Dakshin Gujarat

ધોધમાર વરસાદને પગલે ભરૂચ અને અંકલેશ્વર જળબંબોળ, નદીની જેમ રસ્તાઓ પર પાણી વહ્યું

ભરૂચ: ભરૂચ (Bharuch) સહીત સમગ્ર જીલ્લામાં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. શનિવારે ટ્વીનસીટી ભરૂચ અને અંકલેશ્વરમાં (Ankleshwar) બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે. આઠ કલાકમાં અંકલેશ્વરમાં પોણા પાંચ ઇંચ અને ભરૂચમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે.

ભરૂચ નગરમાં બુદ્ધદેવ માર્કેટ, પાલિકાની કચેરી, પાંચબત્તી ચાર રસ્તા, કસક રોડ અને દાંડિયા બજારમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં બુદ્ધદેવ માર્કેટમાં પહેલી વખત દુકાનોમાં ગટર અને 50 ટકા બનેલા રોડને કારણે પાણી ભરાતા દુકાનદારોમાં ભારે નારાજગી વ્યાપી છે.

  • ટ્વીનસીટી ભરૂચ અને અંકલેશ્વરમાં મનમૂકીને મેઘો અનરાધાર, ભરૂચમાં ઠેર ઠેર પાણી ભરાયા
  • અંકલેશ્વરમાં પોણા ઇંચ, ભરૂચમાં ચાર ઇંચ, વાલિયામાં ત્રણ ઇંચ અને હાંસોટમાં બે ઇંચ વરસાદથી જળબંબોળ
  • આભ ફાટ્યું હોય એમ ભરૂચ-અંકલેશ્વરમાં મૂશળધાર વરસાદ વરસ્યો
  • પાંચબત્તી ચાર રસ્તા, દાંડિયા બજાર સહિત મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા
  • બન્ને નગરોના માર્ગો પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત
  • નીચાણવાળી સોસાયટી અને દુકાનોમાં પાણી ભરાતા લોકોની યાતનાનો પાર નહીં

ભરૂચ જીલ્લામાં શનિવારે વહેલી સવારથી જાણે આભ ફાટ્યું હોય એમ મુશળધાર વરસાદ ખાબકતા પાણી વહેતું થઇ ગયું હતું.શનિવારે સવારે ૬થી બપોરે ૨ વાગ્યા સુધીમાં ભરૂચ અને અંકલેશ્વર શહેર જળબંબોળ બની ગયું હતું. સૌથી વધુ અંકલેશ્વરમાં ૧૧૮ મીમી,જંબુસરમાં ૩ મીમી, ઝઘડિયામાં ૨૮ મીમી, નેત્રંગમાં ૪૫ મીમી, ભરૂચમાં ૧૦૧ મીમી, વાગરામાં ૧૫ મીમી, વાલિયામાં ૭૭ મીમી અને હાંસોટમાં ૫૯ મીમી વરસાદ ખાબક્યો હતો.

ધોધમાર વરસાદને પગલે ભરૂચમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેમાં ભરૂચ સેવાશ્રમ રોડની આગળ બુદ્ધદેવ માર્કેટની ઘણી દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી. જે બાબતે પાણી ભરાયેલા દુકાનદાર અલ્પેશભાઈ શાહ તેમજ વિવેકભાઈ અગ્રવાલએ ભારે નારાજગી સાથે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં રૂ.૩ કરોડનો પેવરબ્લોકનું માંડ ૫૦ ટકા કામ થયું છે. જેને કારણે ગટરો પણ સરખી ન કરતા આખરે વરસાદી પાણી રોડ પરથી દુકાનોમાં ભરાયું છે. માંડ બે કલાકના વરસાદમાં પાણી ભરાય જાય તો કોઈ નક્કર કામ ન કરે તો આખરે નુકશાની અમારે ભોગવવી પડે છે.

Most Popular

To Top