Sports

પૂજારાને બલીનો બકરો કેમ બનાવ્યો…? સુનીલ ગાવસ્કરે ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: વિન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ સીરિઝ માટે 23 જૂનનાં રોજ ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી હતી. આ સિરિઝમાં કેપ્ટનશીપ રોહિત શર્મા જ કરશે જ્યારે વાઈસ કેપ્ટનની જવાબદારી ચેતેશ્વર પુજારાના સ્થાને અજિંંક્ય રહાણેને સોંપવામાં આવી છે.

આ ટીમમાં 35 વર્ષીય ખેલાડી ચેતેશ્વર પૂજારાનું (Cheteshwar Pujara) સિલેકશન (Selection) કરવામાં આવ્યું નથી જેનાં કારણે સવાલો ઉભા થઈ રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) સિલેક્ટર્સના નિર્ણયની આકરી ટીકા કરતા સવાલ કર્યો છે કે શા માટે ચેતેશ્વર પૂજારાને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે?

WTC Final 2023 માં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં હોવાના લીધે પુજારાને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડી આવવામાં આવ્યો છે. આ અંગે સુનિલ ગાવસ્કરે સિલેક્ટર્સને સવાલ કર્યો છે કે શા માટે પૂજારાને ટીમની બહાર કરવામાં આવ્યો છે? તેમણે કહ્યું ચેતેશ્વર વફાદાર અને શાંત ખેલાડી છે. ફર્ક માત્ર એટલો છે કે તેના બીજા ખેલાડીઓની જેમ લાખો ફોલોઅર્સ નથી જે તેના માટે લડી શકે અથવા બોલી શકે.

ગાવસ્કરે પોતાની વાત જણાવતા કહ્યું કે માત્ર તેની ઉંમરના કારણે આવો નિર્ણય ન લેવો જોઈએ. આ ઉપરાંત WTC 2023ની મેચનો ઉલ્લેખ કરતા કહ્યું કે પૂજારા એકમાત્ર એવો બેટ્સમેન ન હતો જેણે મોટો સ્કોર ન બનાવ્યો. આ મેચમાં ટોપના ચાર બેટ્સમેનો પણ પ્રથમ દાવમાં 71 રનમાં આઉટ થઈ ગયા હતા. પસંદગીકારોએ જણાવવું પડશે કે શા માટે પૂજારા પર આ માટે નિશાન સાધવામાં આવી રહ્યો છે.

ચેતેશ્વર પુજારા દુલીપ ટ્રોફીમાં રમતો જોવા મળશે
ચેતેશ્વર પુજારા દુલીપ ટ્રોફીમાં રમતો જોવા મળશે. દુલીપ ટ્રોફીમાં ચેતેશ્વર પુજારા વેસ્ટ ઝોન તરફથી રમતો નજર આવશે. આમ તો ચેતેશ્વર પુજારા અને સૂર્યકુમાર યાદવ બંને ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ વેસ્ટ ઝોન ટીમના બે સ્ટાર ખેલાડીઓની પસંદગી ભારતીય ટીમમાં થઈ છે.

આમ હવે પુજારા અને સૂર્યા બંને આ સ્ટાર ખેલાડીઓનુ સ્થાન વેસ્ટ ઝોન ટીમમાં લેશે. વેસ્ટ ઝોન દુલીપ ટ્રોફીની પોતાની પ્રથમ મેચ આગામી 5 જુલાઈએ રમશે. જેમની ટક્કર સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોન બંનેમાંથી વિજેતા થનારી ટીમ સામે થશે.

Most Popular

To Top