Columns

દીવો અને અંધારું

બપોરે ઢાંકાની બળબળતી લૂમાં પણ સુહરાવર્દીને જલદીથી મળવાની તલપ હતી. સાંજે કાર્યક્રમમાં તો મળવાના જ હતા, પરંતુ બાઉલ કે (કલાકાર માત્ર)ને ગોઠડીમાં મળવાની જે મજા હોય તે જાહેર કાર્યક્રમ કરતાં ઔર જ હોય છે.
તેમણે ઉતારો તો આપ્યો હતો ‘સબુજ’ ત્રિતારક હોટલમાં, પણ ત્યાં ગયા તો બાઉલ તોAC છોડીને બહાર પરસાળમાં ખુરશી નખાવી બેઠા હતા. મેં ‘જય ગુરુ’ અભિવાદન કરી મારો પરિચય આપ્યો. તેમણે મંદ સ્મિત કરતાં કહ્યું, ‘મેં હોર્ડિંગ્સમાં ફોટા જોયા હતા. તેથી જોતાં જ ઓળખી ગયો હતો.’

મેં કહ્યું, ‘સાંજે તો તમને સાંભળવાના છીએ, પરંતુ અત્યારે કૈંક તમારા ગુરુ વિશે વાત કરો!’
તે હસવા લાગ્યા, ‘શું કહું? બાંગલાદેશ અને હિંદ તો એક માનુષની 2 આંખ છે. જે ભારત જુએ તે જ હિંદ જુએ છે. તેમણે જે જોયું તે હિંદના દરેક સાધકે જોયું હોય છતાં તે એક દીવાની વાત કરતા તે મને ખૂબ ગમે છે, તે સંભાળો.
‘તે કહેતા દીવાનું સિંહાસન જેવું છે. સિંહાસને જેમ ઘસાવું પડે તેમ દીવામાં પણ સતત તેલ પૂરતા રહેવું પડે. તેની વાટ સંકોરતા રહેવું પડે, મોઘરી કાપતા રહેવી પડે. કાચનો પોટો દરરોજ લૂછતાં રહેવું પડે. આ બધા વાના કરો તોય દીવાની નીચે તો અજવાળું પહોંચે જ નહીં, નીચેના માણસો માટે તો અંધારું જ લખાયેલ હોય. પણ હવે નવો જમાનો આવ્યો છે. દિવેલના દીવા દફન થઈ ગયા. પહેલા જે તેલ ખાવામાં વપરાતા તે જ તેલ દીવા પૂરવામાં વપરાતા.

તેનાથી જ દીવો ઝળહળ રાખતા. હવેના દીવાને ઝળહળતો રાખવા માટે બીજલી વાપરીએ છીએ. તે ખાવામાં લેવાનું તો દૂર રહ્યું અડકી જઈએ તો પણ મરી જઈએ. આવા દીવા થઈ ગયા છે. આ દીવાની મોઘરી ઉતારી શકાતી નથી. પવનનો જરાય ડર નથી. પ્રજ્વલિત કરનાર દીવાસળી તેને સ્પર્શી શકતી નથી. તે કોઈ દૂર દૂરની ચાંપથી ચાલુ બંધ થાય છે. ગજબ દીવા છે. કેમ સળગે છે તે જ સમજાતું નથી!

મેં કહ્યું, ‘પણ બાઉલ! તે દીવાની નીચે અંધારું નથી, તે આનંદનો વિષય નથી?’
બોખું મોં આખું ખોલી અટ્ટહાસ્ય કરતાં બાઉલ બોલ્યા, ‘હા, નીચે અંધારું નથી પણ નીચે અંધારું હોય ને તો તેનો ઉપાય થાય. આ તો દીવાની ઉપર અંધારું છે, જ્યાં હું કે તમે અંધકાર દૂર કરવા માટે પહોંચી ન શકીએ.
તેના હાસ્યના પડછંદ ઢાંકા, કલકત્તા વગેરેને વિંધીને ક્યાંયના ક્યાંય દૂર સુધી જતા મને લાગ્યા.

Most Popular

To Top