Columns

પારડી તાલુકાનું રાજકીય દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતું ચાર તળાવ વાળું વિકાસમાં અગ્રેસર આ ગામ

વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી 20.8 કિલોમીટર અંતરે પારડી તાલુકાનું પરિયા ગામ આવેલું છે. જ્યારે પારડીથી પરિયાનું અંતર 11.7 કિલોમીટર છે. અહીંથી સૌથી નજીક ઉદવાડા રેલવે સ્ટેશન છે. ઉદવાડા રેલવે સ્ટેશન પરિયાથી 6.3 કિલો મીટરના અંતરે છે. અહીંથી નેશનલ હાઇવે પણ નજીક છે. પારડી તાલુકાનું પરિયા ગામ અનેરું મહત્ત્વ ધરાવે છે. આ ગામ તેના રાજકીય નેતાગીરીને કારણે જાણીતું છે. 4 તળાવ ધરાવતા આ ગામની વસતી 7596ની છે. મહત્તમ આદિવાસી વસતી ધરાવતા આ ગામની મહત્ત્વતા પણ ખૂબ છે. વલસાડ-ડાંગના હાલના સાંસદ ડો.કે.સી.પટેલ પરિયા ગામના જ વતની છે. આ ગામ રાજકીય મહત્ત્વ સાથે સૌંદર્ય અને ધાર્મિક મહત્ત્વ પણ ધરાવે છે.

કુદરતી સૌંદર્ય અને ધાર્મિક ક્ષેત્રે પરિયા ગામનું અનેરું મહત્ત્વ, અહીંના ગુપ્તેશ્વર મહાદેવ, રામ મંદિર અને હનુમાન મંદિર આસ્થાનું કેન્દ્ર, ગામની કુલ વસતી 7596, જેમાં 3853 પુરુષ તથા 3743 સ્ત્રીનો સમાવેશ થાય છે

અહીંના ગુપ્તેશ્વર મહાદેવ, રામ મંદિર અને હનુમાન મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ગામ મોટા વિસ્તારમાં વિસ્તર્યું છે. પરિયા ગામની કુલ વસતી 7596 છે, જેમાં 3853 પુરુષ તથા 3743 સ્ત્રીનો સમાવેશ થાય છે. પરિયા ગામમાં 25 જેટલાં ફળિયાં છે, જેમાં 1900 જેટલાં મકાનો છે. મહત્તમ મકાનો જૂની લઢણનાં નળિયાવાળાં છે. આ ગામમાં ઉચ્ચ શિક્ષિતોની સંખ્યા પણ ખૂબ છે. ગામમાં 82 ટકા લોકો શિક્ષિત છે. ગામમાં 3 ફેક્ટરીઓ ધમધમતી હોવાથી અહીં રોજગારીની પણ મોટી તકો ઊભી થઇ છે. ગામમાં બેરોજગારી ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. ગામમાં ફેક્ટરીઓ સાથે મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમજ પશુપાલન ક્ષેત્રમાં પણ મહત્તમ લોકો જોડાયેલા છે. અહીં મોટી સંખ્યામાં ઢોર છે. તેમજ પોલ્ટ્રીફાર્મનો વ્યવસાય પણ અહીં ફૂલ્યોફાલ્યો છે. મહત્તમ લોકો ખેતી સાથે જોડાયેલા છે. ગામ આંબાવાડીથી ભરાયેલું છે.

સાથે થોડા ઘણા પ્રમાણમાં અહીં ડાંગરની પણ ખેતી થાય છે. કેરી અને ડાંગરની ખેતીમાં અગ્રેસર એવા આ ગામમાં એક કૃષિ પ્રાયોગિક કેન્દ્ર અને કૃષિ કોલેજ પણ આવેલી છે. જેનો મોટો લાભ ગામના ખેડૂતોને થઇ રહ્યો છે. ગામની આ કૃષિ પ્રયોગશાળા આખા તાલુકા માટે આશીર્વાદરૂપ બની છે. અહીંથી ખેડૂતોને મહત્તમ માર્ગદર્શન મળી રહે છે. ત્યારે આ ગામ રાજકીય, ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી જેવી સગવડો છે. આ ગામની ખાસિયત એ છે કે હાલના બે ટર્મથી સાંસદ ડો.કે.સી.પટેલનું ગામ છે.

