ગાંધીનગર: મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં બંગડીઓ વેચીને જીવન ગુજરાન કરતી સંશીબેન કાંગસિયાએ ચૂંટણી જીતીને રાજકારણમાં અનોખી એન્ટ્રી કરી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીના વોર્ડ નંબર 4માંથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલી સંશીબેને બહુચરાજી નગરપાલિકા બેઠક પર વિજય મેળવ્યો છે. સામાન્ય રીતે હાટડી ચલાવી બંગડી, બોરીયા અને બકલ વેચીને જીવન નિર્વાહ કરતી સંશીબેનની જીતે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. સંશીબેનની ઉમેદવારી સમયે જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ હતી. હવે તેમની જીત સાથે એ સ્પષ્ટ થયું છે કે મતદારોમાં ‘ગ્રાઉન્ડ લેવલ’ના નેતાઓ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. હવે સંશીબેન બહુચરાજી નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપશે.