Comments

માનવને ‘જંગલી પશુ’ કહેવામાં જંગલી પશુનું અપમાન છે

આહાર સાથે અનેકવિધ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ સંકળાયેલી હોય છે. ઘણા વખત સુધી લોકોનો આહાર મુખ્યત્વે પોતાના પ્રદેશની ભૌગોલિકતા અનુસાર રહેતો. હવે વાનગીઓ આંતરપ્રાંતીય તો ઠીક, આંતરદેશીય પ્રવાસ કરવા લાગી છે. અલબત્ત, કોઈ એક દેશની વાનગી અન્ય દેશમાં જાય અને અપનાવાય ત્યારે તે સ્થાનિક સ્વરૂપ ધારણ કરી લેતી હોય એમ બનતું હોય છે. સાવ આદિમ અવસ્થામાં મનુષ્ય શિકાર કરતો અને કાચું માંસ ખાતો. અગ્નિની શોધ પછી સમયાંતરે તે ખોરાક રાંધીને ખાતો થયો. દરમિયાન અનેક પશુપક્ષીની પ્રજાતિઓ એક યા બીજાં કારણોસર લુપ્ત થતી ચાલી.

આવું એક પ્રાણી એટલે ‘વુલી મેમથ’. પ્રાચીન કાળના કદાવર હાથીની પ્રજાતિ ‘મેમથ’તરીકે ઓળખાય છે. ‘વુલી’એટલે ‘ઉનવાળું’એટલે કે ‘રુંછાં ધરાવતું’. ઉપલબ્ધ અવશેષોના આધારે મનાય છે કે આ પ્રજાતિ છેલ્લે છૂટીછવાઈ રીતે પાંચ-સાડા પાંચ હજાર વરસ પહેલાં જોવા મળી હતી. અલબત્ત, તેના દાંત વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા રહ્યા છે. ડી.એન.એ.ના આધારે આ પ્રાણીને પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા હતી, પણ એ દિશામાં કશું નક્કર કામ થયું નથી. આમ છતાં, સમયાંતરે આ પ્રાણી એક યા બીજા કારણસર ચર્ચામાં આવતું રહ્યું છે. ખાસ કરીને પ્રચારના નુસખા લેખે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.

અમેરિકન સાહસિક વેન્ડેલ ફિલિપ્સ ડોજે ૧૯૫૧માં ‘ધ એક્સપ્લોરર્સ ક્લબ’માં વાર્ષિક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. દાવા અનુસાર આ ભોજન સમારંભમાં પીરસાયેલું માંસ ‘વુલી મેમથ’નું હતું. આ સમાચાર પ્રકાશિત થતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ કે હજારો વર્ષ અગાઉ લુપ્ત થયેલા આ પ્રાણીનું માંસ ઉપલબ્ધ બન્યું શી રીતે? ઉપસ્થિત મહેમાનોએ પછી જણાવેલું કે તેમણે જે ખાધેલું એ કોઈક વિશાળ સ્લોથનું માંસ હતું. સ્લોથ પણ રુંછાદાર સસ્તન પ્રાણી છે. અલબત્ત, આ ભોજનના અવશેષો પર અમેરિકાની યેલ યુનિવર્સિટીએ સંશોધન કરીને જાહેર કરી દીધું કે પીરસાયેલું માંસ ‘વુલી મેમથ’નું નહીં, બલ્કે લીલા સમુદ્રી કાચબાનું હતું.

વાનગી તરીકે એ દુર્લભ અવશ્ય કહી શકાય, છતાં દાવા મુજબની એ નહોતી. ટૂંકમાં, આખી કવાયત એક ‘પબ્લિસીટી સ્ટન્ટ’હતી.એ પછી આટલા વરસે વધુ એક વાર ‘વુલી મેમથ’નું માંસ ચર્ચામાં આવ્યું છે. માર્ચ, ૨૦૨૩ના અંતિમ સપ્તાહમાં નેધરલેન્ડના આમ્સ્ટરડામમાં આવેલા ‘નીમો સાયન્સ મ્યુઝિયમ’માં ‘કલ્ચર્ડ’એટલે કે કૃત્રિમ રીતે તૈયાર કરાયેલા માંસની વાનગીઓ માટે જાણીતી ઓસ્ટ્રેલિયન બ્રાન્ડ ‘વાઉ’દ્વારા વૉલીબૉલના કદનો એક વિશાળ ‘મીટ બૉલ’તૈયાર કરીને રાંધવામાં આવ્યો. જે તે પશુઓના કોષને ઉછેરીને માંસને કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે. એનો અર્થ એ કે તેના માટે પશુની કતલ કરવાની જરૂર રહેતી નથી.

