Business

ભારતનો રૂપિયો નબળો પડ્યો છે પણ ચીન અને પાકિસ્તાનનાં ચલણો મજબૂત થયાં છે

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે જે દેશના વડા પ્રધાન પડેલા હોય તેનું ચલણ જ પડતું હોય છે. મોદીનાં વિરોધીઓ હવે આ જૂનું ભાષણ તેમને સંભળાવી રહ્યા છે. ૨૬ મે, ૨૦૧૪ ના રોજ જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વાર ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે એક અમેરિકન ડોલર ૫૮.૯૪ ભારતીય રૂપિયા બરાબર હતો. જ્યારે નરેન્દ્ર મોદી બીજી વખત ચૂંટણી જીત્યા ત્યારે રૂપિયો ૧૭ ટકાથી વધુ ગગડી ગયો હતો અને ૩૦ મે, ૨૦૧૯ ના રોજ રૂપિયો એક ડોલર સામે ૬૯.૩૭ પર પહોંચી ગયો હતો.

નરેન્દ્ર મોદીએ જૂન ૨૦૨૪ માં તેમનો ત્રીજો કાર્યકાળ સંભાળ્યો ત્યારે રૂપિયો વધુ ગગડીને ૮૩.૩૮ પર પહોંચી ગયો હતો. આનો અર્થ એ થયો કે ૨૦૧૯ અને ૨૦૨૪ વચ્ચે રૂપિયામાં ૨૦ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. હવે તેમના ત્રીજા કાર્યકાળનાં બે વર્ષ પછી રૂપિયો હાલમાં ડોલર સામે ૯૬ ની આસપાસ છે. આ બે વર્ષમાં રૂપિયાનું મૂલ્ય ૧૪.૭૫ ટકા ઘટ્યું છે. એકંદરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન રૂપિયામાં ૬૨.૩૩ ટકાનો ઘટાડો થયો છે. તેની સરખામણીમાં ડો. મનમોહન સિંહના ૧૦ વર્ષના કાર્યકાળ (૨૦૦૪-૨૦૧૪) દરમિયાન રૂપિયો ૩૧.૬૫ ટકા ઘટ્યો હતો.

મે ૨૦૧૪માં જ્યારે મનમોહન સિંહ વડા પ્રધાન બન્યા ત્યારે એક ડોલર માટે ૪૫.૩૧ રૂપિયા ચૂકવવા પડતા હતા અને જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન પદ પરથી ઊતર્યા ત્યારે ડોલર ૬૦ રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો. હાલમાં ભારતીય રૂપિયાના નબળા પડવા અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સામાન્ય રીતે કોઈ દેશ તેની અર્થવ્યવસ્થા તેના સ્પર્ધકો કરતાં વધુ ઝડપથી વિકસી રહી હોય ત્યારે તેનું ચલણ મજબૂત બને છે, પણ ભારતમાં એવું નથી. ભારતના અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે, પણ રૂપિયો તૂટી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓના એક સમયે ચાહક રહેલા નિષ્ણાત અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લા પણ આ જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો અર્થતંત્ર તેજીમાં છે તો રૂપિયો કેમ ઘટી રહ્યો છે? સરકાર પાસે તેનો જવાબ નથી.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનો આર્થિક વિકાસ દર ચીન કરતાં વધારે રહ્યો છે, પરંતુ તેમ છતાં તાજેતરનાં વર્ષોમાં રૂપિયો વર્ષ-દર-વર્ષ નબળો પડી રહ્યો છે. ગયા વર્ષે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આવતા માલ પર ભારે આયાત જકાત લાદી ત્યારે આ ઘટાડો વધુ ઝડપી બન્યો હતો. ત્યાર બાદ ઈરાન યુદ્ધને કારણે ઊર્જા સંકટ સર્જાયું, જેના કારણે રૂપિયાનું મૂલ્ય નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાને મજબૂત બનાવવા માટે આક્રમક પગલાં લીધાં.

