National

મધ્યપ્રદેશ: 54 મુસાફરો સાથે બસ નહેરમાં ખાબકી, 45થી વધુ લોકોનાં મોતની આશંકા

ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશના સીધીમાં (Sidhi Bus Accident, MP) મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં પડી હતી. હજુ સુધી 42 લાશ મળી આવી છે. 6 લોકોનો બચાવ થયો હતો. ડ્રાઈવર પોતે બહાર નીકળી ગયો હતો. અને તેની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ મરણની સંખ્યા 45 થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક મૃતદેહો તણાઇ ગયા હોવાની પણ ચર્ચા છે.

બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી. રામપુરના નાઇકીન વિસ્તારમાં મંગળવારે સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાના ચાર કલાક બાદ સવારે 11.45 વાગ્યે બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. કેનાલની ઊંડાઈ 20 થી 22 ફૂટ હોવાનું જણવા મળ્યુ છે. જે ક્ષણે અકસ્માત થયો તે સમયે પ્રવાહ ઝડપી હતો, તેથી મુસાફરોને બહાર નીકળવાની તક મળી ન હતી. મૃતકોમાં 12 વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આ બધા જ રેલ્વેની પરીક્ષા આપવા સત્ના જઈ રહ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ 32 લોકોને બસમાં બેસાડી શકાય તેમ હતા, પરંતુ તેમાં 54 મુસાફરો ભરાયા હતા. બસ સીધા રૂટ પર ચૂહિયા ખીણ થઈને સતના જવાની હતી, પરંતુ અહીં ટ્રાફિક જામ થતાં ચાલકે રસ્તો બદલી નાંખ્યો હતો. તે નહેરના કાંઠેથી બસ લઈ રહ્યો હતો. આ રસ્તો એકદમ સાંકડો છે. આ સમય દરમિયાન ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. અને બસ નહેરમાં ખાબકી ગઇ હતી.


સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (State Disaster Response Force-SDRF) ની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ડાઇવર્સ પણ હાજર છે. કેનાલમાં પાણીનો પ્રવાહ ઝડપી હોવાને કારણે બચાવ ટીમે પાણીની સપાટી નીચે આવવાની રાહ જોવી પડી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પ્રવાહ ઝડપી હોવાને કારણે કેટલાક લોકો સ્થળ પરથી ખૂબ દૂર તણાઇ ગયા હશે. હાલમાં બાણસાગર ડેમમાંથી કેનાલનું પાણી બંધ કરાયું છે. કેનાલની જળસપાટી ઘટાડવા માટે તેનું પાણી સિહાવાલ કેનાલમાં મોકલવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 16 ફેબ્રુઆરી, મંગળવારે 1.10 લાખ લોકોના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ આજે થવાનો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમિત શાહ (HM Amit Shah) આમાં સામેલ થવાના હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (MP CM Shivraj Singh Chouhan) જાહેરાત કરી હતી કે અકસ્માતને કારણે કાર્યક્રમ હવે શક્ય નહીં બને. કલેકટર, એસપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top