માજી ધારાસભ્ય તેમજ વિધાનસભાના દંડક રહી ચૂકેલાં ઉષાબેન પટેલ પણ અહીં રહે છે. આમ રાજકીય દૃષ્ટિએ પણ આ ગામ વલસાડ જિલ્લામાં પહેલી હરોળનું ગામ કહી શકાય. વલસાડ જિલ્લામાં આમ પણ ઘણાં વર્ષો સુધી પારડી તાલુકો રાજકીય નેતાગીરી માટે આગળ પડતો રહ્યો છે. પરિયા પાસેના ડુમલાવ ગામના ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ સાંસદ તેમજ કેન્દ્રમાં મંત્રી પદે રહી ચૂક્યા હતા. આમ આ વિસ્તાર આદિવાસીઓની મુખ્યત્વે વસતી ધરાવતો વિસ્તાર છે. પરિયા ગામ પારડી તાલુકાનું આગળ પડતું ગામ છે. પરિયા ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

પરિયાની બાગાયત પોલિટેક્નિક કોલેજે ગામને અલગ ઓળખ આપી
પારડીના પરિયા તાલુકામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન બાગાયત પોલિટેક્નિક કોલેજ ધમધમી રહી છે. જેણે પરિયા ગામની રોનક બદલી કાઢી છે. સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં અનોખી ક્રાંતિ પણ કરી છે. જેના કારણે અહીંની કેરી દેશ જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ખૂબ પ્રખ્યાત બની છે. અહીં ગુજરાતભરમાંથી 100 વિદ્યાર્થીઓ દર વર્ષે અભ્યાસ માટે આવતા હોય છે. અહીં 3 વર્ષનો કૃષિનો કોર્સ ચાલી રહ્યો છે. આ કોર્સમાં મુખ્યત્વે ચાર વિષયોમાં ફળ પાક, શાકભાજીની ખેતી, ફૂલોની ખેતી અને પોસ્ટ હાર્વેસ્ટેડનો વિષય છે. આ સિવાય અહીં જમીનના વિષયો તેમજ પ્લાન્ટ પ્રોટેક્શન, એન્જિનિયરિંગ, કેમેસ્ટ્રી વગેરે જેવા વિષયો અહીં શિખવવામાં આવે છે. ગુજરાતભરમાંથી અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતાં અહીં સંલગ્ન ચીજવસ્તુઓનો વેપાર પણ ચાલતો હોય છે. આ પોલિટેક્નિક કોલેજના કારણે ગામમાં એક શિક્ષણનું મોટું સંસ્થાન ઊભું થઇ શક્યું છે. જેના થકી ગામને અલગ ઓળખ મળી છે. તેમજ ગામના ખેડૂતોના પુત્રો તેમજ ખેડૂતોને પણ તેનો મોટો લાભ થઇ શક્યો છે. આ સંદર્ભે વલસાડના ડો.શરદભાઇ ગાયકવાડે જણાવ્યું કે, આ કોલેજમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ આવે છે. ગુજરાત કક્ષાની આ કોલેજ છે. અહીંના સંશોધન કેન્દ્રમાં પણ અનેક સંશોધન થતા રહે છે. જે હરિયાળી ક્રાંતિ માટે ખૂબ મહત્ત્વની સાબિત થઇ શકે છે.

ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધા
શિક્ષણ અને આરોગ્ય એ પાયાની જરૂરિયાત છે. પારડી તાલુકાને એ સુવિધા નસીબ થઈ છે. રાજકીય આગેવાનોની કુનેહને કારણે વિકાસકાર્યો પણ આગળ વધી રહ્યાં છે. ટૂંકમાં કહીએ તો ઘરઆંગણે જ આરોગ્ય અને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હોવાથી અન્ય વિસ્તારો પર મદાર રાખવો પડતો નથી. પારડીના પરિયા ગામની મોટી વસતીના આધારે અહીં 10 આંગણવાડી અને 5 સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. આંગણવાડીમાં 487 વિદ્યાર્થી, જ્યારે પ્રાથમિક શાળામાં 578 વિદ્યાર્થી છે. અહીં એક ખાનગી હાઇસ્કૂલ પણ અહીં ચાલી રહી છે. જેમાં 340 વિદ્યાર્થી અને 8 શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. ગામનાં મહત્તમ બાળકો આ સ્કૂલ પર જ પોતાના અભ્યાસનો આધાર રાખે છે. આરોગ્યની સુવિધા માટે અહીં જિલ્લા પંચાયત સંચાલિત એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જ્યાં અનેક રોગની પ્રાથમિક સારવાર અપાઇ રહી છે. આમ, પરિયા ગામમાં આરોગ્ય તેમજ શિક્ષણની વ્યવસ્થા સારી છે. ઘરઆંગણે શિક્ષણ તેમજ આરોગ્યની સેવા પ્રાપ્ત થતી હોવાથી અહીંના લોકોએ પારડી કે વાપી સુધી લંબાવું નહીં પડે તે એક સારી બાબત છે.