જો કે, આ પગલાંથી માત્ર થોડી રાહત મળી પણ દેશમાંથી બહાર જતો ડોલરનો પ્રવાહ અટક્યો નહીં. મોદી સરકારના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ પણ માને છે કે રૂપિયામાં નબળાઈ ફક્ત ઈરાન યુદ્ધને કારણે નથી. અરવિંદ સુબ્રમણ્યમે ૨૬ મે ના રોજ પ્રકાશિત એક લેખમાં લખ્યું હતું કે યુદ્ધ પહેલાંનાં બે થી ત્રણ વર્ષમાં તુર્કી સિવાય ભાગ્યે જ કોઈ દેશના ચલણમાં ભારતીય રૂપિયા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો હતો. જ્યારે ભારતીય રિઝર્વ બેંકે તેને બચાવવા માટે અસાધારણ સ્તરે હસ્તક્ષેપ કર્યો ત્યારે પણ તેની કોઈ અસર થઈ ન હતી. ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૬ ની વચ્ચે RBI દ્વારા તેને મજબૂત બનાવવાના તમામ પ્રયાસો છતાં રૂપિયામાં ૨૦ ટકાથી વધુનો ઘટાડો થયો.

આ વર્ષે ચીની ચલણ સામે પણ ભારતીય રૂપિયો ગગડ્યો છે, જેના કારણે ચીનથી આયાત થતી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે અને ચીનને આનો ફાયદો થઈ રહ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં યુઆન સામે રૂપિયો ૬ થી ૮ ટકા ઘટ્યો છે. જાન્યુઆરીમાં ૧ યુઆન ૧૩ રૂપિયાની બરાબર હતો, પરંતુ હવે, ૧ ચીની યુઆન ૧૪.૨ રૂપિયા બરાબર છે, જેનાથી ભારતને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે.

ભારતીય રૂપિયો નબળો પડ્યો છે, પરંતુ ઘણા એશિયન દેશોનાં ચલણો મજબૂત થયાં છે. ચીનનું ચલણ રેનમિન્બી (યુઆન) અમેરિકન ડોલર સામે ત્રણ વર્ષમાં તેના સૌથી મજબૂત સ્તરે પહોંચ્યું છે. ૧૧ મે ના રોજ પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ ડોલર સામે રેન્મિન્બીનું દૈનિક ફિક્સિંગ ૬.૮૪૬૭ પ્રતિ ડોલર નક્કી કર્યું, જે માર્ચ ૨૦૨૩ પછીનું સૌથી મજબૂત સ્તર છે. અમેરિકા અને યુરોપ આરોપ લગાવી રહ્યા છે કે ચીનનો વધતો વેપાર સરપ્લસ એટલા માટે છે કારણ કે તે તેના ચલણને કૃત્રિમ રીતે નબળું રાખે છે.

ગયા વર્ષે રેન્મિન્બી યુરો સામે લગભગ આઠ ટકા નબળો પડ્યો, જેના કારણે યુરોપિયન યુનિયનમાં ચીનની નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે રેન્મિન્બીનું મૂલ્ય હજુ પણ લગભગ ૨૦ ટકા ઓછું છે અને નજીકના ભવિષ્યમાં ડોલર સામે તે વધુ મજબૂત થઈ શકે છે. ચીનમાં વર્ષોથી ચાલી રહેલા ડિફ્લેશનથી પણ ચિંતા વધી છે કે યુઆન તેના વાસ્તવિક મૂલ્યની તુલનામાં નબળું રહે છે.

