન બનાવતા હતા તેમણે તે અનુભવનો ઉપયોગ કરીને સસ્તા ફોન બનાવીને બજારમાં મૂકવા માંડ્યા હતા, જે આઇ ફોનના ડુપ્લિકેટ હતા, પણ કિંમતમાં બહુ સસ્તા હતા. શરૂઆતમાં તેવા અન્બ્રાન્ડેડ મોબાઇલ ફોન ભારતનાં બજારોમાં વેચાતા હતા, જેમાં ગેરન્ટી કે વોરન્ટી મળતી નહોતી. પછી વિવો, ઓપો, શાઓમી, હુવેઇ વગેરે કંપનીઓ પોતાના બ્રાન્ડનેમ હેઠળ મોબાઇલ બનાવીને ભારતનાં બજારોમાં વેચવા લાગી હતી, જેમાં ગેરન્ટી અને વોરન્ટી ઉપરાંત સર્વિસ પણ મળતી હતી.

ચીનની કંપનીના મોબાઇલ ફોનમાં સોફ્ટવેર પણ ચીનનું વાપરવામાં આવતું હોય છે. આ સોફ્ટવેરનો સંબંધ ચીનના સર્વર સાથે હોય છે. ભારતના ઘણા રાજનેતાઓ પણ ચીની મોબાઈલ વાપરતા હોય છે. તેમના કોલની વિગતો ચીનના સર્વર મારફતે ચીનની જાસૂસી સંસ્થાઓ સુધી પહોંચી જાય છે. તેને કારણે ભારતની સલામતી પણ જોખમાઈ જાય છે. ચીની મોબાઈલ કંપનીઓ ભારતનાં કરોડો ગ્રાહકોનો ડેટા ભેગો કરીને તેનો જથ્થાબંધ વેપાર કરીને કમાણી કરે છે.

ભારતમાં ચીનના મોબાઇલ ફોનનું વેચાણ કરવા માટે વિવો અને શાઓમી જેવી જાયન્ટ કંપનીઓ દ્વારા સેંકડો નાની-નાની કંપનીઓ ઊભી કરવામાં આવી છે. તેનો કન્ટ્રોલ ચીની નાગરિકોના હાથમાં હોય છે, પણ તેને ભારતીય ઓળખ આપવા તેમાં ડમી ભારતીય ડિરેક્ટરો રાખવામાં આવતા હોય છે. ઇડીના ઓફિસરો તેવી કેટલીક કંપનીઓના સત્તાવાર સરનામાં પર પહોંચ્યા ત્યારે ત્યાં તાળાં લટકતાં જોવા મળ્યાં હતાં. આ કંપનીઓમાં કોઈ કર્મચારીઓ નહોતા તો પણ તેમનાં બેન્કનાં ખાતાંઓ કોઈ ઓપરેટ કરતું હતું. ઇડીના અધિકારીઓ દ્વારા વિશેષ તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે ખાતાંઓનું સંચાલન વિદેશોમાંથી કરવામાં આવી રહ્યું છે. આ કંપનીઓ ભારતમાં બે નંબરમાં વેપાર કરતી હોય છે અને કાળાં નાણાંને ધોળાં કરતી હોય છે. આ કમાણીનો કેટલોક હિસ્સો ભારતમાં જાસૂસોની જાળ પાથરવા તેમ જ નિભાવવા માટે પણ વાપરવામાં આવે છે.

બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા દાયકાઓથી ભારતમાં રહે છે તે ચીનને પસંદ નથી, કારણ કે ભારતની ભૂમિ પર રહીને તેઓ તિબેટને ચીનથી સ્વતંત્ર કરવાનો સંગ્રામ લડી રહ્યા છે. દલાઈ લામા જીવતા છે ત્યાં સુધી ચીન તિબેટને પોતાના દેશમાં ભેળવી શકે તેમ નથી. ચીન વર્તમાનમાં ચીનમાં દલાઈ લામાના ઉત્તરાધિકારીને તૈયાર કરી રહ્યું છે, પણ તિબેટની પ્રજા તેમને સ્વીકારવા તૈયાર નથી. ચીન ભારતમાં દલાઈ લામાની હિલચાલ પર સતત નજર રાખતું હોય છે. ભારતમાં મોબાઇલ ફોનનો વેપાર કરતી ચીની કંપનીઓ તેમની કમાણીનો કેટલોક હિસ્સો દલાઈ લામા પર નજર રાખવા માટે પણ વાપરે છે. આ રકમ વડે બૌદ્ધ સાધુઓને લલચાવીને જાસૂસ બનાવવામાં આવે છે.

