National

અમદાવાદ-જોધપુર વચ્ચે દોડશે રાજસ્થાનની બીજી વંદે ભારત ટ્રેન, આ તારીખથી શરૂ થશે

રાજસ્થાન: રાજસ્થાનમાં (Rajasthan) અજમેર (Ajmer)થી દિલ્હી (Delhi) વંદે ભારત ટ્રેન (Vande bharat train) બાદ હવે બીજી વંદે ભારત ટ્રેન દોડશે. જો કે આ ટ્રેન અમદાવાદ (Ahmedabad)થી જોધપુર (Jodhpur) વચ્ચે શરૂ થશે. મળતી માહિતી મુુજબ રાજસ્થાનની બીજી વંદે ભારત ટ્રેન જોધપુર-સાબરમતીના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત ભાજપના કેટલાક સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહેશે. જો કે આ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન 4 જુલાઇએ થશે. 7 જુલાઈએ ઉદ્ઘાટન થયા બાદ આ ટ્રેન નિયમિતપણે ચાલુ થશે.

જો કે એ નક્કી નથી થયું કે પીએમ મોદી આ ટ્રેનના ઉદ્ઘાટન માટે જોધપુર આવશે કે વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમને સંબોધશે. પરંતુ ઉત્તર-પશ્ચિમ રેલવે મુખ્યાલયે જોધપુર ડિવિઝનલ રેલવે મેનેજરને પત્ર જારી કરીને 7 જુલાઈએ વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ટ્રેનની રેક ટૂંક સમયમાં જોધપુર પહોંચી શકે છે.

કુલ 7 સ્ટેશનો વચ્ચે દોડશે
મળતી માહિતી મુજબ વંદે ભારત ટ્રેન જોધપુરના ભગત કી કોઠી રેલવે સ્ટેશનથી સવારે 6 વાગ્યે ઉપડી સાબરમતી સ્ટેશને બપોરે 12.05 વાગ્યે પહોંચશે. આ દરમિયાન ટ્રેન ભગત કી કોઠી, પાલી, ફાલના, સિરોહીમાં આબુ રોડ, ગુજરાતના પાલનપુર, મહેસાણા સ્ટેશન પર રોકાશે અને સાબરમતીના છેલ્લા સ્ટેશને પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન સાબરમતીથી 16:45 વાગ્યે ઉપડશે અને 22:45 વાગ્યે ભગત કી કોઠી રેલવે સ્ટેશન પર પહોંચશે.

પેસેન્જરનું ભાડું 950 થી 1650 સુધી હોઈ શકે
જો કે જોધપુર-સાબરમતી ટ્રેનનું ભાડું હજુ નક્કી થયું નથી. પરંતુ અજમેર-જયપુર-દિલ્હી વંદે ભારત કરતાં લાંબા અંતરને કારણે તેનું ભાડું 950 થી 1650 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ચેર કારનું ભાડું ઓછું અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું વધારે હશે. તેમાં રિઝર્વેશન, સુપરફાસ્ટ ચાર્જ, GST ટેક્સ અને કેટરિંગ ચાર્જ સામેલ હશે.

પહેલી અજમેર-જયપુર-દિલ્હી વંદે ભારત ટ્રેન 12 એપ્રિલથી શરૂ થઈ હતી
રાજસ્થાનને આ પહેલા 12 એપ્રિલે પહેલી વંદે ભારત ટ્રેન મળી હતી. જેના કારણે અજમેરથી દિલ્હીની મુસાફરી સરળ બની ગઈ છે. હવે રાજ્યને ત્રણ મહિના પછી જ બીજી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન જોધપુર અને સાબરમતી વચ્ચે કુલ 5 સ્ટેશનો પર સ્ટોપેજ હશે. ટ્રેનના સફળ સંચાલન માટે ઉત્તર પશ્ચિમ રેલવેએ અમદાવાદ-જોધપુર-અમદાવાદ વચ્ચે દોડતી 7 ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. અજમેર-દિલ્હી-અજમેર વંદે ભારત ટ્રેનના સમયને કારણે અન્ય એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનોના સમયપત્રકને ઓવરલેપ કરવાને કારણે વંદે ભારત ટ્રેનના પેસેન્જર લોડને નોંધપાત્ર રીતે અસર થઈ હતી. તેથી જોધપુરથી ગુજરાત જતી આ વંદે ભારત સેમી હાઈસ્પીડ ટ્રેનના સમયપત્રક પહેલા રેલવેએ કેટલીક અન્ય ટ્રેનોના સમયપત્રકમાં જરૂરી ફેરફારો કર્યા છે. વંદે ભારત જોધપુર-સાબરમતી ટ્રેન સોમવારથી શનિવાર સુધી અઠવાડિયામાં 6 દિવસ દોડશે.

Most Popular

To Top