ચીનથી ભારતની આયાત ૨૦૨૪ સુધીમાં નોંધપાત્ર હતી, જે ૧૦૦ અબજ ડોલરથી વધુ હતી. ૨૦૨૫ માં આ આંકડો વધીને ૧૨૦ અબજ ડોલર થયો હતો. ધારો કે ૨૦૨૫ માં ચીનની આયાત આશરે ૧૨૦ અબજ ડોલર હતી અને રૂપિયાનું મૂલ્ય યુઆન સામે ૭ ટકા ઘટ્યું હોય તો ભારત પર વધારાનો બોજ ૮.૪ અબજ ડોલર થશે. રૂપિયાની દૃષ્ટિએ આનો અર્થ આશરે ૭૦ થી ૭૫ હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. નાણાંકીય વર્ષ ૨૦૨૫ ના આંકડા અનુસાર ભારતે ચીનને આશરે ૧૪.૫ અબજ ડોલરની નિકાસ કરી હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૬ માં આ આંકડો વધુ વધવાનો અંદાજ છે. ભારતની નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, લોખંડ, ઇલેક્ટ્રોનિક્સ અને આવશ્યક તત્ત્વોનો સમાવેશ થાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારત અને ચીન વચ્ચેની વેપાર ખાધ પણ ઝડપથી વધી છે. સૌથી મોટો વધારો કોવિડ પછીના સમયગાળા દરમિયાન થયો હતો.

પાકિસ્તાની રૂપિયો પણ વધી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં પાકિસ્તાની રૂપિયો અમેરિકન ડોલર સામે ૧.૩૧ ટકા વધ્યો છે, જ્યારે ભારતીય રૂપિયો આ વર્ષે છ ટકાથી વધુ ઘટ્યો છે. હાલમાં એક ડોલરની કિંમત ૨૭૮ પાકિસ્તાની રૂપિયા છે. આ વધારો મુખ્યત્વે માર્ચ ક્વાર્ટરમાં નોંધાયેલા ચાલુ ખાતાના સરપ્લસને કારણે હતો, જેના કારણે ખનિજ તેલના ઊંચા ભાવ અને ભૂ-રાજકીય જોખમો વચ્ચે વિદેશી હૂંડિયામણ અનામત પર દબાણ ઓછું થયું છે. વધુમાં, સાઉદી અરેબિયા તરફથી મળેલા સમર્થન અને ચાર વર્ષથી વધુ સમય પછી યુરોબોન્ડ બજારમાં પાકિસ્તાનની વાપસીથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને ટૂંકા ગાળાના ભંડોળની ચિંતાઓ હળવી થઈ છે.

નબળા ચલણની સૌથી સીધી અસર આયાત પર પડે છે. જ્યારે રૂપિયો ઘટે છે, ત્યારે તેલ, રસોઈ ગેસ, ખાતર અને ઇલેક્ટ્રોનિક્સ જેવી આવશ્યક ચીજવસ્તુઓની આયાત વધુ મોંઘી થઈ જાય છે. ભારત આમાંથી મોટા ભાગની વસ્તુઓ વિદેશથી ખરીદે છે. નબળા રૂપિયાને કારણે વૈશ્વિક રોકાણકારોને નવાં બજારો શોધવાની ફરજ પડે છે, કારણ કે તેમના વળતર પર અસર પડે છે.

મે મહિનાના અંત સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાં ૨૩ અબજ ડોલરના રેકોર્ડ મૂલ્યના શેર વેચ્યા છે. સ્થાનિક શેરબજારમાંથી પગ કરી રહેલા વિદેશી મૂડીના પ્રવાહને કારણે ભારત માટે ચાલુ ખાતાની ખાધને સંતુલિત કરવી પડકારજનક બની ગઈ છે. જો કે, આની બીજી બાજુ પણ છે. નબળા રૂપિયાને કારણે ભારતીય નિકાસ વધુ સ્પર્ધાત્મક બને છે, કારણ કે ભારતીય માલ અને સેવાઓ વિદેશમાં સસ્તી બને છે. ભારતનાં જે નાગરિકો વિદેશમાં કમાણી કરીને દર વર્ષે આશરે ૧૩૫ અબજ ડોલર ભારત મોકલે છે, તેમના કારણે ભારતનું વિદેશી હૂંડિયામણ ખૂટી જતું નથી. આ પરિવારો જેટલા ડોલર મોકલે છે, તેની સામે તેમને ભારતમાં વધુ રૂપિયા મળે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top