દરેક ઘરે પાણી પહોંચાડવા ટાંકી
પરિયા ગામમાં દરેક ઘરે નળમાંથી પાણી આવે એ માટે ગ્રામ પંચાયતના મકાનની બાજુમાં જ વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરાયું છે. આ ટાંકીમાંથી ગામનાં મહત્તમ ઘરોમાં નળ થકી પાણી પહોંચી રહ્યું છે. જેના માટે સતત પંચાયત દ્વારા પાણીની લાઇનો પણ નંખાતી રહે છે. પરિયા ગામમાં ઓવરહેડ ટાંકીને કારણે ગામમાં પાણી પહોંચાડવું સરળ બન્યું છે.

  • ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યોની યાદી
    ડિમ્પલબેન અમિતભાઇ પટેલ (સરપંચ)
  • મીરાબેન સુમનભાઇ પટેલ (ઉપસરપંચ)
  • મીનાબેન નટુભાઇ પટેલ
  • દર્શિકાબેન ભાવિન માહ્યાવંશી
  • દીપકભાઇ મોહનભાઇ પટેલ
  • નિલેશ્વરીબેન જિતેન્દ્રભાઇ પટેલ
  • હસમુખભાઇ કાનજીભાઇ પટેલ
  • અક્ષય રોહિતભાઇ હળપતિ
  • રસીલાબેન અશ્વિનભાઇ પટેલ
  • નિલેષભાઇ બાલુભાઇ પટેલ
  • કીર્તિકુમાર સતીષભાઇ પટેલ
  • કલાબેન રજનીભાઇ પટેલ
  • તલાટી કમ મંત્રી – જિજ્ઞેશ એ. પટેલ

સુવિધાસભર પરિયા ગામ વિકાસના પંથે
પારડી તાલુકાનું પરિયા ગામ આમ તો સુવિધાસભર છે. ગામમાં રસ્તા તેમજ પીવાના પાણીની સગવડ છે. અહીં શિક્ષણ માટે પણ સારી શાળા છે. તેમજ ખેતી માટે કૃષિ સંશોધન કેન્દ્ર છે. બીજી તરફ બાગાયત પોલિટેક્નિક કોલેજ પણ છે. ઉદવાડા રેલવે સ્ટેશન તેમજ નેશનલ હાઇવે-૪૮થી પણ ગામ નજીક હોવાથી આવવા-જવા માટે ગામનું લોકેશન આશીર્વાદરૂપ છે. આદિવાસીઓની મુખ્ય વસતી ધરાવતા આ ગામમાં મહિલા સરપંચ અને ઉપ સરપંચના નેતૃત્વમાં ગામમાં આગામી દિવસમાં પણ વિકાસનાં કામો ગતિમાં રહેવાનાં છે. પારડી તાલુકાના ગામોમાં આગળ પડતું આ ગામ હવે વિકાસના પંથે નવા આયામ સિદ્ધ કરશે. પરિયા ગામે શિક્ષણ ક્ષેત્રે પણ સારી પ્રગતિ કરી છે. આરોગ્યની સેવામાં પણ ગામમાં સારું કામ થઈ રહ્યું છે. તે જોતાં આગામી દિવસોમાં પરિયા ગામ વિકાસની હરણફાળ ભરશે તેવું કહી શકાય. પરિયા ગામમાં કોરોનાના કપરા સમયમાં પણ વેક્સિનેશનમાં ગામે આગળ પડી યોગદાન આપ્યું છે. પરિયા ગામ આગામી દિવસોમાં પારડી તાલુકાનું તો અગ્રીમ ગામ બનશે, પરંતુ તેનાથી આગળ વધીને આ ગામ વલસાડ જિલ્લામાં પણ અગ્રીમ ગામ તરીકે વિકાસનો નવો ઈતિહાસ રચશે તેવું કહેવું અતિશયોક્તિભર્યુ નથી.

