Madhya Gujarat

જાનૈયા ભરેલી બસના ચાલકને ઝોકુ આવતા અકસ્માત : 17ને ઇજા, 4 ગંભીર

દાહોદ: દાહોદ થી રાજસ્થાનના અજમેર ખાતે જાન લઈને જતી ખાનગી લક્ઝરી બસને પરત ફરતી વેળાએ ચિત્તોડગઢ નજીક અકસ્માત નડયો હતો. જેમાં લક્ઝરી ગાડીના ચાલક ને ઝોકુ આવતા બસ ચોકડી પર ઉભેલી ટ્રકની પાછળથી ભરાઈ જતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બસમાં સવાર 17 જાનૈયાઓને ઇજાઓ પહોંચવા પામી છે.  જે પૈકી એક બાળકી સહિત ચાર વ્યક્તિઓની હાલત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે ઉદયપુરના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.

દાહોદ શહેરમાં મારવાડી ચાલ ખાતે રહેતા મંગળ કાલુભાઈ સાંસીના પુત્ર બોબી લગ્ન અજમેર ખાતે નક્કી થયેલા હતા. જે બાદ ગત તારીખ 11 મીના રોજ દાહોદના લાબાના ટ્રાવેલ્સની લકઝરી 45 થી 55 જાનૈયાઓ ભરી અજમેર ખાતે ગયા હતા.જ્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં ચિત્તોડગઢ નજીક રીઠોલા ચોકડી પાસે  ઉભેલી ટ્રેલરમાં પાછળથી જોશભેર ટક્કર મારતા બસનો ક્લીનર સાઇડના ભાગના ફુરચા ઉડી ગયા હતા. સવારના સાડા ચાર વાગ્યાના આસપાસ બનેલી આ ઘટનામાં બસમાં સવાર 17 લોકોને ઈજાઓ પહોંચી હતી. જે પૈકી 4 ની હાલત નાજુક જણાતાં  તેઓને સારવાર અર્થે ઉદયપુરના ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જાનૈયાઓની યાદી
(1) મયંક પ્રકાશ કુમાર (2) રિતેશ બાબુ ભાઈ, દાહોદ. (3) પિન્ટુ સુરેશભાઈ (4) મનીષા કમલેશ ભાઈ (5) પુષ્પા રિતેશ ગુમાની (6) સોમાભાઈ ઓમ પ્રકાશ ભુરીયા. દાહોદ. (7) સુરેશભાઈ સુરજભાઈ 50 વર્ષીય, રહેવાસી અમદાવાદ. (8) કરણ ભાઈ તેજ ભાઈ (9) શર્મિંશા સુરેશ ગુમાણા કુબેરનગર (10) રાજવીર ભાઈ મનોજ ભાઈ (11) યોગેશ મહેશ કુમાર ગુમાણા (12) મનોજ ભાઈ રતન ભાઈ 25 વર્ષીય અમદાવાદ. (13) ગીરીશ ભાઈ મનોજભાઈ (14) મનીષાબેન મનોજભાઈ (15) અરુણ ભાઈ અમરેસ ભાઈ, રહેવાસી બાસવાડા. (16) નરેશભાઈ તોલા ચંદ બાસવાડા. (17) શ્રદ્ધા ભાઈ સંતોષ ભાઈ રહેવાસી દાહોદ.

સ્થાનિકોના મતે ચાલકને ઝોકુ આવતા અકસ્માત સર્જાયો હતો
અજમેરથી જાનૈયાઓને લઇને પરત ફરી રહેલી લબાના ટ્રાવેલ્સ બસનો ચાલક 45 થી 55 જેટલાં જાનૈયાઓને લઇ પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ચિત્તોડગઢ નજીક રીઠોલા ચોકડી પાસે ઉભેલા ટ્રેલરમાં લક્ઝરી બસ પાછળથી જોશભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલકને ઝોકું આવ્યું હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

પસાર થતા રાહદારીઓએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા
ચિત્તોડગઢ નજીક સવારના સવા ચાર વાગ્યા આસપાસ બનેલા આ માર્ગ અકસ્માતના બનાવમાં બસના એક બાજુનો ભાગ ના ફુરચા ઉડી ગયા હતા. તે સમયે અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ ઇજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢયા હતા તેમજ તેઓને 108 મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

Most Popular

To Top