ગાંધીનગર : ઉત્તર ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026માં મોટો રાજકીય પલટો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દાયકાથી ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ માનાતા અંબાજીમાં આ વખતે કોંગ્રેસએ ઐતિહાસિક જીત મેળવી રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.
તાલુકા અને જિલ્લા સ્તરે કોંગ્રેસનો દબદબો અંબાજી તાલુકા પંચાયતની બેઠક નં. 1, 2 અને 3 પર કોંગ્રેસના ઉમેદવારોએ શાનદાર વિજય મેળવ્યો છે. સાથે જ જિલ્લા પંચાયતની અંબાજી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયાબેન ગઢવીએ ભવ્ય બહુમતી સાથે જીત મેળવી છે. વર્ષોથી ભાજપના પ્રભુત્વ હેઠળ રહેલી બેઠકો પર આ પરિણામને મહત્વપૂર્ણ રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
કોરિડોર પ્રોજેક્ટ સામેનો અસંતોષ બન્યો નિર્ણાયક આ ચૂંટણી પરિણામ પાછળ અંબાજી કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં રહેલો અસંતોષ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. વિકાસના નામે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન અનેક પરિવારોને સ્થળાંતર અને ઘર ગુમાવવાની સ્થિતિ સર્જાતા લોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રક્રિયામાં પૂરતો સંવાદ ન થયો અને વિકાસ “થોપવામાં આવ્યો” તેવી લાગણી મજબૂત બની.
મતદારોનો બદલાયેલો મિજાજ મતદારોના મિજાજમાં આવેલા આ ફેરફારને માત્ર ચૂંટણી પરિણામ નહીં, પરંતુ સત્તાધારી તંત્ર માટે ચેતવણીરૂપ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. મંદિર વહીવટ, સ્થાનિક પ્રશાસન પ્રત્યેનો અસંતોષ અને સત્તાના અહંકાર અંગે ઉઠેલા પ્રશ્નોએ પણ મતદાનને અસર કરી હોવાનું માનવામાં આવે છે. અંબાજીનું આ પરિણામ દર્શાવે છે કે પરંપરાગત ગઢોમાં પણ મતદારો હવે મુદ્દા આધારિત નિર્ણય લઈ રહ્યા છે, જે રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફારોના સંકેત આપે છે.