Gujarat Election - 2022

નવસારીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી

નવસારી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપે 150થી વધુ બેઠકો પર જીત મેળવી સપાટો બોલાવ્યો છે. સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ મોટા ભાગની બેઠકો પર ભાજપ આગળ હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના 150 બેઠકનો દાવો સાચો સાબિત થયો છે. દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે અને અહીં પણ ભાજપને મતદારોએ ખોબે ખોબા ભરીને વોટ આપ્યા છે.

દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પૈકી 33 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત થઈ છે. અહીંના આદિવાસી મતદારોએ પણ ભાજપ પર મહ્રો મારી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાંક મતગણતરી કેન્દ્રો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બબાલના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. (BJP And Congress Workers Fight In Navsari) નવસારીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. નવસારીના કાઉન્ટિંગ સ્ટેશનના દરવાજા પર કોંગ્રેસના વાંસદા અને ભાજપના ગણદેવીના કાર્યકરો સામસામે આવી ગયા હતા. બંને પક્ષે બોલાચાલી થતાં મામલો તંગ બન્યો હતો. અહીં નરેશ પટેલ હાય હાયના નારા લાગ્યા હતા. મતગણતરી કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાછપી થઈ હતી. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવો પડ્યો હતો.

નવસારી જિલ્લાની 3 બેઠક ભાજપના ફાળે તો એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ
નવસારી : આજે સવારે 8 વાગ્યેથી જ જલાલપોરની ગાંધી કોલેજમાં મતગણતરી શરૂ થઇ હતી. જોકે મતગણતરી પૂર્ણ થવા પહેલા જ જીલ્લાની તમામ વિધાનસભા બેઠકનું પરિણામ જાહેર થઇ ગયું હતું. જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જયારે એક બેઠક કોંગ્રેસના ફાળે જતા જીલ્લામાં વિધાનસભાનું પરિણામ રીપીટ થયું હતું.

ગણદેવી બેઠક પર ભાજપના નરેશ પટેલને 1,31,116 મત મળતા 93,166 મતોની લીડથી વિજયી થયા હતા. જલાલપોર બેઠક પર ભાજપના આર.સી. પટેલને 1,06,244 મતો મળતા 68,699 મતોની લીડ સાથે સતત છઠ્ઠી વખત વિજયી બન્યા હતા. નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઈને 1,06,875 મતો મળતા 72,313 મતોની લીડ સાથે વિજયી બન્યા હતા. જયારે વાંસદા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી રહી હતી. જોકે અંતે કોંગ્રેસના અનંત પટેલને 1,22,909 મતો મળતા 33,942 મતોની લીડ સાથે વિજયી બન્યા હતા.

Most Popular

To Top