Dakshin Gujarat

નર્મદાના ડેડીયાપાડામાં સસ્તા અનાજની દુકાનો પર ઓછું અનાજ આપવાની સ્થાનિકોની ફરિયાદ

લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની દુકાનો પર નિ:શુલ્ક વિતરણની શરૂઆત કરી છે. પરંતુ સરકારી અનાજના કાળાબજાર કરવા ટેવાયેલા રેશનિંગના સંચાલકો આ ટકનો ગેરલાભ ઉઠાવી ગરીબોને માત્ર 50 ટકા જ અનાજ આપી બાકીનો જ્થ્થો ઓહિંયા કરી જતાં હોવાની અનેક ગામોમાંથી બૂમો ઉઠી રહી છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના માથાસર અને પાટવાલી ગ્રામજનોએ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ભ્રષ્ટાચાર આચરી ઓછુ અનાજ આપતા હોવાનો ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પાટવાલી ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે 2જી તારીખે અમે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા ગયા ત્યારે ઓછા અનાજની ફરિયાદ લઈને એક વિધવા મહિલા ત્યાં બેઠી બેઠી રડતી હતી. બાદમાં અમે ડેડીયાપાડા તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદારનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને એક ટીમ અમારા ગામમાં આવી અને ગ્રાહકોની સામે જ અનાજ તોલાવ્યું ત્યારે નિયમ કરતા લગભગ 50% અનાજ ઓછું અપાતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું, બાદમાં તપાસ ટીમના અધિકારીઓએ પંચકેસ કરી ઉપલી કક્ષાએ આનો રિપોર્ટ પણ કર્યો હતો.

અમારા ગામમાં તો ઘણા સમયથી આવું જ ચાલે છે: પાટવાલીના ગ્રામજનો
પાટવાલી ગામના પાંડિયા વસાવા, ગણેશ વસાવા, ગંભીર વસાવા, નૂરજી વસાવા તથા દિનેશ વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પણ જે ગ્રામજનોને અનાજ આપ્યું હતું એ પણ નિયમ કરતા ઓછું અપાયું હતું. અમારા ગામમાં તો ઘણા સમયથી આવું જ ચાલે છે. અત્યારે અને પહેલા જે અનાજ અપાયું એની ગુણવત્તા બિલકુલ ખરાબ છે. છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારની સસ્તા અનાજની દુકાનોમાં ખરાબ અનાજ આવે છે તથા મોટા મોટા ભ્રષ્ટાચારો થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top