સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે. મોટા વરાછામાં રહેતી યુવતીની પાંડેસરાના ગેસ્ટ હાઉસમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી છે. મૃતક યુવતીના ચાર મહિના પહેલાં જ લગ્ન થયા હતા. તે પાછલા એક મહિનાથી પિયરમાં પરત આવી ગઈ હતી. હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. રૂમમાં એક યુવકની હાજરી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રની અને મોટા વરાછામાં સુમન આવાસમાં રહેતી 30 વર્ષીય સુચિતા ઉર્ફે પાયલ અનિલ નીમજે પરિવાર સાથે રહેતી હતી. સુચિતાના માતાપિતા ઉધના વિસ્તારમાં મકાનમાં રહે છે. સુચિતાના 4 મહિના પહેલાં લગ્ન થયા હતા. એક મહિનામાં જ પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા સુચિતા પરત પિયર આવી હતી. બે મહિનાથી સુચિતા પિતાના મોટા વરાછા ખાતે આવેલા આવાસના ફ્લેટમાં રહેતી હતી.
સુચિતાનો પતિ લિફ્ટ એન્જિનિયર છે. તેની બદલી થઈ હોઈ તે બે દિવસ બાદ અમદાવાદ જવાનો હતો. સુચિતા ચાર વર્ષથી TRBમાં નોકરી કરતી હતી. સુચિતા મોટા વરાછા ખાતે હતી. દરમિયાન ગઈ તા. 11મી મેના રોજ કોઈનો ફોન આવતા તે ઘરેથી નીકળી હતી. બાદમાં ગઈકાલે સાંજે પાંડેસરા સ્નોપાર્ક ગેસ્ટ હાઉસ કમ હોટલના રૂમ નં. 205માં લાકડાના કબાટના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી હતી.
પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી
પરિવારજનોએ દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. મૃતક મોટા વરાછા ખાતે રહેતી સુચિતા પાંડેસરામાં ગેસ્ટ હાઉસમાં કયા કારણોસર ગઈ તે અંગે તપાસની માંગ કરી છે.
સુચિતાના પિતા અનિલભાઈએ કહ્યું કે, મારી દીકરીને હોટલના રૂમમાં લટકાવી દેવાઈ છે. તેને આપઘાત કર્યો નથી. હોટલમાં એક યુવક પણ હતો. તે યુવકને મારો દીકરો પણ ઓળખે છે. તેનો નંબર પણ મારા દીકરા પાસે છે. મારી દીકરીને ફાંસી આપી લટકાવી દેવાઈ હોવાની શંકા છે. મારી દીકરીનું મર્ડર થયું છે. તપાસ થવી જોઈએ.