અહીં કૃષિ સંશોધન કેન્દ્રથી હરિયાળી ક્રાંતિ આવી
પરિયામાં કૃષિ યુનિવર્સિટી નવસારીનું કૃષિ સંશોધન કેન્દ્ર પણ ચાલી રહ્યું છે. આ કેન્દ્રમાં રોજ નવા નવા પ્રયોગો થતા રહેતા હોય છે. જેનાથી ગામના ખેડૂતો પાકનું મબલખ અને ગુણવત્તાસભર ઉત્પાદન કરતા થયા છે. આ સંશોધન કેન્દ્રના ખેતરમાં આંબા, ચીકુ અને કાજુની ખેતી અને તેના પર સંશોધન થઇ રહ્યાં છે. આ સંશોધન કાર્યમાં હાલ કાજુમાં થતી નુકસાની પર સંશોધન ચાલી રહ્યું છે. અહીં આંબા અને કાજુનો ઓલ ઇન્ડિયા કોર્ડિનેટર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રકારના પ્રોજેક્ટ થકી હરિયાળી ક્રાંતિ આવી છે. અહીંની આંબાવાડીમાં આ વિવિધ પ્રયોગોના કારણે પાક ઘણો સુધર્યો છે અને તેના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. અહીં ચાલતા વિવિધ પ્રકારના સંશોધનની જાણકારી જિલ્લાભરના ખેડૂતો માટે ઉપયોગી બની રહ્યા છે. ખાસ કરીને બાગાયતી પાકોમાં તેનો સિંહફાળો રહ્યો છે. ગામના ખેડૂતો નિયમિત પણે અહીં મુલાકાતે આવે છે અને સંશોધન કેન્દ્ર દ્વારા પણ વખતો વખત એમના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.

ચાર તળાવના કારણે ગામમાં પાણીની સમસ્યા રહેતી નથી
પરિયા ગામમાં પાણીની સમસ્યા નહીંવત છે. ગામના મહત્તમ ઘરમાં નળથી પાણી આવે છે. જો કે, પાયાની સુવિધા માટે ગ્રામ પંચાયત નબળી સાબિત થઇ રહી હોવાનું જોવા મળ્યું છે. હાલના સરપંચ નવા હોય તેઓ હજુ ગામના વહીવટને સમજી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. નવા સરપંચ પણ આગામી દિવસમાં ગામને પ્રગતિના પંથે લઈ જવા માટે તત્પર છે. આમ, પરિયા ગામ આગામી દિવસોમાં વિકાસના પંથે આગળ વધશે તેમા કોઈ શંકા નથી.

તળાવો ગામના ભૂગર્ભ જળને સુરક્ષિત રાખે છે
પરિયા ગામમાં ચાર તળાવ આવેલાં છે, જેમાં બાવડિયા તળાવ, મોરા ફળિયા તળાવ, લાંધિયા ફળિયા તળાવ અને સરોણ તળાવ છે. આ તળાવોના કારણે ગામમાં બારેમાસ હરિયાળી રહે છે. આ તળાવોના કારણે ગામનું ભૂગર્ભ જળ સચવાયેલું રહે છે. ગામમાં અનેક હેન્ડપમ્પમાં તેના કારણે પાણી ક્યારેય પણ ખૂટતું નથી.

પંચાયતનો હોલ ગામ માટે ઉપયોગી
પરિયા ગ્રામ પંચાયતના મકાન ઉપર મોટો કમ્યુનિટી હોલ આવેલો છે. અહીં નાના-મોટા કાર્યક્રમો છાસવારે થતા રહેતા હોય છે. ગામ લોકો પણ આ હોલનો ઉપયોગ કરી શકે છે. વિકસિત ગામમાં આ હોલ એક અનોખી સુવિધા પૂરી પાડી રહ્યો છે. જે ગામ માટે ખૂબ અગત્યનો છે. અનેક સરકારી કાર્યક્રમો પણ આ હોલમાં થતા રહેતા હોય છે.

ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં પણ ગામ અગ્રેસર
પરિયા ગામ ખેતીમાં જ નહીં, પરંતુ પશુપાલન માટે પણ ખૂબ જ અગ્રેસર છે. આ ગામમાં 749 જેટલાં ઢોર છે, જેમાં 446 ગાય અને 206 ભેંસ છે. આ સિવાય અહીં 97 બકરાં છે. આ સિવાય અહીં પોલ્ટ્રી ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. જેમાં ખાસ કરીને 30,197 જેટલાં મરઘાં છે. જેનો વ્યવસાય અહીં ખાસ્સો વિકસ્યો છે.

શેરડી, ડાંગર, કેરી, ચીકુ તેમજ શાકભાજી મુખ્ય પાક
પરિયા ગામના લોકો મુખ્યત્વે ખેતી પર નભે છે. ખેતીમાં ખાસ કરીને શેરડી, ડાંગર, કેરી, ચીકુ તેમજ શાકભાજીના પાક મેળવે છે. આ ગામમાં ખેતીને કારણે ખેતમજૂરી તેમજ પશુપાલન થકી અહીંના લોકો રોજગારી મેળવે છે.

