Dakshin Gujarat

ઓમાનમાં ફસાયેલી ભરૂચના નાંદેડાની દીકરી વતન પહોંચતા ભાવવિભોર બની

ભરૂચ: ગુજરાતમાં એજન્ટની મદદથી ગેરકાયદેસર રીતે અમેરિકા (UK) કે કેનેડા (Canada) જતાં લોકોનો જીવ જોખમમાં મુકાતો હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે. હાલમાં જ ભરૂચની (Bharuch) મહિલા એજન્ટની મદદથી વિદેશ જવા નીકળી હતી અને તે ઓમાનના મસ્કતમાં ફસાઈ ગઈ હતી. જેને ઓમાનમાં (Oman) રહેતા સેવાભાવી યુવાનોએ સહી સલામત ઘરે પહોંચાડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના નાંદેડા ગામની દીકરી વિદેશ જતાં એકાએક ઓમાનના મસ્કતમાં ફસાઈ ગઈ હતી. ત્રણ દિવસ પહેલા દીકરીને હવે પોતાને વેચી દેવામાં આવશે અને તેના પર ભારે યાતનાઓ ભોગવવામાં આવશે તે બાબતનો ડર સતાવી રહ્યાનો દર્દનાક વીડિયો ક્લીપ વાયરલ થતાં મુસ્લિમ સમાજના સેવાભાવી આગળ આવ્યા હતા.

વીડિયો વાયરલ થતાં જ ઓમાનમાં રહેતા સેવાભાવી ઇમરાન પાલેજવાલા તેમજ યાકુબ માચવાલાએ આ દીકરીને લઈ આવીને ગુરૂવારે સાંજે નાંદેડા સહીસલામત ઘરે પહોંચાડતા પરીજનોની આંખ ભીની થઈ ગઈ હતી.

  • ઓમાનમાં રહેતા સેવાભાવી યુવકોએ આગળ આવીને તસ્લીમા પટેલને સહીસલામત ઘરે પહોંચાડી
  • યુવતીને એજન્ટ દ્વારા વેચી નાંખવાનો અને યાતનાઓ ભોગવવી પડે તેવો ડર સતાવી રહ્યો હતો
  • ભરૂચના વાગરાના નાંદેરા ગામની મહિલા તસ્લીમા પટેલ ઓમાનના મસ્કતમાં ફસાઈ હતી

નાંદેડાની નોકરી માટે વિદેશ જવા નીકળેલી તસ્લીમા ઈલિયાસ પટેલે ત્રણ દિવસ પહેલાના વીડિયોમાં કહ્યું હતું કે, ‘હું ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદેડા ગામની છું, ઈન્દોરના એજન્ટ અને એક મહિલાએ મને ફસાવી દીધી છે. આ લોકો કામના બહાને લાવીને વેચવાની કોશિશ કરી રહ્યા છે. મને જબરજસ્તી બીજે મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મારી સાથે શું થવાનું છે? એ મને ખબર નથી પણ મને બહુ જ ડર લાગી રહ્યો છે.’ તસ્લીમાએ ભારત સરકાર પાસે મદદની ગુહાર કરી હતી.

આ વીડિયો વાઇરલ થતાં તસ્લીમાના પરિવારજનો સહિત અન્ય ભારતીય નાગરિકો તેની મદદમાં લાગી ગયા હતા. જે બાદ મહિલા સલામત હોવાનું જાણવા મળ્યું હતું. વાયરલ વીડિયો બાદ મહિલાને મદદ કરવા અનેક લોકો સામે આવ્યા હતા. ભરૂચ જિલ્લાના અબ્દુલ કામઠીએ તેમનાં ઓમાનમાં રહેતા ઓળખીતા ઇમરાન પાલેજવાલા તેમજ યાકુબ માચવાલાએ વાકેફ કરતાં જ ફસાયેલી દીકરીની પાસે પહોંચી જઈને તેમના નિવાસસ્થાને લઇ આવ્યા હતા.

એ સમયે જ તસ્લીમા પટેલને પોતે સલામત હોવાનો અહેસાસ થયો અને બીજો વીડિયો વાઇરલ કર્યો હતો. સેવાભાવીની મદદથી તસ્લીમા પટેલ ઓમાનથી ભારત આવવા નીકળતા મુંબઈ ખાતે પ્લેનમાં આવી પહોંચી હતી. જેમાં તસ્લીમા પટેલને ગુરૂવારે સાંજે માદરે વતન નાંદેડાની ભૂમિ પર પગ મુકતાં ભાવવિભોર બની ગઈ હતી અને પરીજનો ચિંતા મુક્ત થઈ ગયા હતા.

Most Popular

To Top