‘મીટ બૉલ’ને સાદી ભાષામાં ‘માંસનો લાડુ’કહી શકાય. આ લાડુ માટેનું માંસ ‘વુલી મેમથ’નું હોવાનું જણાવાયું છે. અલબત્ત, તેમાં કયા કયા ઘટકો વપરાયેલા છે એની વિગત બહાર પાડવામાં આવી છે. એ મુજબ, ઘેટાના કોષમાં માયોગ્લોબિન ઉમેરાયું છે. માયોગ્લોબિન નામનું જનીન મેમથનું છે. આ ઉપરાંત ‘વુલી મેમથ’પ્રજાતિના, તેની સૌથી નજીક એવા આફ્રિકન હાથીમાંથી પણ અમુક તત્ત્વ લેવામાં આવ્યાં છે. આ જાણીને પહેલો સવાલ એ થાય કે એ ‘મીટ બૉલ’તેના દાવા અનુસાર ખરેખર ‘વુલી મેમથ’માંથી બનેલો કહેવાય ખરો?આ સવાલની સાથોસાથ એ સવાલ પણ થાય કે આ ચોક્કસ પ્રકારના માંસને વાનગી તરીકે પ્રયોજવા માટે આટલી જહેમત શા માટે?

તેના ઉત્પાદકોના જણાવ્યા અનુસાર આ આખી કવાયત એ હકીકતને સુદૃઢ કરવા માટેની છે કે પ્રવર્તમાન આહારપ્રણાલી પૃથ્વીને શી રીતે વિપરીત અસર કરી રહી છે અને ‘કલ્ચર્ડ’એટલે કે ‘કૃત્રિમ’માંસ તેને રોકવા માટે શી ભૂમિકા અદા કરી શકે એમ છે. ‘વાઉ’દ્વારા બનાવાયેલો ‘મીટ બૉલ’વ્યાપારી ઉપયોગ માટે નહોતો. તેને ચાખવામાં પણ નથી આવ્યો. એ કેવળ પ્રદર્શિત કરવા માટે તૈયાર કરાયો હતો. તેમાં ‘વુલી મેમથ’નું તત્ત્વ એટલા માટે સામેલ કરવામાં આવ્યું કે લોકોનું ધ્યાન તેનાથી આકર્ષિત થાય.

સવાલ એ છે કે આગામી સમયમાં આ પદ્ધતિએ માંસ તૈયાર કરવામાં આવે તો શું તેને લઈને આહાર માટે વપરાતાં પશુપક્ષીઓની કતલ અટકી જશે? આ સવાલનો સીધેસીધો ‘હા’કે ‘ના’માં જવાબ આપી શકાય એમ નથી. કેમ કે, માનવીએ આ પૃથ્વી પર જે કંઈ વિનાશ સર્જ્યો છે એ શું કેવળ પોતાની જરૂરિયાત પૂરી કરવાની અનિવાર્યતાથી કર્યો છે? જરૂરિયાત પૂરતું લેવાનો સિદ્ધાંત તેણે અપનાવ્યો હોત તો આપણા ગ્રહની જે દશા આજે થઈ છે એ થઈ ન હોત. લાલચ, સ્વાર્થ, લોભ, અસંતોષ, સત્તાલાલસા જેવા અવગુણો માનવામાં એટલી પ્રચંડ માત્રામાં છે કે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

આ અવગુણોને સંતોષવા માટે તે બીજા માનવને ગમે એટલું નુકસાન પહોંચાડી શકે તો પૃથ્વીની શી વિસાત? અફસોસ એ છે કે પોતાના દુર્ગુણોનું આરોપણ તેણે પશુપક્ષીઓમાં કર્યું છે. ‘વુલી મેમથ’તો હજારો વરસો પહેલાં લુપ્ત થઈ ગયું, પણ પોતાના સ્વાર્થ માટે માનવ તેને સમાચારોમાં પુનર્જીવિત કરતો રહ્યો છે. પોતાની જરૂરિયાતના નામે પહેલાં વસ્તુનો ઉપયોગ કરવો, એ પછી તેનો ખો કાઢી નાખવો અને પછી તેના સંવર્ધન માટેના પ્રયત્ન શરૂ કરવા- આવી વિચિત્ર કાર્યપ્રણાલી સમગ્ર માનવજાતની રહી છે. ‘કલ્ચર્ડ’માંસનો ઉપયોગ વધે અને એ રીતે પશુપક્ષીઓની કતલ અટકે એ શક્યતા ધારો કે પાર પડે તો પણ માનવપ્રકૃતિ બદલાવાની નથી એ હકીકત યાદ રાખવી ઘટે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top