Columns

ચંદ્રવંશ, યદુવંશ, પુરૂવંશ, કુરુવંશ

સૂર્યવંશ’ની સમજુતી પછી હવે ‘ચન્દ્રવંશ’ને સમજીએ. અગાઉ બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક ‘મહર્ષિ અત્રિ’ની જાણકારી આપણે પ્રાપ્ત કરી હતી કે જેઓ હાલના મન્વન્તરના સપ્તર્ષિ પણ છે. હાલમાં કેટલાક બ્રાહ્મણ, પ્રજાપતિ, ક્ષત્રિય અને વૈશ્યના ‘ગોત્ર’ના નામ તેમના નામ પરથી ‘અત્રિ’ છે. આ જ અત્રિઋષિ ને ‘અનસુયાદેવી’ નામની પત્ની કે જેઓ કર્દમ પ્રજાપતિના પુત્રી થાય, તેમનાથી 3 પુત્રો થયા. જે ‘સોમ’, ‘દત્તાત્રેય’ અને ‘દુર્વાસા’ કહેવાયા. આ ત્રણે પુત્રો અનુક્રમે ભગવાન ‘બ્રહ્મા’, ‘વિષ્ણુ’ અને ‘શિવ’ના અવતાર કહેવાય છે. મહાભારતના યુધ્દ્ધમાં જ્યારે ‘દ્રોણાચાર્ય’ ખૂબ માનવ સંહાર કરી રહ્યા હતા, ત્યારે તેમને સમજાવવા ‘અત્રિ’ અન્ય ઋષિ સાથે આવ્યા હતા. ભગવાન શ્રીરામ, વનવાસ દરમ્યાન અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા હતા. અત્રિએ તેમને દંડકારણ્યનો રસ્તો બતાવ્યો હતો તેવો ઉલ્લેખ મળે છે.

‘સોમ’ અથવા ‘ચંદ્ર’ના જન્મની કથા એવી છે કે મહર્ષિ અત્રિએ ખૂબ આકરી તપસ્યા કરી. તેના તેજથી આકાશ ભરાઈ ગયું. આ તેજથી જે શક્તિ ઉત્પન્ન થઇ તેમાંથી સોમ (ચંદ્ર)નો જન્મ થયો. બ્રહ્માજીએ ચંદ્રને એમના રથમાં બેસાડી 21 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરાવી. એમાંથી જે શક્તિઓ ઉત્પન્ન થઇ તેમાંથી ‘જડીબુટ્ટી’ઓનો ઉદભવ થયો. ચંદ્રના ગુરુ ‘બૃહસ્પતિ’ હતા. બૃહસ્પતિને ‘તારા’ નામની પત્ની હતી, જેની સાથે ચંદ્ર પ્રેમમાં પડ્યા. આ બાબતે ચંદ્ર અને બૃહસ્પતિ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દૈત્યોના ગુરુ ‘શુક્રાચાર્ય’ ચંદ્ર તરફથી લડ્યા. ‘ભગવાન શિવ’ બૃહસ્પતિ તરફથી લડ્યા.

આ યુદ્ધ પુરાણોમાં ‘તારકામ્યા સંગ્રામ’ તરીકે ઓળખાય છે. ‘ચંદ્ર’ અને ‘તારા’થી એક પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ – ‘બુધ’. બુધના લગ્ન ‘વૈવસ્વત મનુ’ની પુત્રી ‘ઈલા’ સાથે થયા. બુધ અને ઈલાથી થયેલ પુત્ર એટલે ‘પુરૂરવા’ રાજા. “આ પુરૂરવા રાજાના વંશને ચન્દ્રવંશ કહેવાય છે”. આ જ ‘ઈલા’ને ‘મિત્રવરુણ’થી મળેલા વરદાનથી ત્યાર બાદ પુરુષત્વ પ્રાપ્ત થયું અને તેનું નામ ‘સુધ્યુંમન’ પડ્યું. જે ખુબ પ્રસિધ્દ્ધ રાજા થયા અને જેમની અનેક કથાઓ પુરાણોમાં છે. સુધ્યુંમનના 3 પુત્રો થયા. ‘ઉત્કલ’ જેમણે ઓરિસ્સામાં રાજ્ય કર્યું, ‘ગયા’ જેમણે ગયામાં રાજ્ય કર્યું અને ‘વિનત્સવા’ જેમણે પશ્ચિમમાં રાજ્ય કર્યું. ‘પુરૂરવા’ને ઉર્વશી સાથેના લગ્નથી 6 પુત્રો થયા.