બાવડિયા તળાવ ફરતે વોક-વે બનશે
પરિયાનાં ચાર તળાવ પૈકી હજુ સુધી એકપણ તળાવનું બ્યુટિફિકેશન થઇ શક્યું નથી. જો કે, આ ચાર પૈકીના બાવડિયા તળાવ ફરતે વોક-વે બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. આગામી સમયમાં આ તળાવનું બ્યુટિફિકેશન કરી ફરતે વોક-વે તેમજ વડીલો માટેનું બેઠક સ્થળ ગોઠવવાનું આયોજન પણ થઇ રહ્યું છે. જો કે, હાલ આ યોજના કાગળ પર આવી શકી નથી.

પરિયા ગામની મહત્તમ જમીન ખેતીની છે
પારડીનું પરિયા ગામ 1493.24 હેક્ટરમાં પથરાયેલું છે, જેમાં મહત્તમ જમીન કાળી અને ગોરાડુ પ્રકારની છે. અહીંની જમીન ફળદ્રુપ મનાય છે. ગામમાં 15.58 હેક્ટર જમીન ખેડવાલાયક છે. જ્યારે 48.75 હેક્ટર જમીન બિન ખેડાણલાયક હોવાનું જાણવા મળ્યું છે. ખેતીની જમીન પૈકી 288 હેક્ટર જમીન પિયતવાળી અને 1065.57 હેક્ટર જમીન બિન પિયતની છે.

કાયદા વ્યવસ્થા માટે પોલીસ ચોકી
પારડીનું પરિયા ગામ વસતીના હિસાબે તેમજ અનેક પ્રકારે વિકસેલું છે. જેના કારણે અહીં કાયદો અને સુરક્ષાની મહત્ત્વની જવાબદારી રહેતી હોય છે. જેના માટે અહીં ખાસ પોલીસ ચોકી ખોલવામાં આવી છે. ખૂબ જૂજ ગામમાં પોલીસ ચોકી હોય છે, જેમાં પરિયા ગામનો સમાવેશ થયો છે. અહીં પોલીસ ચોકી આવી હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. પરિયા ગામમાં પોલીસ ચોકી હોવાથી ગુનાનું પ્રમાણ પણ કાબૂમાં છે.

પીવાનું પાણી પાઈપલાઈન અને વપરાશનું પાણી હેન્ડપમ્પ થકી મળે છે
પરિયા ગામમાં પીવાનું પાણી પંચાયત પાસે બનેલી મોટી ટાંકી થકી ઘર સુધી પહોંચે છે. ગામના બોરમાંથી ટાંકીમાં પાણી ભરાય અને પાઇપ લાઇન મારફતે તે લોકોના ઘર સુધી પહોંચે છે. જ્યારે વપરાશી પાણી માટે લોકોએ જાતે બોર કરાવ્યા છે. તો અનેક સ્થળોએ હેન્ડ પમ્પો રાખવામાં આવ્યા છે. આ હેન્ડપમ્પ થકી વપરાશનું પાણી બારેમાસ મળી રહે છે.

ગામનો સાક્ષરતા 81.45 ટકા છે
પરિયા ગામ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓનાં કુટુંબ ધરાવતું ગામ છે. ગામમાં કુલ 1750 કુટુંબ વસવાટ કરે છે. જે પૈકી પુરુષોનો સાક્ષરતા દર 88.40 ટકા છે અને મહિલાઓનો સાક્ષરતા દર 74.37 ટકા છે. અનૂસૂચિત જાતિમાં આ દર વધારે છે, જેમાં પુરુષોમાં 95 ટકા, મહિલાઓમાં 90 ટકા અને કુલ 92 ટકા અનુસૂચિત જાતિ સાક્ષર છે.

ગામનાં મહત્તમ ઘર નળિયાવાળાં છે
પરિયા ગામમાં 90 ટકા મકાન પાકાં છે, પરંતુ પાકાં ઘરો પૈકીનાં 1724 મકાન હજુ પણ નળિયાવાળાં છે. જ્યારે 519 મકાન જ ધાબાવાળાં છે. આ સિવાય 224 મકાન માટીનાં (કાચાં) કહી શકાય એવાં છે. ગામમાં મહત્તમ વ્યક્તિઓ મધ્યમવર્ગીય છે. 20 ટકા કુટુંબ જ ઉચ્ચ મધ્યમ વર્ગના કહી શકાય એવાં છે. જેઓ પાકાં મકાનમાં અથવા નળિયાવાળાં મોટાં મકાનોમાં રહે છે.

Most Popular

To Top