National

બિહારની સોન નદીમાં રેતી ખનન માટે ગયેલી 28 ટ્રકો ફસાઈ

બિહાર: બિહારના (Bihar) રોહતાસ જિલ્લામાં રેતીની 28 ટ્રકો સોન નદીમાં જાણે જળસમાધિ લેવાની હોય તેવી સ્થતિનું નિર્માણ થયું છે. ઈન્દ્રપુરી આસિસ્ટન્ટ સ્ટેશન વિસ્તારના કટારમાં સોન નદીમાં 28 ટ્રક (Truck) ફસાઈ ગઈ હતી. 3 દિવસથી આ ટ્રકો નદીના પાણીમાં ફસાઈ છે. છેલ્લા 40 કલાકથી ટ્રકોને બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે પરંતુ કોઈ સફળતા મળી નથી. હવે વહીવટી તંત્રના લોકોએ પણ હાથ ઉંચા કરી દીધા છે. ટ્રક માલિકો તેમની ટ્રકોને પાણીમાં ડુબતી જોઈને નિરાશ થઈ ગયા છે.

સોન નદીમાં ડૂબતી ટ્રકોમાંની મોટાભાગની ટ્રકો ઉત્તર પ્રદેશની છે. સ્થાનિક લોકોએ જાણકારી આપી હતી કે વહીવટી તંત્રના લોકોએ પણ પાણીમાં ફસાયેલી ટ્રકોને બહાર કાઢવા માટેની કવાયત શરૂ કરી હતી જો કે તેઓને સફળતા ન મળતા હવે તમામ અધિકારીઓએ પણ હાથ ઉંચા કરી દીધા છે. હાલ ટ્રકોને પાણીમાંથી બહાર કાઢવા માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

જાણકારી મળી આવી છે કે બે ટ્રકોએ જળ સમાધિ લઈ લીધી છે. બાકીની 28 ટ્રકો સોન નદીની વચ્ચે ફસાઈ ગઈ છે. જ્યારે ટ્રકને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ટ્રક નદીનીમાં ડૂબવા લાગે છે. ટ્રકો હટાવવા માટે ગઈકાલે રેતી અને સિમેન્ટની થેલીઓ મૂકીને રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે રાત્રે બનેલો આવો જ એક રોડ પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. બીજી તરફ સોન નદીની જળસપાટી પણ ધીમે ધીમે વધી રહી છે. જેના કારણે આ 28 ટ્રકોને કેવી રીતે બહાર કાઢવામાં આવે તે અંગે વિચારણા ચાલી રહી છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશ પર 1 જુલાઈથી સોન નદીમાં રેતી ખનનનું કામ બંધ થઈ ગયું છે. આવી સ્થિતિમાં રેતી ખનન સાથે સંકળાયેલી એજન્સીએ પણ હાથ ઉંચા કરી દીધા છે.

Most Popular

To Top