SURAT

શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરતની જે હોટલમાં રોકાયા હતા તેનું બીલ બાકી, કોણ ભરશે ?


સુરત(Surat): મહારાષ્ટ્ર(Maharashtra)ના બળવાખોર ધારાસભ્યો(MLAs) મહારાષ્ટ્રમાંથી આસામમાં શિફ્ટ થયા છે. પરંતુ સૌપ્રથમ તો તેઓ સુરત(Surat) આવ્યા હતા. ગુવાહાટી જતા પહેલા અહીં લા મેરેડિયન(La Meridian) નામની ફાઈવ સ્ટાર હોટલ(Hotel)માં થોડા કલાકો રોકાયા હતા. પરંતુ આ મામલે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ધારાસભ્યોએ હજુ સુધી સુરતની હોટલનું બિલ(Bill) ચૂકવ્યું નથી(Not Paid).

હોટલમાં રૂમનાં બુકિંગ માટે કોઈ આઈ-ડી પ્રૂફ પણ રજુ નથી કર્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર હોટલનું બિલ હજુ બાકી છે. તેઓએ હોટલમાં 35 રૂમ બુક કરાવ્યા હતા.પરંતુ આ બુકિંગ કોના નામે કરવામાં આવ્યું હતું તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. સિંગલ બેડ રૂમ માટે ‘મિસ્ટર. A’ અને ડબલ રૂમ માટે મિસ્ટર અને મિસિસ A અને B જેવા નામોથી રૂમ બુક કરવામાં આવ્યા હતા. જો કે હોટલમાં રોકાવવા માટે તેઓના નિયમ મુજબ આઈડી પ્રૂફ એટલે કે કોઈ પણ એક દસ્તાવેજ આપવાનો હોય છે. પરંતુ આ ધારાસભ્યો પાસે રૂમ બુક કરતી વખતે કોઈ દસ્તાવેજ લેવામાં આવ્યો ન હતો. તેમજ ડબલ રૂમમાં માત્ર એક ધારાસભ્ય રોકાયા હતા.

સરકારી અધિકારી દ્વારા કરાયું હતું બુકિંગ
સૂત્રોએ જણાવ્યું હતું કે બુકિંગ એક સરકારી અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે હોટલના ઉચ્ચ અધિકારીને ફોન કર્યો હતો. જ્યારે બળવાખોર ધારાસભ્યો હોટલ પહોંચ્યા ત્યારે ચેક-ઈન કે ચેક-આઉટ દરમિયાન કોઈ પણ પ્રકારનું પેપર વર્ક કરવામાં આવ્યું ન હતું. બિલ પણ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર હોટલના એક વરિષ્ઠ કર્મચારીને સરકારી અધિકારીનો ફોન આવ્યો, ત્યારબાદ બીલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. “હોટલના કર્મચારીઓને પણ ધારાસભ્યોથી દૂર રાખવામાં આવ્યા હતા,જ્યારે કેટલાક વરિષ્ઠ લોકો તેમના ઓર્ડર સંભાળતા હતા.

30 ધારાસભ્યો રોકાયા હતા હોટલમાં
શિવસેનાના બળવાખોર 30 જેટલા ધારાસભ્યોએ સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. આ તમામ ધારાસભ્યો માટે એક આખો ફ્લોર જ બુક કરી દેવામાં આવ્યો હતો. 35 રૂમ બુક કરાવ્યા હતા. જો કે થોડા કલાકોમાં જ આ ધારાસભ્યો સુરતથી ગુવાહાટી રવાના થયા હતા. આ ધારાસભ્યો રવાના થયા ત્યારબાદ પણ બે -ત્રણ દિવસ સુધી ધારાસભ્યોની અવર-જવર ચાલુ જ રહી હતી અને તેઓ પણ આ જ હોટલમાં થોડા સમય માટે રોકાતા હતા. હવે આ બીલ કોણ ભરશે તેવી ચર્ચાઓ વધી રહી છે.

Most Popular

To Top