ભારતનાં લોકો જે ચીનના મોબાઇલ ખરીદે છે, તેની સ્વયંસંચાલિત લિન્ક ચીનના સર્વર સાથે હોય છે. ભારતનાં કરોડો મોબાઇલધારકો મોબાઇલ ફોનનું લોક ખોલવા માટે પોતાના ફિન્ગરપ્રિન્ટનો કે ચહેરાના ફોટાનો ઉપયોગ કરે છે. આ બધી માહિતી ઓટોમેટિક ચીનના સર્વરમાં પહોંચી જતી હોય છે. આ રીતે ચીની કંપનીઓ પાસે કરોડો ભારતીયોનો બાયોમેટ્રિક ડેટા પહોંચી ગયો છે, જેનો ઉપયોગ ચીનની સરકાર પણ કરી શકે છે. ભારતની જેમ અમેરિકામાં પણ ચીને તેની જાસૂસી જાળ પાથરી છે. વિમાન ઉત્પાદક અમેરિકી કંપનીમાં કામ કરતાં ચીની ટેકનિશ્યનો વિમાનની ડિઝાઇનની નકલ કરીને તેને ચીન મોકલી દેતા જણાયા છે. અમેરિકાની યુનિવર્સિટીમાં ભણતા ચીની વિદ્યાર્થીઓ ત્યાં જે સંશોધન ચાલતું હોય છે, તેની વિગતો પણ ચીન સુધી પહોંચાડી દે છે. આ ડેટાનો ઉપયોગ ચીની કંપનીઓ અમેરિકા સાથે હરીફાઈ કરવા માટે કરે છે.

નવા યુગનું યુદ્ધ દેશની સરહદો પર નથી લડાતું, પણ ડેટાના ક્ષેત્રમાં લડાય છે. જે દેશ પાસે ડેટા કલેક્ટ કરવાનું ચઢિયાતું નેટવર્ક હશે તે હરીફાઈમાં જીતી જશે. આ ડેટા કલેક્ટ કરવામાં ચીની મોબાઇલ કંપનીઓ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ચીનની લગભગ તમામ મોટી કંપનીઓ સરકારની જ માલિકીની હોય છે. જેમાં સરકારની માલિકી ન હોય તે કંપની પણ સરકારના નિયંત્રણ હેઠળ જ હોય છે. ચીનના કાયદાઓ મુજબ સરકાર કોઈ પણ કંપની પાસે કોઈ પણ ડેટા માગે તો કંપનીએ તે ડેટા ફરજિયાત આપવો પડે છે. વળી દરેક ચાઇનીઝ કંપનીમાં ફરજિયાત એક સામ્યવાદી પક્ષનું યુનિટ રાખવું પડે છે. આ યુનિટના સંચાલકો ધ્યાન રાખે છે કે કંપનીનું સંચાલન સામ્યવાદી પક્ષના સિદ્ધાંતો મુજબ જ થાય. ચીની મોબાઇલ કંપનીઓ પાસે ભારતનાં ગ્રાહકોની જે કોઈ વિગતો આવે તેના પર સામ્યવાદી પક્ષના નેતાઓની નજર કાયમ માટે રહેતી હોય છે.

ભારતમાં ચોખા અને મકાઇ જેવા અનાજ પર જે કોઈ સંશોધન થઈ રહ્યું હોય છે, તેમાં ચીની સરકારને રસ હોય છે. ભારતમાં અનાજની કોઈ નવી જાતો વિકસાવવામાં આવે તો તેની માહિતી ચીની સરકાર પાસે તરત જ પહોંચી જતી હોય છે. ભારતની કંપની કોઈ પ્રોડક્ટ બજારમાં ઉતારે તે પહેલાં તો ચીની કંપની તેની ડુપ્લિકેટ ચીજ બજારમાં ઉતારી દે છે. ચીની કંપનીઓ દ્વારા ભારતમાં જે જાસૂસી કરવામાં આવે છે તે સંશોધનના ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. તેઓ ભારતની કંપની કેટલા રૂપિયામાં વસ્તુ બનાવે છે, તેનો શું ભાવ રાખે છે અને તેમાં કેટલો નફો હોય છે, તેની પણ માહિતી મેળવે છે. તેના કરતાં થોડા ઓછા ભાવો રાખીને તેઓ હરીફાઈમાં ઊતરે છે. આ માટે તેઓ પોતાનાં નાગરિકો દ્વારા કંપનીમાં ઘૂસાડવામાં આવેલા જાસૂસોનો પણ ઉપયોગ કરતા હોય છે.

ચીની કંપનીઓ ભારતમાં તેમની જાસૂસી જાળ પાથરવા માટે મોબાઇલ કંપનીઓના માલિકો ઉપરાંત સ્ટાફનો પણ ઉપયોગ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં વિવો ફોનનું વિતરણ કરવા માટે ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઇન્ટરનેશનલ નામની કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ કંપનીનું ભારતમાં રજીસ્ટ્રેશન કરવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને તે વાતની ખબર હતી કે તેના દસ્તાવેજો નકલી છે, તો પણ તેમણે તેમાં સહી કરી આપી હતી. તેમની સાથે કંપનીના સેક્રેટરી પણ સંડોવાયેલા હતા. હવે ઇડીની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આ લખનારને એક વાત સમજાતી નથી કે જો ચીની કંપનીઓ દેશમાં જાસૂસી કરતાં પકડાઈ ગઈ હોય તો તેના પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવતો નથી?

Most Popular

To Top