Comments

ગુજરાતમાં ભાજપને પોતાના નેતાઓ પર ભરોસો જ નથી રહ્યો અને તેથી જ તો…

ગુજરાતમાં જયારે જયારે કોઈ પણ ચૂંટણી આવે એટલે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠે. આપણે રાજ્યસભાની ચૂંટણી વખતે જોયું, પેટા ચૂંટણી યોજાઈ એનું કારણ પણ પક્ષપલટો હતો અને પેટા ચૂંટણી વખતે પણ પક્ષપલટો કરીને જતા કોંગ્રેસીઓને જોયા. ગુજરાતમાં વર્ષોથી બે જ પક્ષ છે છતાં આવાગમનની ટકાવારી કાઢીએ તો મોટા ભાગના કોંગ્રેસીઓ જ સમય જતાં કેસરિયો ધારણ કરી લે છે.

કોંગ્રેસીઓની કેસરિયા કરવાની ટકાવારી ભાજપીઓનો પંજાને સાથ આપવાની ટકાવારી કરતાં ઊંચું છે. હાલ આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જોરશોરમાં ચાલી રહી છે અને આ જ ચૂંટણીઓમાં ફરી એક પક્ષ છોડીને બીજા પક્ષનો ખેસ પહેરવાની હોડ લાગી ગઈ છે, એમાંય કોંગ્રેસીઓ તો જાણે કેસરિયાં કરવા તલપાપડ જ હોય એવું લાગી રહયું છે.

આખી સ્થિતિ જોતાં એક વાત સ્પષ્ટ દેખાઈ આવે કે હવે ભાજપના નેતાઓને પોતાના જ નેતાઓ પર વિશ્વાસ નથી રહ્યો, જે રીતે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપમાં રાતોરાત ટિકિટ અપાઈ રહી છે એ જોતાં તો એવું લાગે છે એ દિવસો દૂર નથી કે જયારે ભાજપનું સંપૂર્ણ કોંગ્રેસીકરણ થઇ ગયું હશે. નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે  આ વ્યવસ્થા પર પૂર્ણવિરામ મૂકવાની વાત તો કહી, પણ અમલ જોઈએ તો નહિવત્ છે. ઘણી જગ્યાએ રાતો રાત કોંગ્રેસ છોડીને આવેલાને ભાજપે ટિકિટ આપી દીધી છે.

 હા, એ વાત અલગ છે કે ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ લાવવાનું શ્રેય ભાજપને નથી જતું.ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ ચીમનભાઈ પટેલ આવ્યા ત્યારથી શરૂ થયું. એ પહેલાં ગુજરાતના રાજકારણમાં કેટલાક અંશે નૈતિકતા હતી. ચીમનભાઈના આવ્યા પછી ગુજરાતમાં તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ અને પછી એ વધુ તીવ્ર બનતી દેખાઈ.એમાંય શંકરસિંહ વાઘેલાએ આ તડજોડની રાજનીતિને ચરમસીમા પર પહોંચાડી.

નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા એ દરમિયાન ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ એટલું દેખાતું નથી, પણ તેઓ કેન્દ્રમાં ગયા એ પછી તેમણે પણ એ જ મૉડેલ અપનાવ્યું છે.હાલની સ્થિતિ એવું કહે છે કે જે રણનીતિ સાથે ભાજપ ચૂંટણીમાં ઊતરે છે એ જોતાં લાગે છે કે આ જીત માટે નહીં પણ વિપક્ષને ખતમ કરી નાખવા માટેની યોજના છે.ગુજરાતના રાજકારણમાં છેલ્લાં દસ વર્ષથી પક્ષપલટાની પ્રોસેસ ચાલે છે.

ભાજપનું ઘોષિત સૂત્ર જ છે કે કૉંગ્રેસમુક્ત ભારત.મહત્ત્વનું છે કે કૉંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર નરેન્દ્ર મોદીએ 2014 માં લોકસભાની ચૂંટણી પૂર્વે આપ્યું હતું.કૉંગ્રેસમુક્ત ભારતના આ આહ્વાન પછી 2014 અને 2019 એમ બન્ને લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત હાંસલ થયો.

