Vadodara

વડોદરાના મેયર પદ માટે ત્રિકોણીય જંગ: વાઘેલા, ડાભી કે પરમાર—કોન બનશે પ્રથમ નાગરિક?

અનુસૂચિત જાતિ માટે અનામત મેયર પદે ભાજપના ત્રણ મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા તેજ
સંઘનું પીઠબળ, પ્રદેશ સંગઠનનો ટેકો કે સ્થાનિક નેટવર્ક—મોવડી મંડળ કોને આપે પસંદગી?

વડોદરા:
વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ભવ્ય વિજય બાદ હવે શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર પદ માટેની રેસ રસપ્રદ બની છે. આ વખતનું મેયર પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી ત્રણ પ્રબળ દાવેદારો—સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમાર—વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
વોર્ડ નંબર 12માંથી વિજેતા બનેલા સમીર વાઘેલા હાલ મેયર પદ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ચર્ચામાં છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે નજીકના સંબંધ ધરાવતા માનવામાં આવે છે. ઉપરાંત પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી શંભુપ્રસાદ ટુંડિયાના વિશ્વાસુ હોવાને કારણે સંગઠનમાં તેમની પકડ મજબૂત ગણાય છે. તેમની સાદગી અને લાંબા સમયથી ચાલતી સંગઠનાત્મક સફર તેમને આગળ રાખે છે.
વોર્ડ નંબર 8માંથી ચૂંટાયેલા અજય ડાભી પણ મેયરની રેસમાં સશક્ત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. તેઓ હાલમાં પ્રદેશ SC મોરચાના મંત્રી તરીકે કાર્યરત હોવાથી પ્રદેશ નેતૃત્વ સાથે સીધી જોડાણ ધરાવે છે. સંગઠનાત્મક અનુભવ અને યુવા નેતૃત્વ તેમની મુખ્ય શક્તિ માનવામાં આવે છે.
વોર્ડ નંબર 18માંથી વિજેતા બનેલા ચેતન પરમાર પણ મેયર પદ માટે દાવો મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. તેઓ પૂર્વ મેયર નિલેશ રાઠોડના નજીકના ગણાય છે અને સ્થાનિક સ્તરે મજબૂત નેટવર્ક ધરાવે છે. માર્ગદર્શન હેઠળ મેળવેલો અનુભવ તેમને સ્પર્ધામાં મક્કમ બનાવે છે.
હવે શહેરમાં ચર્ચા એ છે કે મોવડી મંડળ અંતે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળે છે. સંઘનું પીઠબળ ધરાવતા સમીર વાઘેલા, પ્રદેશ સંગઠનના ટેકાથી મજબૂત અજય ડાભી કે સ્થાનિક અનુભવી ચેતન પરમાર—ત્રણમાંથી કોણ વડોદરાના નવા મેયર બનશે તે હવે ગણતરીના દિવસોમાં સ્પષ્ટ થશે. 📊

Most Popular

To Top