Columns

ભરણી નક્ષત્રમાં જન્મેલ સ્ત્રી સુખી, સત્યવાદી અને પુત્ર સુખ પ્રાપ્ત કરનાર હોવાની શક્યતા છે

ભરણી નક્ષત્ર – ૨
ગયા મંગળવારે ભરણી નક્ષત્રના દેવ યમદેવની બે વાર્તા જોઈ. યમદેવની ઘણી વાર્તાઓ છે, પરંતુ આજે બીજી બે વાર્તાઓ જોઈશું : યમ, રાવણ અને કાગડો :
આ વાર્તા રાવણ સંહિતામાં વિસ્તારથી લખી છે. સતયુગમાં દેવો રાજાઓ અને બ્રાહ્મણ હંમેશા કોઈને કોઈ યજ્ઞ કરી, ઈશ્વર ભક્તિ કરતા આનંદ અનુભવતા હતા. લંકામાં રાવણનું રાજ્ય હતું. એકવાર રાવણને દેવો યજ્ઞ કેવી રીતે કરે છે તે જોવાની ઉત્કંઠા થઈ. રાવણ જાતે દેવોના યજ્ઞમાં જવા નીકળ્યા. રસ્તામાં એમણે તપાસ કરી કે યજ્ઞ ક્યાં થાય છે? રાવણને જગ્યા ખબર પડતાં ત્યાં પહોંચવા નીકળ્યા.

જેમને એમણે પૂછ્યું હતું, તેઓએ દેવને જણાવ્યું કે રાવણ યજ્ઞમાં આવવા નીકળ્યા છે. રાવણનું નામ સાંભળતા દેવો ગભરાઈ ગયા. એમને લાગ્યું કે રાવણ યજ્ઞનો ભંગ કરવા માટે અને અમને મારી નાખવા માટે અહીં આવવા નીકળ્યા છે, જે તદ્દન ખોટી વાત હતી. પરંતુ રાવણ અભિમાની અને બીજાની ઈર્ષા કરનાર હોય દેવોએ આવુ અનુમાન કર્યું. બધા દેવોએ ભેગા મળી નક્કી કર્યું કે આપણે જુદા જુદા પશુ – પક્ષીનું રૂપ લઈએ એટલે રાવણ આપણને મારશે નહીં. કોઈ મોર, પોપટ, કાબર, કબુતર, ગીધ, ચકલી, હંસ વગેરે સ્વરૂપ લઇ યજ્ઞમાં બેઠા. તે દિવસે યમદેવને યજ્ઞમાં આવતા થોડું મોડું થયું. જ્યારે યમદેવ યજ્ઞમાં આવ્યા ત્યારે, એમણે બધા પક્ષીઓને જોયા.

યમદેવ જોયું કે બધા પક્ષીઓ તો છે, પરંતુ કાગડો કોઈ બન્યું નથી. એટલે યમદેવ કાગડો બની ગયા. રાવણ જ્યારે યજ્ઞમાં આવ્યા ત્યારે યજ્ઞમાં એક પણ દેવ દેખાતા નહોતા. એટલે રાવણ ત્યાંથી ચાલી ગયો. બધા દેવ રાહત અનુભવવા લાગ્યા. યમરાજાને પણ થયું કે મને મોડું થયું પરંતુ કાગડાને કારણે મારું જીવન બચી ગયું. યમદેવને લાગ્યું કે આ કાગડાએ મારો જીવ બચાવ્યો છે એમ વિચારી કાગડાને વરદાન આપ્યું કે તમે પિતૃના Representative થશો. આ કારણે શ્રાધ્ધ પક્ષમાં કાગડાને તર્પણ કરવામાં આવે છે. હિદુ ધર્મમાં કાગડામાં પિત્તૃનો વાસ માનવામાં આવે છે.

સૂર્યના પુત્ર યમદેવ :
અશ્વિની નક્ષત્રમાં આપણે સૂર્યના પુત્ર અશ્વિનીકુમારના ગુણધર્મ જોયા. ભલે નક્ષત્રના દેવ યમદેવ છે, એ પણ સૂર્યના પુત્ર છે. યમદેવની માતાનું નામ સંજના છે, જે વિશ્વકર્માની પુત્રી છે. સંજનાથી જ્યારે સૂર્યનું તેજ સહન ન થયું ત્યારે પોતાના જેવી જ એક છાયા બનાવી અને પોતે વિશ્વકર્માને ઘરે ગઈ. શરૂઆતમાં તો છાયા યમને યમીનીનું ધ્યાન રાખતા હતા. જ્યારે છાયાને પુત્ર જન્મ્યો ત્યારબાદ છાયા પોતાના પુત્ર શનિનું જ ધ્યાન રાખતા. શરૂઆતમાં યમદેવે બહુ ધ્યાનમાં ન લીધુ, પરંતુ વખત જતા યમદેવને પોતાની સાવકી માતા પર ગુસ્સો આવ્યો.

યમદેવને સમજ નહોતી પડતી કે મારી માતા મારી સાથે આવો દુર્વ્યવહાર કેમ કરે છે? એક દિવસ ગુસ્સે થઈને યમરાજાએ છાયાને પગેથી ધક્કો માર્યો. આથી છાયાએ યમને શાપ આપ્યો કે જે પગે તે મને ધક્કો માર્યો છે તે તારો પગ ખોડો થઇ જશે. યમે આ વાત પોતાના પિતા સૂર્યદેવની કરી ત્યારે સૂર્યદેવને પણ આશ્ચર્ય થયું. સૂર્યદેવ સમાધિમાં બેઠા ત્યારે જાણ થઈ કે છાયા મારી પત્નીની છાયા છે. સૂર્ય દેવે જ્યારે છાયાને પૂછ્યું ત્યારે છાયા એ સાચી વાત કરી. સૂર્યદેવ છાયા પર ગુસ્સે થઈ ગયા અને એમણે છાયાને ભસ્મ કરી. શનિદેવે જ્યારે આ જોયું ત્યારથી શનિદેવ પોતાના પિતા સૂર્યને દુશ્મન માનવા લાગ્યા. યમ શનિનો સાવકો ભાઈ છે, એટલે આ નક્ષત્રમાં શનિ નીચનો થાય છે.

ભરણી નક્ષત્રના જાતકના માતાપિતામાં કંઈક અણબનાવ થવાની શક્યતા રહેલી છે. જાતક સત્યવાદી, દ્રઢ નિશ્ચયી અને નિરોગી હોય છે. ભરણી નક્ષત્રમાં જન્મેલ સ્ત્રી સુખી, સત્યવાદી અને પુત્ર સુખ પ્રાપ્ત કરનાર હોવાની શક્યતા છે.
નક્ષત્રની યોની ગજ હોવાને કારણે જાતક બધાનું ધ્યાનથી સાંભળતા રહે અને આજુબાજુનું બધુ ધ્યાનથી જુએ.
જાતક વિશાલાક્ષ હોય બીજા પર નજર રાખે.
સત્યવાદી હોવાને કારણે સંબંધોમાં મતભેદ થવાની શક્યતા રહે.
જે પણ મનમાં નિશ્ચય કરે તે પૂર્ણ કરવા પૂરતા પ્રયત્ન કરે.

Most Popular

To Top