ભાજપ છેલ્લાં ઘણાં વર્ષોથી જે રીતે બીજા પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં આવકારે છે, ખાસ કરીને હાલ મિશન બંગાળમાં જે રીતે પાર્ટીપ્રવેશ થઇ રહયો છે એ જોતાં તો એવું લાગે છે કે આ વિરોધ પક્ષને ખતમ કરવાનું એક મૉડેલ છે, જેથી વિરોધ પક્ષો એટલા નબળા થઈ જાય કે આવનારાં 15-20 વર્ષો સુધી ફરીથી ભાજપ સામે ઊભા ન થઈ શકે.

2019 લોકસભાની ચૂંટણી બાદ આ જ યોજના ભાજપે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ અપનાવી હતી.ગુજરાતમાં 2001 થી ભાજપનું શાસન છે. એ પછી મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મણિપુર, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં સરકાર બનાવી.

ભાજપની છાપ કૅડર બેઝ્ડ પાર્ટી તરીકેની છે.ભાજપનું જે પ્રણાલીગત મૉડેલ હતું એ પ્રમાણે ભાજપ કૅડર બેઇઝ્ડ પક્ષ હતો અને જેમાં આરએસએસમાંથી આવતા સમર્થ લોકોને પક્ષમાં પદ આપવામાં આવતાં હતાં.

પણ અમિત શાહે પક્ષ પ્રમુખની કમાન સાંભળી ત્યારે આ આખી વ્યાખ્યા જ બદલી નાખી. એમના સમયમાં પક્ષમાં વ્યવહારલક્ષિતાનું વલણ જોવા મળ્યું હતું .કેમ કે શાહને કદાચ એવું લાગતું હતું કે જે જીતે એ નેતા, પછી એ ગમે તે પક્ષનો હોય,જીત મહત્ત્વની છે,હારને કોઈ યાદ રાખતું નથી.એમ પણ વિજેતાઓનો જ ઇતિહાસ
લખાય છે.

આ સ્થિતિથી ભાજપને હાલ ફાયદો થઇ રહ્યો છે, પણ ભાજપના નેતાઓને ખ્યાલ નથી કે આ સ્થિતિથી બીજા પ્રશ્નો એવા સર્જાશે કે ભાજપના કાર્યકરોને એક સમયે એમ લાગશે કે એમના નેતાઓ તમામ લોકોને ટિકિટ આપી શકવાના નથી.ખાલી મહેનત કરવાનો કોઈ ફાયદો નથી.સરવાળે લાંબા ગાળે ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થઇ શકે.પાર્ટીની વિચારધારા આનાથી નબળી પડી શકે છે. કદાચ આ જ કારણોને લઇને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ટિકિટ ન આપી શકવા બદલ માફી પણ માંગી હતી.

ખેર,ભાજપના નેતાઓને હાલ આ સ્થિતિની ચિંતા થતી હોય એવું લાગતું પણ નથી કે ભાજપના નેતાઓ આ બાજુ ચિંતન કરતા હોય એવું પણ દેખાતું નથી.એમને માટે તો હાલ જીતનો ફોર્મ્યુલા જ અમલમાં મૂકવો એવો વણલખ્યો નિયમ બની ગયો છે અને એ જીત માટે પક્ષ અને એની વિચારધારા મહત્ત્વની નથી, નેતા ક્યા પક્ષમાંથી આવે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે? એની વિચારધારા શું છે એ ભાજપ માટે મહત્ત્વનાં લાગતાં નથી.એમને મન તો હાલ જીત અપાવે એટલે પત્યું અને આ વિચાર ગુજરાતની લાંબા ગાળાની જીતથી મૂર્તિમન્ત થયો છે,જોઈએ ક્યાં સુધી ચાલે છે!

          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top