‘આયુ (આયુષ)’, ‘અમાવાસુ’, ‘વિસ્વવાસુ’, ‘શ્રુતાયું’, ‘શતાયુ’ અને ‘અયુતાયું’. પ્રથમ પુત્ર ‘આયુ’ના ખૂબ જ બળવાન પુત્ર ‘નહુસ’. જેમણે પૃથ્વી પર 1 લાખ વર્ષ સુધી રાજ્ય કર્યું હોવાનું કહેવાય છે. નહુસના 6 પુત્રોમાં મુખ્ય પુત્ર ‘યયાતિ’ કે જેઓ વિષ્ણુ ભક્ત હતા અને તેમણે પણ પૃથ્વી પર 1 લાખ વર્ષ રાજ્ય કર્યું હોવાનું અને આખી દુનિયા જીતી હોવાનો ઉલ્લેખ છે. યયાતિના 5 પુત્રો ‘યદુ’, ‘તુર્વાસુ’, ‘દ્રહય’, ‘અનુ’ અને ‘પુરૂ’ થયા. જેઓ ‘પંચજન્ય’ તરીકે ઓળખાય છે. ‘યદુ’ના વંશજો ‘યાદવો’ કહેવાયા. યદુ પછીનો વંશ “યદુવંશ” કહેવાયો. આ જ વંશમાંથી ‘વૃષણીવંશ’ અને ‘કોષ્તુંવંશ’ થયા. જેમાં ‘વાસુદેવ’ અને ‘દેવકી’નો જન્મ થયો. વાસુદેવ અને દેવકીને ત્યાં ‘ભગવાન શ્રીકૃષ્ણ’નો પ્રાદુર્ભાવ થયો. જે હવે પછીના લેખમાં સમજશું. ‘તુર્વાસુ’ એ પહેલા બલુચિસ્તાનમાં રાજ્ય કર્યું, ત્યાર બાદ દક્ષિણ અને દક્ષિણ – પૂર્વની ભૂમિ મળવાથી આન્ધ્ર (ત્યારે અંધીરા કહેવાતું)માં રાજ્ય કર્યું. તુર્વાસુના પુત્રોએ ‘ચોલા’, ‘પાંડય’ અને ‘કેરાલા’ની સ્થાપના કરી.

‘દ્રહય’ અથવા દ્રહાયું એ પહેલા અફઘાનિસ્તાનમાં રાજ્ય કર્યું. જે ત્યારે ‘ગાંધાર’ તરીકે ઓળખાતુ. ગાંધાર દેશના રાજાઓ ‘દ્રહયવંશ’ના થયા. દ્વાપરયુગમાં તેમના વંશજ ‘શકુનિ’ અને શકુનિના બહેન ‘ગાંધારી.’ જેમના લગ્ન ‘ધૃતરાષ્ટ્ર’ સાથે થયા. જેમના પુત્રો ‘કૌરવો’ કહેવાયા. ‘અનુ’નો વંશ ‘અનવાસ’ કહેવાયો. તેમણે પશ્ચિમમાં ‘સીવી’, ‘સૌવીહા’, ‘કેકયા’ અને ‘મદ્ર’ રાજ્યોની સ્થાપના કરી. રાજા દશરથની પત્ની ‘કૈકયી’ કેક્યાથી અને પાંડુ રાજાની પત્ની ‘માદ્રી’ મદ્રથી હતા. યયાતિના 5માં પુત્ર ‘પુરૂ.’ જેમનો વંશ ‘પુરૂવંશ’ કહેવાયો.

આ જ ‘પુરૂવંશ’માંથી ‘કુરુવંશ’ થયો. આ જ પુરૂવંશમાં ‘રાજા દુષ્યંત’ થયા. ‘દુષ્યંત’ અને ‘શકુંતલા’ના પુત્ર ‘ભારત’ થયા. ભારતે 1800 અશ્વમેઘ યજ્ઞ કર્યા. 100 રાજસુર્ય યજ્ઞ કર્યા. આખી દુનિયા જીતી. એમના નામ પરથી આપણા દેશનું નામ ‘ભારતવર્ષ’ પડ્યું. આ વંશ પછીથી ‘ભારતવંશ’ તરીકે ઓળખાયો. ભારતવંશમાં ‘હસ્તિ’ નામના રાજા થયા, જેમણે હસ્તિનાપુર બનાવ્યું. ‘હસ્તિ’ના પુત્ર ‘અજામીદ’ની પુત્રી ‘અહલ્યા’ના લગ્ન ગૌતમઋષિ સાથે થયા. એમના વંશમાં પુત્ર ‘કૃપ’ અને પુત્રી ‘કૃપી’ થયા. કૃપીના લગ્ન ‘દ્રોણાચાર્ય’(કૌરવ અને પાંડવોના ગુરુ) સાથે થયા. તેમના પુત્ર ‘અશ્વથામા’ થયા. અજામીદના અગત્યના પુત્ર ‘રીક્સ’. જેમના પુત્ર ‘સંવર્ણ’ના લગ્ન સૂર્યપુત્રી તાપી સાથે થયા.

(જે સુર્યવંશમાં પણ સમજ્યા) એમના પુત્ર ‘કુરુ’ કે જેમનો વંશ ‘કુરુવંશ’ કહેવાયો. આ કુરુવંશમાં ‘પ્રતિપ’ નામના રાજાને ત્રણ પુત્રો થયા. જેમાંથી બીજા પુત્ર ‘શાંતનુ’ પૂર્વજન્મના બંધનને કારણે ‘ગંગા’ સાથે પ્રેમમાં પડ્યા અને ‘ભીષ્મ’(ભીષ્મ પિતામહ)નો પ્રાદુર્ભાવ થયો. ‘શાંતનુ’ના લગ્ન સત્યવતી (મત્સ્યગંધા – જેની સમજુતી આપણે માનસપુત્રો અંતર્ગત પરાશરમુનિ વખતે કેળવી) સાથે થયા. આ જ સત્યવતીને અગાઉ ‘પરાશરમુનિ’થી ‘મહર્ષિ વેદવ્યાસ’નો પ્રાદુર્ભાવ થયો હતો. હવે પછીના લેખમાં પરમાત્માની અભિવ્યક્તિ રૂપ યદુવંશ, વૃષણીવંશ, શ્રીકૃષ્ણ, કૌરવો અને પાંડવોની ઉત્પતિને ૐના માધ્યમ દ્વારા સમજશું.
ત્યાં સુધી.. !!! ૐ તત સત !!! ક્રમશ…

Most Popular

To Top